Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

વડા પ્રધાન નરેંદ્ર મોદી-દલાઈ લામા સહિત અનેક પાછળ ચીને જાસૂસ મૂક્યા હતા

ચીની જાસૂસી કાંડમાં મોટો ઘટસ્ફોટ : ભારતીય મંત્રાલયમાં કામ કરનારા ઉચ્ચ અધિકારીઓ અને બ્યૂરોક્રેટ્સની જાણકારી મેળવવામાં આવી રહી હતી

નવી દિલ્હી, તા.૨૧ : ભારતમાં ચીની જાસૂસી કાંડની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર વડા પ્રધાન કાર્યાલય ઉપરાંત દલાઈ લામા અને ભારતમાં લગાવેલ સુરક્ષા ઉપકરણ પણ ચીની જાસૂસોના નિશાના પર હતા. પકડી પાડવામાં આવેલ ચીની જાસૂસી નેટવર્કની પુછતાછમાં સામે આવ્યું છે કે ભારતીય મંત્રાલયમાં કામ કરનાર ઉચ્ચ અધિકારીઓ અને બ્યૂરોક્રેટ્સની જાણકારી મેળવવામાં આવી રહી હતી.

ચીની જાસૂસ ક્વિંગ શીની પુછતાછમાં સામે આવ્યું કે, ચીને ભારતમાં પોતાની જાસૂસી ટીમને પીએમઓ સહિત મોટી ઓફિસોની અંદરની જાણકારી આપવા માટે કહ્યું હતું. જેમ કે, ઓફિસમાં કયો માણસ મહત્વપુર્ણ છે, કયા પદ પર છે અને કેટલો પ્રભાવશાળી છે.

પુછતાછમાં ચીનના આ જાસૂસી નેટવર્કમાં મહાબોધી મંદિરના એક પ્રમુખ બોદ્ધ ભિક્ષુ અને કોલકાતાની એક પ્રભાવશાળી મહિલા પણ સામેલ હોવાની વાત સામે આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ક્વિંગ શીને આ મહિલા સાથે મુલાકાત કરાવાતી હતી અને બંને વચ્ચે સિક્રેટ ડોક્યુમેન્ટની આપ લે થતી હતી. જે બાદ ક્વિંગ તેને ટ્રાન્સલેટ કરીને ચીન મોકલતો હતો.

ચીની જાસૂસની પુછતાછમાં એજન્સીઓના હાથે અમુક દસ્તાવેજ લાગ્યા છે. જે મુજબ પીએમઓમાં સામેલ અધિકારી અને દલાઈ લામાની દરેક ગતિવિધિની જાણકારી લેવામાં આવી રહી હતી. જણાવી દઈએ કે, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ગત મહિને ક્વિંગ શીની સાથે તેના નેપાળી સાથી શેર બહાદૂર અને ભારતીય પત્રકાર રાજીવ શર્માની ધરપકડ કરી હતી. અને તમામ લોકો હાલ તિહાડ જેલમાં બંધ છે.

જાસૂસી નેટવર્કનો ખુલાસો ઓગસ્ટ મહિનામાં ચીની નાગરિક ચાર્લી પેંગ ઉર્ફે લુઓ સાંગની ધરપકડ થઈ હતી. તે બાદથી જ તપાસ એજન્સીઓ ચીની જાસૂસી નેટવર્કનો પતો લગાવી રહી હતી. દિલ્હીમાં આઈટી વિભાગની રેડ દરમિયાન ચીની જાસૂસી રેકેટનો ભાંડાફોડ થયો હતો. ત્યારે પણ એ સામે આવ્યું હતું કે ચાર્લી પેંગ તિબ્બતી બોદ્ધ ગુરુ દલાઈ લામાની જાસૂસી કરી રહ્યું હતું.

(7:17 pm IST)