Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

રાજધાની ટ્રેનોમાં પ્રવાસ સમય એક કલાક ઘટ્યો

આગળ અને પાછળ બંને બાજુ એન્જિનનો ઉપયોગ : રાજધાની ટ્રેનોની ગતિને પણ વધુ વધારી શકાશે : રિપોર્ટ

નવી દિલ્હી, તા. ૨૧ : રાજધાની ટ્રેનોમાં પ્રવાસનો સમય ઓછામાં ઓછા એક કલાક સુધી ઘટી ગયો છે. રેલવે દ્વારા આક્રમક યોજના હેઠળ આ નિર્ણય કરવામાં આવ્યો છે. રેલવેએ હવે આગળ અને પાછળના હિસ્સામાં એન્જિનનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે જેનાથી ગતિમાં વધારો થશે. રેલવે દ્વારા આ મુજબની માહિતી આજે આપવામાં આવી હતી. સામાન્યરીતે આ ટ્રેનો એક એન્જિન સાથે દોડે છે જેના લીધે આંશિક સમય વધે છે. દિલ્હી-મુંબઈ રાજધાનીના કોમર્શિયલ રન પર પ્રવાસ સફળ રહ્યો છે અને આના લીધે ૧૦૬ મિનિટનો સમય ઘટી ગયો છે. આના કારણે હવે એન્જિનનો ઉપયોગ આગળ અને પાછળ બંને હિસ્સામાં કરવામાં આવનાર છે. બે એન્જિનો એક બીજા સાથે જોડવામાં આવશે. કેબલિન કામ એક સાથે હાથ ધરવામાં આવશે. કસારા સ્ટેશન પર દિલ્હી-મુંબઈ રાજધાની પ્રયોગ કરવામાં આવ્યા બાદ આને સફળતા મળી ચુકી છે. આવા જ ટ્રાયલ બાંદરા ટર્મિનસ રેલવે સ્ટેશન અને નિઝામુદ્દીન સ્ટેશન વચ્ચે હાથ ધરવામાં આવ્યા છે. આના કારણે રનિંગ સમયમાં ૮૭ મિનિટનો બચાવ થયો છે. જ્યારે રિટર્ન પ્રવાસમાં ૭૭ મિનિટનો બચાવ થયો છે. આ સુવિધાથી ટ્રેન ઓપરેશનમાં પણ ફાયદો થશે. કોઇપણ વધારાના મૂડીખર્ચ વગર સ્પીડને પણ વધારી શકાશે. રેલવેનું કહેવું છે કે, યાત્રીઓને વધુને વધુ સુવિધા મળે તે હેતુસર પગલા લેવામાં આવી રહ્યા છે. અધિકારીએ કહ્યું છે કે, સુધારવામાં આવેલા એસી થ્રીટાયર કોચથી પણ ફાયદો થશે. આનાથી રેલવેનો મહેસુલી આવકમાં ઉલ્લેખનીયરીતે વધારો થનાર છે. હોટલ લોડ કન્વર્ટરનો ઉપયોગ ક્લાઇમેન્ટ કન્ટ્રોલ માટે કરવામાં આવી રહ્યો છે. રેલવેમાં વોટર હિટિંગ, કુકિંગ અને વિજળી જેવી સેવાઓ માટે હોટલ લોડ કન્વર્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રેલવે આગામી દિવસોમાં યાત્રીઓની સુવિધામાં વધુ વધારો કરશે.

(12:00 am IST)