Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

રાજસ્થાન, પંજાબ, હરિયાણા તેમજ દિલ્હીમાં તીવ્ર ઠંડી જારી

સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ : વાહન વ્યવહાર અને ટ્રેન સેવા પર ધુમ્મસના કારણે માઠી અસર થઇ : લો વિઝિબિલિટીના કારણે અકસ્માતો થયા

નવી દિલ્હી,તા. ૨૧ : રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને પંજાબમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પણ ચારેબાજુ ધુમ્મસની ચાદર છવાઇ ગઇ છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પારો ખુબ નીચે પહોંચી ગયો છે. ધુમ્મસના કારણે ૩૦ ટ્રેનો મોડેથી દોડી રહી છે. જ્યારે ૧૫ ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. ધુમ્મસના કારણે દિલ્હીમાં ૧૧ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. બીજી બાજુ હિમાચલપ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં તો હાલમાં હિમવર્ષા બાદ અનેક વિસ્તારોમાં  માઇનસમાં તાપમાન છે.  રાજસ્થાન અને પંજાબ તેમજ હરિયાણામાં પરિવહન સેવા પર માઠી અસર થઇ છે. ઉત્તર પ્રદેશમાં ઘણી સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. લખનૌ જિલ્લા મેજિસ્ટ્રેટે નર્સરીથી લઇને ધોરણ ૮ સુધી તમામ સ્કૂલોમાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સ્કૂલોમાં શૈક્ષણિક કામ સવારે ૯ વાગે શરૂ થશે. આવતીકાલથી ૩૧મી જાન્યુઆરી સુધી આ વ્યવસ્થા અમલી રહેશે. ઉત્તર પ્રદેશ બોર્ડ, સીબીએસઈ, આઈસીએસઈ બોર્ડ સાથે સંબંધિત તમામ સ્કૂલોમાં આ નિયમો લાગૂ થશે. પંજાબ અને હરિયાણામાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આદમપુરમાં સૌથી વધારે ઠંડીની અસર રહી છે. પંજાબના જલંધર જિલ્લામાં આદમપુર ખાતે લઘુત્તમ તાપમાન ૪.૩ ડિગ્રી નોંધાયું છે. જયપુરથી પ્રાપ્ત હેવાલ મુજબ રાજસ્થાનમાં કાતિલ ઠંડીથી લોકો પરેશાન છે. અજમેર, સવાઇ માધોપુર, માઉન્ટ આબુ, જેસલમેર, ભરતપુર સહિતના વિસ્તારો ઠંડાગાર થઇ ગયા છે. અહીં પણ કેટલીક જગ્યાએ પારો એકથી પાંચ ડિગ્રી વચ્ચે રહ્યો છે. પંજાબ, હરિયાણા, અને ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસની ચાદર જોવા મળી રહી છે. રાજસ્થાન અને દિલ્હીમાં સ્કુલોના સમયમાં ફેરફાર કરવાની ફરજ પડી રહી છે. ઉત્તરપ્રદેશમાં કાતિલ ઠંડીનુ મોજુ છે. લખનૌ અને આગરા સહિત મોટા ભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. લખનૌમાં તાપમાન ઘટીને ૯.૪ ડિગ્રી થઇ ગયુ છે. નવી દિલ્હીમાં વિજિબિલિટી એકાએક ઘટી ગઇ છે. જેથી ટ્રેન અને વિમાની સેવાને માઠી અસર થઇ છે.

(12:27 pm IST)