Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017


ટીમ છોડી રહી છે સાથ, અનામતની લડાઇમાં એકલો પડી ગયો હાર્દિક!

પાસમાં ભંગાણઃ વિશ્વાસુઓએ છોડયો સાથ

નવી દિલ્હી તા. ૨૧ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ અને ભાજપની સાથે સાથે હાર્દિક પટેલની પાટીદાર અનામત આંદોલન સમિતી પણ ચર્ચાનો વિષય છે. પાટીદારોનું આ સંગઠન દરેક પાર્ટી માટે મહત્વ ધરાવે છે. પરંતુ ઈલેકશન નજીક આવી રહ્યું છે ત્યારે આ સમિતીમાં પણ વિવાદો વધી રહ્યા છે. ૨૦૧૫માં થયેલી મહારેલી પછી જે કોર ટીમ ચર્ચાનો વિષય બની હતી, તેના ઘણાં સભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે અથવા પાસથી અલગ થઈ ગયા છે. આ લડાઈમાં જે એક ચહેરો અકબંધ છે, તે છે હાર્દિક પટેલ.

હાર્દિક પટેલ મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ સાથે થયેલી સમજુતીઓની સત્તાવાર જાહેરાત કરવાનો હતો, પરંતુ હવે કહેવામાં આવી રહ્યું છે કે તે સાંજે રેલીમાં જાહેરાત કરશે. તમને જણાવી દઈએ કે હાર્દિકના વિશ્વાસુ સાથીઓ કેતન પટેલ, ચિરાગ પટેલ, વરુણ પટેલ અને રેશમા પટેલે અધવચ્ચે સાથ છોડી દીધો છે.

હાર્દિક પટેલને સૌથી મોટો આંચકો ત્યારે લાગ્યો જયારે દિનેશ બાંભણિયાએ પણ તેની રણનીતિ પર સવાલ ઉઠાવ્યા અને ટિકિટોની વહેંચણી બાબતે કોંગ્રેસનો વિરોધ કર્યો. જો કે દિનેશ હજી પાસના જ સભ્ય છે, પણ સૂત્રોના જણાવ્યા અનુસાર હાર્દિક અને દિનેશના સંબંધોમાં કડવાશ આવી ગઈ છે. અહીં સવાલ એ થાય છે કે હાર્દિકના ખાસ અને નજીકના આ લોકો તેનાથી દૂર કેમ થઈ ગયા?

ચિરાગ પટેલ અને કેતન પટેલ સૌથી પહેલા હાર્દિકનો સાથ છોડીને જતા રહ્યા અને તેમણે આરોપ મૂકયો હતો કે હાર્દિક હજી નિર્ણય લેવા માટે પરિપકવ નથી થયો. વરુણ અને રેશમાએ પણ આ જ પ્રકારના આરોપ મુકયા હતા. દિનેશનું કહેવું છે કે કોંગ્રેસે પાસની કોર કમિટીની સલાહ લીધા વિના જ તેમના સભ્યોને ટિકિટ આપી દીધી. ભાજપ છોડીને પાસમાં જોડાનારા અન્ય પ્રમુખ નેતા નલિન કોટડિયા પણ હાર્દિકના ખાસ હતા, પરંતુ તેમને પણ ટિકિટ ન મળતા, તેમણે પણ રાજીનામું આપી દીધું.

(3:46 pm IST)