Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

અમિતાભ બચ્ચને ટ્રેનનો આખો ડબ્બો કર્યો બૂકઃ ખેડૂતોને દેવામાફીના પત્ર આપવા મુંબઇ બોલાવ્યા

ઉત્તરપ્રદેશના ૭૦ જેટલા ખેડૂતોને મુંબઇ આવવા માટેની વ્યવસ્થા કરીઃ જેઓ અહીં આવીને બેંક સાથેના લેણદેણના તેમના દસ્તાવેજ લેશે

મુંબઈ તા. ૨૧ : મહાનાયક અમિતાભ બચ્ચને ઉત્તરપ્રદેશનાં ખેડૂતોનું દેવૂં ચૂકવવામાં તેમની મદદ કરી છે. બચ્ચને રાજયના ૧૩૯૮ ખેડૂતોનું રૂ.૪.૦૫ કરોડનું દેવું ચૂકવ્યું છે. બચ્ચને પોતાના બ્લોગ પર આ શુભસમાચાર શેર કરતા લખ્યું કે, ખેડૂતો સંકટનો સામનો કરી રહ્યા છે, આથી તેમનું ભાર ઓછું કરવાની ઈચ્છા હતી.

બચ્ચને લખ્યું છે કે, 'સૌથી પહેલા તેમણે મહારાષ્ટ્રમાં ૩૫૦થી વધુ ખેડૂતોનું દેવું ચૂકવ્યું હતું. હવે ઉત્તરપ્રદેશના ૧૩૯૮ ખેડૂતો પર જે બેન્કનું દેણું હતું તે રૂ.૪.૦૫ કરોડ જેટલી માતબર રકમની લોન ચૂકવી છે. આ ઈચ્છા પૂરી થતાં આંતરિક શાંતિ મળે છે.'

અમિતાભ બચ્ચને ખેડૂતોની લોન ચૂકવવા માટે બેન્ક ઓફ ઈન્ડિયા સાથે 'ઓટીએઃ વન ટાઈમ સેટલમેન્ટ' કર્યું છે. તેઓ ૨૬ નવેમ્બરના રોજ ખેડૂતોને મળીને જાતે જ તેમને બેન્કનો પત્ર સુપરત કરશે. તેના માટે તેમણે ઉત્તરપ્રદેશના ૭૦ ખેડૂતોને મુંબઈ બોલાવ્યા છે અને તેમના આવવા-જવા માટે ટ્રેનનો એક આખો ડબ્બો બૂક કરાવ્યો છે.

આ અગાઉ અમિતાભ બચ્ચને સાફ-સફાઈ માટે ટ્રેકટર-ટ્રોલી વહેંચ્યા હતા. બચ્ચને 'સ્વચ્છતા હી સેવા' કેન્પેઈન લોન્ચના પ્રસંગે નમો એપ દ્વારા પીએમ મોદી સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, 'ચાર વર્ષ પહેલા તમે દેશમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી. હું પણ મુંબઈમાં વર્સોવા બીચના સફાઈ અભિયાન સહિત અનેક સ્વચ્છતા અભિાયન સાથે જોડાયો છું.'

બચ્ચને પીએમ મોદીને વધુમાં જણાવ્યું હતું કે, 'લોકો જે કોઈ કચરો સમુદ્રમાં ફેંકે છે, સમુદ્ર એ કચરો આપણને પાછો આપી દે છે. આપણે તેને સમુદ્ર કિનારે જોઈ શકીએ છીએ. સ્વચ્છતા અભિયાન સાથે હું જયારે જોડાયો ત્યારે જોયું કે કચરો બહાર કાઢવા માટે જમીન ખોદવી પડે છે અને તેના માટે મશીનોની જરૂર પડે છે.'

લોકોએ સમુદ્રમાંથી ખચરો દૂર કરવા માટે ટ્રેકટર-ટ્રોલી માગણી કરી હતી, આથી મેં તેમને તે ખરીદીને આપ્યા છે. હું સ્વચ્છતા અભિયાન ફેલાવા માટે ટીવીને સૌથી સશકત માધ્યમ માનું છું.

(10:28 am IST)