Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ઉત્તરાખંડની સ્‍થાનિક ચૂંટણીઓમાં ભાજપનો શાનદાર વિજય

૭માંથી ૫ મેયર પદ પર વિજયઃ બે કોંગ્રેસનેઃ નગર પંચાયતોને અધ્‍યક્ષ પદોમા પણ ભાજપનો જોરદાર દેખાવઃ ૧૮ નગરોમાં સફળતા

દહેરાદુન, તા. ૨૧ :. ઉત્તરાખંડના નગર નિગમોની ચૂંટણીમાં ભાજપે શાનદાર દેખાવ કર્યો છે. ભાજપે ૭માંથી ૫ નગર નિગમોમાં મેયર પદની જીત મેળવી છે જ્‍યારે કોંગ્રેસે એકમાં સફળતા મેળવી છે. નગર પંચાયતોના અધ્‍યક્ષ પદો પર પણ ભાજપે જોરદાર દેખાવ કરતા ૧૮ નગરોમાં સફળતા મેળવી છે, તો કોંગ્રેસને માત્ર ૭ અને અપક્ષોને ૧૨ જગ્‍યાએ સફળતા મળી છે. જો કે નગરપાલિકાઓમાં કોંગ્રેસે સારો દેખાવ કર્યો છે. કોંગ્રેસ ૧૪ પાલિકાઓમાં અધ્‍યક્ષની ખુરશી મેળવવા સફળ રહી છે. ભાજપને ૧૩ અને અપક્ષ ઉમેદવારોને ૧૧ નગરપાલિકાઓમાં સફળતા મળી છે.

નગરપાલિકા (મ્‍યુનિસિપલ કોર્પોરેશન) અને નગર પંચાયતના અધ્‍યક્ષ પદ પર ભાજપે જોરદાર દેખાવ કરતા સૌથી વધુ એકમોમાં સફળતા મેળવી છે. જ્‍યારે વોર્ડ સદસ્‍યોના પદ પર અપક્ષ ઉમેદવારોએ ભાજપ અને કોંગ્રેસને પરાજ્‍યનો સ્‍વાદ ચખાડયો છે. અત્‍યાર સુધી જાહેર સભાસદોના પરિણામોમાં બન્ને પક્ષો મળીને પણ અપક્ષોની બરાબર થઈ શકયા નથી. અત્‍યાર સુધી જાહેર ૬૭ પરિણામોમાંથી ભાજપ ૨૭ શહેરી એકમોમાં અધ્‍યક્ષ બનાવવા સફળ રહ્યુ છે. અપક્ષોએ બાજી મારી છે. જ્‍યારે કોંગ્રેસને ૧૯ એકમોમાં અધ્‍યક્ષ પદ પર સફળતા મળી છે.

ઉત્તરાખંડની સ્‍થાનિક ચૂંટણીઓમાં મેયર અને અધ્‍યક્ષ પદની ૮૪ બેઠકો પર મોડી રાત્રી સુધી જારી મત ગણતરી બાદ આજે સવારે ૮૩ બેઠકોના પરિણામ જાહેર કરવામાં આવ્‍યા છે. જેમાં ૩૪ બેઠકો પર ભાજપે વિજય મેળવ્‍યો છે. જ્‍યારે કોંગ્રેસના ખાતામાં ૨૫ બેઠકો આવી છે. ૨૩ ઉપર વિજય મેળવી અપક્ષોએ સૌને ચોંકાવ્‍યા છે. બસપાએ એક બેઠક પર કબ્‍જો કર્યો છે પરંતુ આપ, સપા અને પ્રાદેશિક પક્ષ ઉક્રાંદના સુપડા સાફ થઈ ગયા છે.

દહેદારૂન, ઋષિકેશ, રૂદ્રપુર, કાશીપુર અને હલદ્વાનીમાં ભાજપનો વિજય થયો છે. જ્‍યારે કોટદ્વારમાં કોંગ્રેસના મેયર બન્‍યા છે. હરીદ્વારમાં પણ કોંગ્રેસે વિજય મેળવ્‍યો છે.

(11:23 am IST)