Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

રાહુલ ગાંધીનું ''મિશન દક્ષીણ'': તિરૂપતિમાં પૂજા બાદ રોડ શો અને રેલી

નવીદિલ્હી, તા.૨૨:-મિશન સાઉથ ને લઇને ભાજપ અને કોંગ્રેસની વચ્ચે રાજકીય જંગ તેજ બની ગઇ છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહના આંધ્ર પ્રદેશના પ્રવાસ બાદ એક દિવસ બાદ જ આજરોજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આંધ્ર પ્રદેશની મુલાકાતે પહોંચ્યાં છે. રાહુલ ગાંધી અહીં તિરૂપતિ બાલાજી મંદિરમાં જઇને દર્શન કરી લોકસભા ચૂંટણી ૨૦૧૯નું રણશિંગુ ફુંકશે.

કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધી પહેલી વખત આંધ્ર પ્રદેશની મુલાકાતે  છે. રાહુલ ગાંધી આંધ્ર પ્રદેશમાં ચૂંટણી અભિયાનની શરૂઆત પ્રસિધ્ધ તિરૂપતિ બાલાજી મંદિરમાં પૂજા અર્ચનાની સાથે કરલે. અહીં રાહુલ ગાંધી એક રોડ શો કરશે.

ત્યારબાદ રાહુલ ગાંધી એક જનસભાને સંબોધન કરશે. કોંગ્રેસ અધ્યક્ષની આ મુલાકાત દરમિયાન આંધ્ર પ્રદેશ માટે વિશેષ રાજય દરજ્જા અને રાજયના પુનઃનિર્માણ અધિનિયમ ૨૦૧૪ના  મુદ્દાને ઉઠાવી શકે છે. રાહુલ ગાંધી ખેડૂતો માટે ૨ લાખ રૂપિયાની લોનમાફીની જાહેરાત પણ કરી શકે છે.

આંધ્ર પ્રદેશમાં કુલ ૧૭૫ વિધાનસભા અને ૨૫ લોકસભા બેઠક છે. આંધ્ર પ્રદેશમાં લોકસભા અને વિધાનસભા બંને ચૂંટણી સાથે યોજાવા જઇ રહી છે. કોંગ્રેસ આંધ્ર પ્રદેશમાં એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી ચૂકયું છે.

રાહુલ ગાંધી તિરૂપતિ યાત્રા દરમિયાન આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત કરશે. કોંગ્રેસ દ્વારા આંધ્ર પ્રદેશમાં ગુમાવેલો જનઆધાર પરત મેળવવા ૧૩ દિવસની બસ યાત્રા શરૂ કરી છે. રાહુલ ગાંધીની તિરૂપતિ ચૂંટણી સભા આ યાત્રાનો જ એક ભાગ છે.(૨૨.૧૮)

 

 

 

(4:09 pm IST)