Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

શિક્ષણ, મનોરંજન, વૈશ્વિક ઘટનાઓની જાણકારી માટે ટીવી અનિવાર્ય માધ્‍યમ

આજે વિશ્વ ટેલિવિઝન દિવસ : ૧૯૯૦નાં દાયકામાં ભારતમાં દૂરદર્શનના ટીવી કાર્યક્રમો લોકપ્રિયઃ ૨૧મી નવેમ્‍બરને વિશ્વ ટેલિવિઝન દિન તરીકે મનાવવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો

નવી દિલ્‍હી,તા. ૨૧ : એક સમયે ઇડિયટ બોક્‍સ તરીકે ઓળખાતું ટેલિવિઝન હાલમાં સામાન્‍યમાં સામાન્‍ય નાગરિકના જીવનમાં મહત્‍વની ભૂમિકા ભજવી રહ્યું છે. ટેકનોલોજીના વિકાસ સાથે હવે ૨૪ કલાક લોકો મોબાઇલમાં પણ તેમને ગમતા શિક્ષણ,મનોરંજન, સમાચાર, ફેશન, સ્‍પોર્ટ્‍સ સહિતની તમામ પ્રકારની ચેનલ નિહાળી શકે છે. ટેલિવિઝનના વૈશ્વિક સ્‍તરે મહત્‍વને અનુલક્ષીને ૧૯૯૬માં સંયુક્‍ત રાષ્ટ્રસંઘની મહાસભામાં ૨૧મી નવેમ્‍બરને વિશ્વ ટેલિવિઝન દિન તરીકે મનાવવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો.

રશિયા - યુક્રેન યુધ્‍ધ હોય કે, ઇરાકનું યુધ્‍ધ હોય વિશ્વને સાંપ્રત ઘટનાઓથી સતત માહિતગાર રાખવામાં ટેલિવિઝનનો મહત્‍વનો ફાળો રહ્યો છે.હાલમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે ત્‍યારે પણ ટેલિવિઝન મતદારોને જાગૃત કરવામાં મહત્‍વની ભૂમિકા ભજવી રહ્યું છે. ઉમેદવારની જાહેર સભા ,મતદાન કે મતગણતરી તેમજ નવી સરકારની શપથવિધિ સહિતની મહત્‍વની ઘટનાઓ લોકો ઉત્‍સાહપૂર્વક ટીવી ચેનલ ઉપર નિહાળે છે. મોરબીમાં પુલ તૂટી જવાની ઘટના , મુંબઇ બોંબ બ્‍લાસ્‍ટ સહિતની ઘટનાઓની પળે પળની માહિતી લોકોને ટીવીના માધ્‍યમથી મળી હતી.

(11:17 am IST)