Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

ભાજપનો ઘમંડ તોડ્યાનો મને ગર્વ છેઃ હાર્દિક

હાર્દિકે કરી મન કી બાત...

નવી દિલ્હી તા. ૨૧ : આ વખતે ગુજરાતની ચૂંટણીમાં પાટીદાર ફેકટરને નજરઅંદાજ કરી શકાય તેમ નહતુ. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે સૌરાષ્ટ્રમાં ભાજપને સારુ એવુ ડેમેજ પહોંચાડ્યુ હતુ. હાર્દિક પટેલે અમારા સહયોગી અખબાર ટાઈમ્સ આઙ્ખફ ઈન્ડિયાને આપેલા એકસકલુઝિવ ઈન્ટરવ્યુમાં તેણે ગુજરાત ચૂંટણીના પરિણામો, કોંગ્રેસ અને ૨૦૧૯માં આવનારી લોકસભાની ચૂંટણી અંગે શું વિચારે છે તે અંગે મોકળા મને વાત કરી હતી.

- ચૂંટણીના પરિણામને કેવી રીતે જુઓ છો?

મને ચૂંટણીના પરિણામોથી સંતોષ છે. છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાતમાં અત્યંત નબળો વિપક્ષ બની રહેલી કોંગ્રેસ મારી મહેનતના કારણે હવે મજબૂત થઈ છે. મને ૧૫૦ સીટ જીતવાનો દાવો કરતી ભાજપનો ઘમંડ તોડ્યાનો ગર્વ છે.

- ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપને ફટકો પડ્યો પણ શહેરમાં ટેકો મળ્યો

મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાજપ ધોવાઈ ગઈ છે. શહેરોમાં પણ ભાજપની જીતનું માર્જિન દેખીતી રીતે ઘટી ગયુ છે. આ દર્શાવે છે કે આંદોલનને કારણે ભાજપના ટેકેદારોની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ અમારે આ અંગે વધુ મહેનત કરવાની છે જે હું કરીશ. અંગત રીતે હું માનુ છું કે ભાજપ ૧૦થી ૧૨ સીટ તો EVM સાથે ચેડા કરીને જ જીતી ગઈ છે. જો તેમને આત્મવિશ્વાસ હોત તો તેમણે VVPATની ગણતરીને મંજૂરી આપી દીધી હોત.

- ચૂંટણીની સાંજે ૧૮ સીટ પર EVM સાથે ચેડા થયાનું ટ્વીટ કર્યુ હતુ, તેમાંથી રાધનપુર સહિતની કેટલીક બેઠકો કોંગ્રેસ જીત્યુ છે. શું કહેશો?

અલ્પેશ ઠાકોરે જીતેલી રાધનપુર સીટને અલગ ન તારવવી જોઈએ. મેં સુરત, રાજકોટ, ડભોઈ અને દાહોદમાં ઘણી સીટના નામ આપ્યા હતા. મારી વોર્નિંગના પગલે ટેમ્પરિંગ ખૂબ જ સમજી વિચારીને કરવામાં આવ્યુ હતુ જેથી ભાજપને ૯૯ની બહુમતિ મળે. બાકી તો તેમણે ચ્સ્પ્ સાથે ચેડા કરી ૧૨૫ સીટ જીતી લીધી હોત.

- ઈલેકશન કમિશનને કેમ ન જાણ કરી?

મેં મારુ ગ્રાઉન્ડવર્ક કરી લીધુ છે અને હું ટૂંક સમયમાં હાઈકોર્ટમાં પીટિશન દાખલ કરવાનો છું. મેં ચૂંટણી પંચનો સંપર્ક એટલા માટે ન કર્યો કારણ કે તેનો કોઈ અર્થ જ નથી, પંચ વિશ્વાસપાત્ર નથી. આ જ કારણ છે કે મેં બધી જ પોલિટિકલ પાર્ટીને ભેગા થઈ ૨૦૧૯ની ચૂંટણી EVMથી નહિ પરંતુ બેલેટ પેપરથી થાય તેવી માંગ કરવાની હાકલ કરી છે.

- આવતા વર્ષે રાજસ્થાન-મધ્યપ્રદેશમાં ચૂંટણી છે. તમારો શું પ્લાન છે?

હું આ બંને રાજયોમાં ભાજપ વિરૂદ્ઘ પ્રચાર કરીશ અને ભાજપના ગરીબ વિરોધી રાજકારણનો પર્દાફાશ કરીશ. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી સુધી હું જંપીને બેસવાનો નથી.

- વિકાસને કારણે ભાજપને મળી ૯૯ સીટ?

આ વખતે ભાજપના ચૂંટણી પ્રચારમાંથી વિકાસ સંપૂર્ણપણે ગાયબ હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોમવાદી લાગણી ઉકસાવવા પણ ખિલજી, ઔરંગઝેબ અને પાકિસ્તાનની વાત કરવી પડી હતી. ગામડાના લોકોને રોટી કપડા મકાન જોઈએ છે, હિન્દુ મુસલમાન નહિ. આથી જ ગામડામાં ભાજપને ફટકો પડ્યો. પરંતુ લાગે છે કે શહેરોમાં તેમની આ વાત કામ કરી ગઈ છે.

- અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી તમને ભાજપ વિરુદ્ઘ સપોર્ટ કરશે?

અમે ત્રણેય એકબીજા સાથે સતત સંપર્કમાં છે. અમે ભેગા મળીને અનામત કવોટા, બેરોજગારી, ખેડૂતો માટે લઘુત્તમ ટેકાના ભાવ અને બીજા મુદ્દાઓ પર અવાજ ઊઠાવીશું. અમારુ આયોજન છે કે અમે ખેડૂતો તથા બેરોજગારોની સમસ્યાના નિરાકરણ માટે રાષ્ટ્રીય સ્તરે આંદોલન કરીએ.

- હાલમાં જ તમે કહ્યું હતું કે કેટલાક ઓબીસી નેતા પાટીદારની ઓબીસી કવોટાની માંગનો વિરોધ કરે છે. અહીં અલ્પેશ ઠાકોર સામે આંગળી ચીંધાઈ છે?

ના. હું કોઈપણ ઓબીસી નેતા દ્વારા પાટીદારોના ઓબીસી કવોટાની માંગ સામે વિરોધ અંગે વાત કરી રહ્યો હતો. એ ટિપ્પણી અલ્પેશ ઠાકોર માટે નહતી.

- હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશ, ત્રણેને શું જોડીને રાખે છે? કોના પર વધુ વિશ્વાસ છે- જિજ્ઞેશ કે અલ્પેશ?

અમે ત્રણેય સામાન્ય લોકોની સમસ્યા અંગે લડત આપી રહ્યા છે. મને જિજ્ઞેશ પર વધુ વિશ્વાસ છે કારણ કે મને તેની નેતૃત્વ કરવાની સ્ટાઈલ પસંદ છે.

- મમતા બેનર્જીએ તમને કોલ કર્યો શું ચાલી રહ્યું છે?

મમતા બેનર્જીએ ચૂંટણીને લગતો ફોન કર્યો હતો. મારે ઘણા મુખ્યમંત્રીઓ સાથે અંગત અને રાજકીય સંબંધો છે જેમાં દિલ્હીના અરવિંદ કેજરીવાલનો પણ સમાવેશ થાય છે.

- ૨૦૧૯માં કોંગ્રેસ માટે પ્રચાર કરશો?

મેં આ અંગે હજુ કંઈ નક્કી નથી કર્યું. હું ભાજપ વિરુદ્ઘ કોંગ્રેસ માટે પ્રચાર ન કરુ તો તે ખોટુ કહેવાશે. મેં બધા વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. જો કે હું ઈલેકટરોલ પોલિટિકસમાં પંડવા માંગતો નથી.

- તો પછી પાટીદાર અનામત આંદોલનની કોઈ અસર પડશે?

૨૦૧૭ની ચૂંટણીમાં પુરવાર થઈ ગયુ તેમ મારે કોઈ ફરક પાડવા માટે જાતે ચૂંટણી લડવાની જરૂર નથી. મેં ગુજરાતમાં ભાજપની સીટ ઘટાડીને ડબલ ડિજિટમાં કરી નાંખી છે.

- વાઈરલ સેકસ ટેપને કારણે ચાન્સ ઘટી ગયા?

લોકો સમજદાર છે અને તેમને ખબર છે કે આ બધી બાબતની અસર ચૂંટણીના મતદાન પર ન પડવી જોઈએ.

- તેં પણ પીએમ મોદી પર અંગત પ્રહાર કર્યા હતા. કોંગ્રેસે તેમને નીચ કહ્યા. શું આ વાત કોંગ્રેસ અને તમારા વિરુદ્ઘ ગઈ?

આવી કોમેન્ટ્સને કારણે તેમના માટે સિમ્પથી ઊભી થઈ હોય તે વાતમાં કોઈ માલ નથી. જેમ મારા ટેકેદારો છે એમ વડાપ્રધાનના પણ કેટલાંક અનુયાયીઓ છે. આવી અંગત ટિપ્પણીની ચૂંટણી પર કોઈ અસર નથી પડતી.

- રાહુલ ગાંધી હવે કોંગ્રેસ અધ્યક્ષ છે. તેમના નેતૃત્વને તમે કેવી રીતે જુઓ છો?

નેતા તરીકે રાહુલ ગાંધીમાં ઘણો જ સુધારો થયો છે. તે વિશ્વાસપાત્ર માણસ છે અને જૂઠ્ઠુ નથી બોલતા. લોકો તેમને આવનારા વર્ષોમાં જરૂર સ્વીકારશે.

- ૨૦૧૯માં કોને વડાપ્રધાન તરીકે જોવા માંગો છો? મોદી કે રાહુલ ગાંધી?

મોદી સિવાય બીજુ કોઈપણ ૨૦૧૯માં વડાપ્રધાન બનશે તો ચાલશે.

(11:24 am IST)