Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

૨૦૧૮માં ગુજરાતમાં દર ત્રીજા દિવસે કલાસ-૧ અને કલાસ-૨ના અધિકારી લાંચ-રૂશ્વત લેતા ઝડપાયા

હવે ACB નાની 'માછલી'ઓને બદલે મોટા 'મગરમચ્છો'ને સાણસામાં લેશે

નવી દિલ્હી તા. ૨૨ : સરકાર ગમે તેટલા પ્રયાસો કરે પણ તંત્રમાં વ્યાપેલી લાંચ રૂશ્વતની બદ્દી દુર થતી જ નથી. જો કે ACBના જાગૃતતાના અભિયાનના કેટલાક સારા પરિણામો મળ્યા છે.

૨૦૧૮માં દર ત્રીજા દિવસે કલાસ ૧ કે કલાસ ૨ના સરકારી અધિકારી લાંચરૂશ્વત વિરોધી બ્યુરો (ACB)ના હાથે લાંચે લેતા અથવા ભ્રષ્ટાચાર કરતાં ઝડપાયા. ૨૦૧૩ની તુલનામાં ૨૦૧૮માં ACBના હાથે ઝડપાયેલા લાંચિયા કલાસ ૧ કે કલાસ ૨ના અધિકારીઓની સંખ્યા બમણી થઈ. ACB તરફથી મળેલી માહિતી મુજબ, ૨૦૧૮માં કલાસ ૧/૨ના ૧૨૩ લાંચિયા અધિકારીઓ ઝડપાયા, ૨૦૧૩માં આ સંખ્યા ૫૫ હતી. ACB અધિકારીએ કહ્યું, હવે સરકારી તંત્રમાં નાની-નાની રકમની લાંચ લેતાં કર્મચારીઓ કરતાં મોટી માછલી (ઉચ્ચ પદના અધિકારીઓ) પર ગાળિયો કસવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત ACBના ડિરેકટર કેશવ કુમારે કહ્યું, 'લાંચના માત્ર નાના-નાના કેસને બદલે ભ્રષ્ટાચાર અને કૌભાંડોના મોટા કેસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો છે. મોટા કેસો નોંધવાની સાથે તપાસમાં ફોરેન્સિક અધિકારીઓને પણ સાથે રાખીએ છીએ. પરિણામ સ્વરૂપે ૨૦૧૪માં ગુનેગારોનો દર ૩૦% હતો જે વધીને ૨૦૧૮માં ૪૪% થયો છે.'

કલાસ વન ઓફિસર સામે કડક કાર્યવાહી ૨૦૧૮થી વધુ જોવા મળી. ગત એપ્રિલમાં ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GLDC)નું કૌભાંડ અને GLDCના મેનેજિંગ ડિરેકટર કે.એસ. દેત્રોજા સામે તેમની જાહેર કરેલી આવકના પ્રમાણમાં અસમાન મિલકત હોવાનો કેસ નોંધાયો. કે. એસ. દેત્રોજાની સામે ૨૦૦ કરોડના ચેક ડેમ કૌભાંડનો પણ કેસ દાખલ થયો છે. ગાંધીનગરમાં તેની ઓફિસમાંથી ૧.૨૮ લાખ રૂપિયા રોકડ અને સોનાના ઘરેણાં મળ્યા હતા.

ખ્ઘ્ગ્ના અધિકારીઓના મતે કે. એસ. દેત્રોજા પાસે કરોડોની અસ્થાયી મિલકત છે. આ બધાને કારણે રાજય સરકારને કોર્પોરેશન બંધ કરવાની ફરજ પડી. અન્ય એક મોટા કેસમાં કલાસ ૧ અધિકારી ઈનકમ ટેકસના આસિસ્ટન્ટ કમિશ્નર ઓ.પી. મીણા સામે આઠ લાખ રૂપિયાની લાંચ લેવાનો કેસ થયો છે. ફરિયાદી પાસે એસસમેન્ટ કવેરી સેટલ કરવા માટે મીણાએ લાંચ માગી હતી.(૨૧.૬)

(10:32 am IST)