Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

અેર ઇન્ડિયાની નાણાકીય સ્થિતિ સુધારવા સરકાર દ્વારા લો-કોસ્ટ સબસિડિયરી અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ યુનિટને વેચવા ભલામણ

નવી દિલ્હી: એર ઇન્ડિયાની નાણાકીય સ્થિતિ સુધારવા સરકારે લો-કોસ્ટ સબસિડિયરી અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ યુનિટને વેચવાની ભલામણ કરી છે. જંગી ઋણબોજથી પરેશાન સરકારી એરલાઇનના ડિસઇન્વેસ્ટમેન્ટની આ પૂર્વતૈયારી હોઈ શકે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ચાલુ વર્ષે જ સરકારનો એર ઇન્ડિયાને વેચવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.

અહેવાલમાં જણાવ્યા અનુસાર એર ઇન્ડિયાનું લો-કોસ્ટ ઇન્ટરનેશનલ યુનિટ એર ઇન્ડિયા એક્સ્પ્રેસ અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ સબસિડિયરી એર ઇન્ડિયા-SATSને વેચવાની યોજના છે. અગાઉ આ બંને યુનિટ્સ એર ઇન્ડિયા સાથે વેચવાના હતા. ઉપરાંત, એન્જિનિયરિંગ ડિવિઝન અને અન્ય ગ્રાઉન્ડ હેન્ડિલિંગ બિઝનેસનું પણ વેચાણ કરાશે એવી માહિતી એવિએશન મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ આપી હતી. તેમણે કહ્યું હતું કે, એર ઇન્ડિયાની સ્થિતિ સુધારવાની ભલામણો અંગે મંત્રાલયના વિવિધ સ્તરે ચર્ચા થઈ રહી છે.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, “અહેવાલમાં એર ઇન્ડિયાની નાણાકીય અને કાર્યકારી સ્થિતિમાં સુધારો કરવાના વિકલ્પોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અહેવાલની ચર્ચા એવિએશન મંત્રાલયમાં ચાલુ છે અને આગામી પ્રક્રિયા માટે તેને નાણામંત્રાલયને સુપરત કરાશે.” એર ઇન્ડિયાના ચેરમેન પ્રદીપ સિંઘ ખારોલા દ્વારા ગયા સપ્તાહે અહેવાલ સુપરત કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે, સરકારે મે મહિનામાં એર ઇન્ડિયાના 76 ટકા હિસ્સા સાથે બંને યુનિટ્સના વેચાણની પ્રક્રિયા શરૂ કરી હતી. એર ઇન્ડિયા એક્સપ્રેસ એર ઇન્ડિયાની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી છે. એર ઇન્ડિયા AI-SATSમાં 50 ટકા હિસ્સો ધરાવે છે. બાકીનો હિસ્સો સિંગાપોર એરપોર્ટ ટર્મિનલ સર્વિસિસ (SATS) પાસે છે. કતાર એરવેઝના ગ્રૂપ CEO અકબર અલ બકરે તાજેતરમાં જણાવ્યું હતું કે, “અમને એરલાઇનમાં રસ છે, પણ સબસિડિયરીઝમાં નહીં.”

એર ઇન્ડિયાના યુનિટ્સના વેચાણમાંથી એકત્ર ભંડોળનો ઉપયોગ એરલાઇનનું લગભગ ₹50,000 કરોડનું ઋણ ચૂકવવા કરાશે. જેમાંથી ₹30,000 કરોડની રકમ કાર્યકારી મૂડીની અને બાકીનો હિસ્સો વિમાનની ખરીદી માટેનો છે.

અહેવાલમાં કાર્યકારી મૂડીની ડેટ સ્પેશિયલ પર્પઝ વ્હિકલ (SPV)માં ટ્રાન્સફર કરવાની ભલામણ કરાઈ છે. તેને લીધે એર ઇન્ડિયાને સર્વિસિંગ ખર્ચમાં વાર્ષિક ₹4,000 કરોડની બચત થશે. અહેવાલમાં એરલાઇનના કર્મચારીઓને બઢતી આપવાને બદલે બહારના ડિરેક્ટર્સની નિમણૂક કરવાનું સૂચન કરાયું છે. કાર્યકારી ખર્ચમાં ઘટાડો કરવા અન્ય પગલાં સિવાય એરલાઇન સ્ટાફ દ્વારા સસ્તા એકોમોડેશનની પણ ભલામણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, વેન્ડર્સ ઉપરાંત ભારતીય અને વિદેશી ધિરાણકારોની બાકી રકમ ચૂકવવા એર ઇન્ડિયાએ સતત સરકારી સહાયની માંગણી કરી છે. સરકારે ઇક્વિટી તરીકે લગભગ ₹980 કરોડની વચગાળાની સહાય તેમજ બેન્કો પાસેથી ₹2,000 કરોડ એકત્ર કરવા સોવરિન ગેરંટીની માંગણી કરી છે. જેમાંથી એરલાઇને ₹1,500 કરોડ એકત્ર કરી લીધા છે.

(12:00 am IST)