Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

સેન્સેક્સમાં ૫૧૯, નિફ્ટીમાં ૧૪૮ પોઈન્ટનું ગાબડું પડ્યું

ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે નુકસાનનો દિવસ : સરકારી બેન્ક અને મીડિયા સૂચકાંકો ઉછાળા સાથે બંધ

મુંબઈ, તા.૨૧ : ભારતીય શેરબજાર આજે મોટા ઘટાડા સાથે બંધ થયું. નિફ્ટીમાં સરકારી બેંક અને મીડિયા ઈન્ડેક્સ સિવાય લગભગ તમામ ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે. ડોલર સામે રૂપિયો ઘટીને બંધ રહ્યો હતો.

સોમવાર ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે નુકસાનનો દિવસ હતો. માર્કેટમાં વેચાણનું વર્ચસ્વ હતું. બીએસઈ  સેન્સેક્સ ૫૧૮.૬૪ પોઈન્ટ્સ અથવા ૦.૮૪ ટકા ઘટીને ૬૧,૧૪૪.૮૪ પર બંધ થયો હતો, જ્યારે એનએસઈ નિફ્ટી ૧૪૭.૭૦ પોઈન્ટ્સ અથવા ૦.૮૧ ટકા ઘટીને ૧૮,૧૫૯.૯૫ પર બંધ થયો હતો.

નિફ્ટીના ઓટો, આઇટી, ફિન સર્વિસ, ફાર્મા, એફએમસીજી, મેટલ, રિયલ્ટી, એનર્જી, ઇન્ફ્રા અને ઓઇલ એન્ડ ગેસ સૂચકાંકો નુકસાન સાથે બંધ થયા છે, જ્યારે સરકારી બેક્ન અને મીડિયા સૂચકાંકો ઉછાળા સાથે બંધ થયા છે.

બીપીસીએલ, ભારતી એરટેલ, ઇન્ડસઇન્ડ બેંક, એચયુએલ, અપોલો હોસ્પિટલ્સ, બ્રિટાનિયા, પાવર ગ્રીડ, ટાઇટન, સિપ્લા, મારુતિ સુઝુકી, એચડીએફસી લાઇફ અને આઈસીઆસીઆઈ બેંક નિફ્ટી પર વધારા સાથે બંધ થયા હતા. જ્યારે, ઓએનજીસી, અદાણી પોર્ટ, હિન્દાલ્કો, એચડીએફસી લિમિટેડ, રિલાયન્સ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, બજાજ ફાઇનાન્સ, ગ્રાસિમ, વિપ્રો, બજાજ ફિનસર્વ, એચડીએફસી બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, એનટીપીસી, યુપીએલ અને નેસ્લે ઘટ્યા હતા.

એશિયામાં ટોક્યો અને તાઈવાનને છોડીને બાકીના તમામ બજારો ગિરાવટ સાથે બંધ થયા હતા. સૌથી વધુ નુકસાન શાંઘાઈ અને હોંગકોંગના બજારોમાં જોવા મળ્યું છે. તે જ સમયે, યુરોપિયન બજારો પણ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. ગુરુવારે યુએસ બજારો ઘટીને બંધ થયા હતા.

આજે સોમવારે ડોલર સામે રૂપિયો ૭ પૈસા નબળો પડીને ૮૧.૮૧ પર પહોંચ્યો હતો. ફોરેન ઈન્ટરબેંક એક્સચેન્જ અનુસાર, આજે ભારતીય રૂપિયો અમેરિકી ડોલરની સરખામણીએ ૮૧.૮૪ ના સ્તર પર ખુલ્યો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન ડોલર સામે રૂપિયો ૮૧.૭૪ની ઊંચી અને ૮૧.૯૧ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. આ પહેલા શુક્રવારે ડોલર સામે રૂપિયો ૧૦ પૈસા ઘટીને ૮૧.૭૪ પર બંધ થયો હતો.

(7:25 pm IST)