Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

પુણેના નવલે પુલ વિસ્તારમાં બેંગ્લોર-મુંબઈ હાઈવે પર ભીષણ અકસ્માત :એક સાથે 30 થી વધુ વાહનો ટકરાયા : ભારે નુકશાન

પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી: ફાયર બ્રિગેડની 2 ટીમો ઘટનાસ્થળે બચાવ કાર્યમાં લાગી

પુણેમાં ભયાનક માર્ગ અકસ્માત થયો છે જેમાં ઓછામાં ઓછા  30 વાહનો અથડાયા છે પુણેના નવલે પુલ વિસ્તારમાં રવિવારે રાત્રે હાઇવે પર એક ભયાનક અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ અહીં લગભગ 30 વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે અરેરાટી ફેલાઈ ગઈ હતી. ભારે ભીડ એકઠી થઈ ગઈ. અકસ્માતની માહિતી પોલીસને આપવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ભયાનક દુર્ઘટના પુણેના નવલે પુલ વિસ્તારમાં બેંગ્લોર-મુંબઈ હાઈવે પર થઈ છે

. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં વધુ ઢાળ અને વધુ ઝડપે દોડતા વાહનોના કારણે અવારનવાર આવા અકસ્માતો થતા રહે છે. જો કે હજુ સુધી ઘાયલોની વિગતો જાણવા મળી નથી. પરંતુ અકસ્માતમાં 30 જેટલા વાહનોને ભારે નુકસાન થયું છે. વાહનોના કાચ તુટી ગયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. આ સાથે ફાયર બ્રિગેડની 2 ટીમો ઘટનાસ્થળે બચાવ કાર્યમાં લાગેલી છે. લોકોને અકસ્માત સ્થળેથી દૂર લઈ જવામાં આવી રહ્યા છે. અકસ્માતમાં કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે.

 અગાઉ પણ મોટો અકસ્માત થયો હતો હાલમાં જ પુણેમાં જ્ઞાન પ્રબોધની સ્કૂલની બસને અકસ્માત નડ્યો હતો. માનગાંવ રાયગઢ રોડ પર ઘરોશી વાડી પાસે બસ ખાઈમાં પડી હતી. આ અકસ્માતમાં 15 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. આ પહેલા 16 ઓક્ટોબરે રવિવારે મહારાષ્ટ્રના પુણેમાં એક ભયાનક અકસ્માત થયો હતો. પુરપાટ ઝડપે આવતી બસે સાત વાહનોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત પુણેના ચાંદની ચોક વિસ્તાર પાસે થયો હતો.

 

(11:37 pm IST)