Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

મોંઘવારીનો મારઃ મધર ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો

આજથી મોંઘુ થયું દૂધ

નવી દિલ્‍હી,તા. ૨૧ : દેશભરમાં મોંધવારીએ માજા મુકી છે. તમામ વસ્‍તુઓના ભાવ આસમાને પહોંચ્‍યા છે. જેના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્‍ય જનતાને મોંઘવારીમાં રાહત મળી રહી નથી. હવે ફરી દૂધના ભાવમાં વધારો થયો છે. મધર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે અને ફુલ ક્રીમ દૂધ હવે ૬૩ રૂપિયા પ્રતિ લીટરને બદલે ૬૪ રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે. એટલે કે પ્રતિ લિટર દૂધના ભાવમાં એક રૂપિયાનો વધારો થયો છે.

આ ઉપરાંત મધર ડેરીએ પણ ટોકનાઇઝ્‍ડ દૂધના ભાવમાં વધારો કરીને તેને પ્રતિ લીટર ૨ રૂપિયા મોંઘો કરી દીધો છે. મધર ડેરીએ ટોકન મિલ્‍કની કિંમત ૪૮ રૂપિયા પ્રતિ લિટરથી વધારીને ૫૦ રૂપિયા પ્રતિ લિટર કરી દીધી છે. એટલે કે હવે રોજીંદી દૂધ અને ચા પણ મોંઘી થવા જઈ રહી છે.

જોકે, રાહતની વાત એ છે કે ફુલ ક્રીમ દૂધના અડધા લિટર (૫૦૦ ML) પેકેટની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્‍યો નથી. એટલે કે, જો તમે ૧ કિલો માટે ૫૦૦ ml ના ૨ પેક ખરીદો છો. તો તમને મધર ડેરીનું ફુલ ક્રીમ દૂધ પહેલાની જેમ જ ભાવે મળશે.

મધર ડેરીના વધેલા ભાવ આજથી લાગુ થશે. આ ભાવ વધારાની સૌથી વધુ અસર દિલ્‍હી-NCRના લોકો પર પડશે કારણ કે મધર ડેરી કંપની દિલ્‍હી NCRમાં સૌથી મોટી દૂધ સપ્‍લાય કરતી કંપનીઓમાંની એક છે.

તાજેતરમાં મધર ડેરી અને અમૂલે ઓક્‍ટોબર મહિનામાં પણ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. અમૂલ અને મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લીટર ૨-૨ રૂપિયાનો વધારો કર્યો હતો.

(10:25 am IST)