Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ઘરમાંથી દંપતી-ચાર માસુમ સહિત છનાં મૃતદેહ મળ્યા

રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં કંપાવનારી ઘટના : પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા, હજુ મૃત્યુના કારણોનો ખુલાસો નથી થયો

ઉદયપુર, તા.૨૧ : રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં કંપાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ગોંગુદામાં સોમવારે એક જ પરિવારના ૬ લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘરના એક રૂમમાંથી ચાર માસૂમો સહિત દંપતીનો મૃતદેહ મળી આવ્યા છે જે બાદ આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ માહિતી ફેલાતાની સાથે જ ગામલોકોની મોટી ભીડ ઘટનાસ્થળે એકઠી થઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ સમગ્ર મામલો ગોગુંડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઝડોલીના ગોલ નેદી ગામનો છે. કેટલાક ગ્રામજનોએ ઘરમાં મૃતદેહ હોવાની જાણ પોલીસને કરી હતી ત્યારપછી માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

હજુ મૃત્યુના કારણોનો ખુલાસો નથી થયો. પોલીસનું કહેવું છે કે, પરિવારે સામૂહિક આત્મહત્યા કરી કે, હત્યા તે અંગે તુપાસ બાદ જ ખુલાસો કરવામાં આવે છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ઘરનો દરવાજો ખોલીને જોયું તો તેઓ હેરાન રહી ગયા હતા. ઘરના એક રૂમની અંદર ચારેબાજુ મૃતદેહો વિખરાયેલા હતા જ્યાં દંપતીના મૃતદેહો સાથે ૪ માસૂમોના મૃતદેહો પડ્યા હતા.

પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, પ્રકાશે પોતાની પત્ની અને ૪ પુત્રોને ફાંસી લગાવ્યા બાદ પોતે આત્મહત્યા કરી લીધી છે. હાલ પોલીસે તમામ મૃતદેહોને સરકારી હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે અને ઘરને સીલ કરી દીધું છે. બીજી તરફ પોલીસે ફોરેન્સિક અને ડોગ સ્કવોડની ટીમોને સ્થળ પર બોલાવી છે જેમણે તપાસ શરૂ કરી છે.

ઘટના બાદસ ગ્રામજનોનું કહેવું છે કે, પ્રકાશ બહાર કામ કરતો હતો અને નવરાત્રિ દરમિયાન ઘરે આવ્યો હતો અને ત્યારબાદ તે કામ પર પરત ફર્યો ન હતો. અહીં ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પોલીસકર્મીઓ પાસેથી માહિતી એકઠી કરી રહ્યા છે. જોકે, પોલીસ આત્મહત્યા અને હત્યા બંને એંગલની તપાસ કરી રહી છે અને આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ એક જ પરિવારના ૬ લોકોના મોત નિપજતા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

 

 

(7:20 pm IST)