Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

હેં... અડધો અડધ લોકોનો ટેક્ષ શૂન્યઃ એક ભરે છે ર૩૮ કરોડ

રિટર્ન ફાઇલ કરવાવાળા અડધો અડધ ભારતીયો શૂખ્ય ઇન્કમટેક્ષ ભરતા હોવાનો ખુલાસોઃ કુલ ડાયરેકટ કલેકશનમાં દિલ્હી અને મહારાષ્ટ્રનો હિસ્સો પ૦ ટકાઃ સૌથી વધુ ટેકસ ચુકવનારા નાગરીકો આ બે રાજયોમાંથી છેઃ ફકત એક ભારતીય આપે છે ૧૦૦ કરોડથી વધુનો ઇન્કમટેક્ષઃ ત્રણ લોકોએ પ૦થી ૧૦૦ કરોડનો તો ૧ કરોડથી પ૦ કરોડ વચ્ચે ટેકસ ભરનારાની સંખ્યા ૯૬૮૬ રહી

નવી દિલ્હી તા.ર૧ : મોદી સરકારના પ્રથમ બે વર્ષમાં છુટ અને મામુલી વૃધ્ધિને કારણે ડાયરેકટ ટેકસપેયર્સના બેઇઝમાં ધીમી રફતારથી વૃધ્ધિ થઇ છે પરંતુ નોટબંધી બાદ આ ટ્રેન્ડમાં પરિવર્તનની અપેક્ષા છે. ગઇકાલે ટેકસ વિભાગ તરફથી જારી આંકડાઓથી અનેક રસપ્રદ તસ્વીરો સામે આવી છે. જેમાં જણાવાયુ છે કે, રિટર્ન ફાઇલ કરવાવાળા અડધો અડધ ભારતીયો ઝીરો ઇન્કમ ટેકસ આપે છે.

 

ર૦૧૪-૧પ વચ્ચે ૪.૧ કરોડ ભારતીયોએ ઇન્કમ ટેકસ રિટર્ન ફાઇલ કર્યુ હતુ પરંતુ આમાંથી ર કરોડ લોકો એવા હતા જેમણે દાવો કર્યો છે કે તેમની આવક પર શૂન્ય ટેકસ બને છે. બીજા ર કરોડ લોકોએ સરેરાશ વર્ષે ૪ર૪પ૬ રૂપિયાનો ઇન્કમ ટેકસ ચુકવ્યો છે. ફકત એક કરોડ કરદાતાઓએ એક લાખથી વધુનો ટેકસ આપ્યો છે.

આંકડાઓ અનુસાર ટેકસ રિટર્ન ફાઇલ કરવાવાળાની સંખ્યામાં વધારો જરૂર થયો છે પરંતુ ર૦૧ર-૧૩થી ચાર વર્ષ સુધી તેની રફતાર ધીમી રહી હતી અને ફકત પ૪ લાખ નવા કરદાતા જોડાયા હતા. ર૦૧૩-૧૪માં ફકત પ.૪ કરોડ કરદાતા હતા. જે મોદી સત્તા સંભાળ્યા બાદ ર૦૧પ-૧૬માં તેની સંખ્યા વધીને પ.૯૩ કરોડની થઇ એટલે કે ફકત પ૩ લાખનો વધારો પરંતુ નોટબંધી બાદ ઓછામાં ઓછા ૯૧ લાખ નવા કરદાતા જોડાયા.

કુલ ડાયરેકટ કલેકશનમાં દિલ્હી અને મહારાષ્ટ્રનું યોગદાન પ૦ ટકા છે એટલે કે સૌથી વધુ ટેકસ ચુકવવાવાળા નાગરીકો આ બે રાજયોના જ છે. સૌથી વધુ ૩૭ ટકા ટેકસ મહારાષ્ટ્રથી આવે છે અને બીજાક્રમે દિલ્હી છે અને જયાંથી ૧ર.૮ ટકા ટેકસ પ્રાપ્ત થાય છે. ટોપ ૧૦ રાજયોમાં આ બે રાજયો બાદ કર્ણાટક ૧૦.૧ ટકા, તામિલનાડુ ૭.૧ ટકા, ગુજરાત ૪.૬ ટકા, આંધ્ર ૪.૩ ટકા, પ.બંગાળ ૪.૧ ટકા, યુપી ૩.પ ટકા, હરિયાણા ર.૪ ટકા અને રાજસ્થાન ર.૪ ટકા છે. ચોંકાવનારી વાત એ છે કે ભારતના સૌથી શ્રીમંત રાજયોમાં સામેલ પંજાબ ટેકસના મામલામાં ટોપ-૧૦માં નથી.

ટેકસ કલેકશનમાં તેલંગાણાનુ યોગદાન ઝડપથી વધ્યુ છે. ર૦૧૪-૧પ થી ર૦૧૬-૧૭ની વચ્ચે તેલંગાણામાં ઇન્કમ ટેકસ કલેકશન બમણુ થયુ છે. સાથોસાથ મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કીમ અને મણીપુર ઇન્કમટેકસમાં સૌથી વધુ વૃધ્ધિ નોંધાવનારા રાજયો છે.

ર૦૧પ-૧૬ વચ્ચે દેશમાં ફકત એક કરદાતાએ ૧૦૦ કરોડથી વધુનો ટેકસ આપ્યો છે અને તે ટેક્ષની કુલ રકમ ર૩૮ કરોડ રૂપિયા છે જો કે તેનુ નામ જણાવાયુ નથી. ત્રણ લોકોએ પ૦ થી ૧૦૦ કરોડની વચ્ચે ટેકસ આપ્યો છે તો ૧ કરોડથી પ૦ કરોડની વચ્ચે ટેકસ આપનારાની સંખ્યા ૯૬૮૬ છે.

ટેકસ નિર્ધારણ વર્ષ-ર૦૧પ-૧૬માં એવા કરદાતાની સંખ્યામાં ૨૩.૫ ટકાનો વધારો થયો છે જેમણે પોતાના ટેકસ રિટર્નમાં ૧ કરોડ રૂપિયાથી વધુની આવકની જાહેરાત કરી છે. જો કે કરોડપતિની સંખ્યામાં વધારો થયો છે પરંતુ ગત વર્ષની સરખામણીમાં તેઓની કુલ આવકમાં પ૦૮૮૯ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. પ૯૮૩૦ લોકોએ પોતાની આવકને ૧ કરોડ રૂપિયાથી વધુ ગણાવી છે.

(11:21 am IST)