Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

રાજસ્થાનનના રાજયપાલે કહ્યું સમયની સાથે જરૂર પડયે ફરી કૃષિ કાયદો બનાવવા માટે અમારી પાસે તક છે

ભદોહીમાં રાજયપાલ કલરાજ મિશ્રાએ મીડીયા સમક્ષ કરેલ વાતમાં જાહેર કર્યુ

નવી દિલ્હી: રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર એ કૃષિ કાયદો ને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, જો આગામી સમયમાં જરૂર પડશે તો ફરીથી કાયદો બનાવવામાં આવશે. કલરાજ મિશ્રાએ ભદોહીમાં મીડિયા સાથે વાતચીત કરતા આ નિવેદન આપીને ચર્ચામાં આવ્યા છે.  
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ શુક્રવારે રાષ્ટ્રને સંબોધનમાં ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ કાયદો પાછો ખેંચવાનું કારણ જણાવતા કહ્યું કે અમે ખેડૂતોને સમજાવી શક્યા નથી, તેથી અમે કાયદો પાછો ખેંચી રહ્યા છીએ.
પ્રધાનમંત્રી મોદીના આ નિર્ણય બાદ એક બાજુ જ્યાં ખેડૂતોના સંગઠનો અને વિપક્ષી પાર્ટીઓ સરકારની ઈરાદા પર સવાલો ઉઠાવી રહી છે ,ત્યારે આ કાયદાને ફરીથી લાવવા માટે કેટલાક અવાજો પણ ઉઠાવવામાં આવી રહ્યા છે. રાજ્યપાલ કલરાજ મિશ્રાનું કહેવું છે કે જો જરૂર પડશે તો તેઓ ફરીથી આવો કાયદો બનાવી શકે છે. આ અંગે ખેડૂત સંગઠનોએ પણ આશંકા વ્યક્ત કરી છે. એટલા માટે તેઓ કહે છે કે જ્યાં સુધી સંસદમાંથી કાયદો પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન પુરું કરવામાં આવશે નહીં.
મીડિયા સાથે વાતચીત કરતા કલરાજ મિશ્રએ કાયદો પાછો ખેંચવાના નિર્ણયને પ્રશંસનીય કદમ ગણાવ્યું હતું. સાથે તેમણે એવું  પણ જણાવ્યું કે, કૃષિ કાયદો દેશના ખેડૂતોના હિતમાં હતો. સરકારે ખેડૂતોને સમજાવવાની સતત કોશિશ કરી, તેમ છતાં ખેડૂત આંદોલન ચાલું રહ્યા અને પોતાના નિર્ણય પર અડગ રહ્યા અને કહ્યું કે કાયદો પાછો ખેંચો. અંતમાં આખરે સરકારને એવું લાગ્યું કે ખેડૂતોને સમજાવવામાં આપણે અસમર્થ રહ્યા છીએ, ત્યારે કાયદો પાછો ખેંચી લીધો હતો.
કલરાજ મિશ્રા પહેલા ઉન્નાવના બીજેપી સાંસદ સાક્ષી મહારાજે પણ જણાવ્યું હતું કે બિલ બને છે, બગડે છે અને પછી પાછા આવે છે. તેમણે કહ્યું હતું કે પીએમ મોદીએ રાષ્ટ્ર અને બિલમાંથી રાષ્ટ્રને પસંદ કર્યું છે. જ્યારે, ફર્રુખાબાદના બીજેપી સાંસદ મુકેશ રાજપૂતે કાયદો પાછો ખેંચવાના પ્રધાનમંત્રી મોદીના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે તેમણે આ નિર્ણય મજબૂરીમાં લીધો છે.
પીએમ મોદીએ કાયદો પાછો ખેંચવાની જાહેરાત કરી છે, પરંતુ હવે તેને સંસદમાં પસાર કરાવવો પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક થશે, જેમાં કૃષિ કાયદાને પરત ખેંચવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી શકે છે. ત્યારબાદ આ મહિનાના અંતથી સંસદનું સત્ર શરૂ થઈ રહ્યું છે, જેમાં કાયદો પાછો ખેંચવા માટેનું બિલ રજૂ કરવામાં આવશે.

 

(11:54 am IST)