Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

૪ દિવસમાં રૂ. ર૬૦૦૦ કરોડનો વકરો

કોણ કહે છે મંદી છે? કોણ કહે છે લોકો પાસે પૈસા નથી? કોણ કહે છે ઘરાકી નથી? ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર મહામારીની કોઇ અસર જોવા મળતી નથીઃ ઇ-કોમર્સ કંપનીઓ એમેઝોન અને ફલીપકોર્ટે માત્ર ૪ દિવસમાં રૂ. ર૬૦૦૦ની પ્રોડકટનું વેચાણ કર્યુઃ કંપનીઓના ગોદામો ખાલી થવા લાગ્યા

નવી દિલ્હી તા. ર૧ :.. ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર કોરોના મહામારીની કોઇ અસર જોવા મળતી નથી. તેનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાય કે તહેવારો પૂર્વે અને તહેવારોનું સેલ પુરૂ થાય એ પહેલા જ લેપટોપ-ફોન-માઇક્રોવેવ-એસી-ફ્રીઝનું ધુમ વેચાણ થયું છે. ગ્રાહકો તરફથી ધમાકેદાર ખરીદી થતાં એમેઝોન અને ફિલપકોર્ટને બખ્ખા થઇ ગયા છે. ૭ મહિનાથી રાહ જોઇને બેઠેલા ગ્રાહકોએ એટલા મોટા પ્રમાણમાં ઓર્ડરો મૂકયા કે કંપનીઓના ગોદામો ખાલી થઇ ગયા. અને રિર્વેજ શોપિંગ કહેવાય. રિવેંજ શોપિંગનાં આ ટ્રેન્ડે માંગને વધારી છે ભારતની સૌથી મોટી આ બંને કંપનીઓ માટે ફેસ્ટીવલ સીઝન સેલ ઇવેન્ટના પ્રથમ ૪ દિવસમાં જ ૩.પ બીલીયન ડોલર એટલે કે રૂ. ર૬૦૦૦ કરોડનો વકરો કર્યો છે. સીઝનના અંતે તેઓ ૪.૭ બિલીયન ડોલરનું વેચાણ નોંધાવે તેવી શકયતા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીન સાથે વિવાદ સર્જાયા બાદ ટીવી સેટની આયાત અટકતા સંકટ ઉભું થયું હતું. ટીવી સેટ, પેનલ, સ્માર્ટફોન પેનલ વગેરેની આયાત અટકતા બજારમાં તેની અછત થઇ હતી જેને કારણે એલજી, સેમસંગ, લેનોવો, થોમસન, ટીસીએલ કોડાક વગેરે પાસે હવે ઓનલાઇન ડીમાન્ડ પૂરી કરવા પ્રોડકટ ઓછી પડી રહી છે. કંપનીઓનું કહેવું છે કે નવરાત્રીમાં જ આટલી ડીમાન્ડ નીકળશે તેની આશા નહોતી. દિવાળી પહેલા તેઓ સ્ટોક વધારવા પ્રયાસ કરશે.

બંને કંપનીઓનું કહેવું છે કે, સરળ હપ્તે ખરીદવાની સુવિધાને કારણે ડીમાન્ડ વધી છે. એમેઝોનના જણાવ્યા પ્રમાણે ર૪ કલાકમાં ૬૦૦ કરોડના ૩પ૦૦૦ સ્માર્ટ ફોન અને બીજી ચીજોની ખરીદી હપ્તેથી થઇ છે. નાના શહેરોના લોકો ઝડપથી હપ્તેથી ખરીદી કરી રહ્યા છે.

રેડસીર અને ફોરસ્ટર રિસર્ચના રિપોર્ટ અનુસાર આ વખતે ઇ-કોમર્સનું તહેવારી સેલ ૬.પ અબજ ડોલર થશે જે ગયા વખતે ૪.પ અબજ ડોલર હતું.

ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ૩પ૦૦૦ રૂ. સુધીના લેપટોપ ઉપલબ્ધ નથી. આ વખતે ટીવી-લેપટોપનું રપ ટકા તો સ્માર્ટફોનનું ૪૦ ટકા વેંચાણ વધ્યું છે. બંને કંપનીઓએ મહત્તમ ડિસ્કાઉન્ટ જાહેર કરતા વેંચાણ વધ્યું છે. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેમસંગ, એપલ, એલજી અને જીયોમીનું વેંચાણ ૮૦ થી ૧૦૦ ટકા વધ્યું છે.

જે રીતે બંને કંપનીઓને બખ્ખા થયા છે. તે જોતા  પ્રશ્ન ઉઠે છે કે દેશમાં મંદી - સુસ્તી  કયાં છે...?

(11:01 am IST)