Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

પબ્જી રમવાના ચક્કરમાં બે મિત્રોના ટ્રેનની અડફેટે મોત

મથુરાની ચોંકાવનારી ઘટના : મોર્નિંગ વોક પર જવાનું કહી બંને પિતાના ફોન લઈ નીકળ્યા, વહેલી સવારના અંધારામાં રેલવે ટ્રેક પર ચાલતા હતા

આગ્રા, તા.૨૧ : વિવાદાસ્પદ મોબાઈલ ગેમ પબ્જી રમવાના ચક્કરમાં સ્કૂલમાં ભણતા બે બાળકો ટ્રેન નીચે કચડાઈ ગયાની એક હચમચાવી દે તેવી ઘટના યુપીમાં બની છે. આ બંને બાળકો સવારે રેલવે ટ્રેક પર ચાલતા-ચાલતા ગેમ રમી રહ્યા હતા. તે વખતે ટ્રેક પર માલગાડી આવી ચઢી હતી, જેણે બંનેને અડફેટે લેતા તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. આ ઘટનામાં એક મોબાઈલ ફોન ટ્રેન નીચે આવી તૂટી ગયો હતો, જ્યારે બીજો ફોન પોલીસને મળ્યો ત્યારે તેના પર ગેમ ચાલુ હતી. ઘટનાની તપાસ કરનારા જમુનાપર પોલીસ સ્ટેશનના અધિકારી શશીપ્રકાશ સિંઘના જણાવ્યા અનુસાર, ઘટના કઈ રીતે બની અને તે વખતે કઈ ટ્રેન પસાર થઈ રહી હતી તેની કોઈ ચોક્કસ માહિતી હજુ સુધી નથી મળી શકી. મૃતક બાળકોની ઓળખ ગૌરવ કુમાર (ઉં. ૧૪ વર્ષ) અને કપિલ કુમાર (ઉં. ૧૪ વર્ષ) તરીકે થઈ છે. બંને દસમા ધોરણમાં ભણતા હતા. સૂત્રોનું માનીએ તો બંને બાળકો ભણવામાં હોશિયાર હતા. આ ઘટનાનો હજુ સુધી કોઈ સાક્ષી પોલીસને નથી મળી આવ્યો. શનિવારે સવારે સાત વાગ્યાની આસપાસ પોલીસને રેલવે ટ્રેક પર બે મૃતદેહ પડ્યા હોવાનો મેસેજ મળ્યા બાદ આ ઘટના અંગે જાણ થઈ હતી.

             મૃતક ગૌરવના પિતા દૂધનો વ્યવસાય કરે છે. તેમણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમને હજુય એ વાત માન્યામાં નથી આવતી કે તેમનો દીકરો હવે આ દુનિયામાં નથી રહ્યો. ગૌરવે તે દિવસે મોર્નિંગ વોક પર જવાનું નક્કી કર્યું હતું. જેના માટે તેણે પોતાને વહેલા ઉઠાડવા માટે પણ કહ્યું હતું. ગૌરવ સવારે સવા પાંચ વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી ગયો હતો. તેણે પોતાના પિતાનો ફોન પણ સાથે લીધો હતો. તે પહેલીવાર મોર્નિંગ વોક પર ગયો હતો, અને તેના પિતા ઈચ્છતા હતા કે તે રોજ સવારે ચાલવા જાય, પરંતુ શનિવારે તેની સાથે જે થયું તેનાથી તેનો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. બીજી તરફ, ગૌરવની સાથે જ મોતને ભેટનારો કપિલ તેના ઘરથી માંડ ૧૦૦ મીટર દૂર રહે છે. તે સવારે સૂઈ રહ્યો હતો તે વખતે ગૌરવે તેને ઘરે જઈને ઉઠાડ્યો હતો અને પોતાની સાથે મોર્નિંગ વોક પર આવવા માટે તૈયાર કર્યો હતો. કપિલના પિતાએ જણાવ્યું હતું કે, તેમને તો આ મોબાઈલ ગેમ વિશે કોઈ માહિતી જ નથી. જો તેમને ખબર હોત તો તેમણે કપિલને ક્યારેય ફોન ના આપ્યો હોત. ગૌરવ જે સ્કૂલમાં ભણતો હતો તેના મેનેજર હરવંશ સિંઘે જણાવ્યું હતું કે છોકરો ભણવામાં હોંશિયાર હતો. તેની ક્યારેય કોઈ ફરિયાદ નહોતી આવી. તે ખૂબ જ સીધો અને સાદો હતો. જ્યારે કપીલની સ્કૂલના પ્રિન્સિપાલ સમીર મલ્હોત્રાએ જણાવ્યું હતું કે કપીલની ક્યારેય કોઈ ફરિયાદ નહોતી આવતી.

(7:19 pm IST)