Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ઓનલાઈન લેવડ-દેવડ વેળાએ ટ્રાન્ઝેક્શનની નિષ્ફળતાના વળતરરૂપે બેંકોએ રોજના રૂ,100 ખાતેદારને આપવા પડશે

ટ્રાન્ઝેક્શન થયાના પાંચ દિવસમાં ગ્રાહકના પૈસા પાછા ચૂકવી દેવા પડશે.

નવી દિલ્હી : ઓનલાઇન લેવડ-દેવડ દરમિયાન બેંકના ખાતેદારના પૈસા અટવાયા હોય તો તે પાછા મેળવી આપવા રિઝર્વ બેંકે એક નવી જાહેરાત કરી હતી.

એટીએમ દ્વારા પૈસા લેતી વખતે મશીનમાંથી પૈસા ન નીકળી પરંતુ ગ્રાહકના ખાતામાંથી પૈસા કપાઇ જાય કે પેમેન્ટ કરતી વખતે કોઇ પ્રકારની ગરબડ થતાં ગ્રાહકના ખાતામાંથી પૈસા જાય તો બેંકે આ ટ્રાન્ઝેક્શન થયાના પાંચ દિવસમાં ગ્રાહકના પૈસા પાછા ચૂકવી દેવા પડશે.

આમ થવામાં વિલંબ થાય તો બેંકે પોતાના ખાતેદારને રોજના ૧૦૦ રૂપિયા વળતર રૂપે ચૂકવવા પડશે. રિઝર્વ બેંકના આ પગલાથી યુટીઆઇ, મની ટ્રાન્સફર, એટીએમ દ્વારા લેવડદેવડ, ઇ વોલેટ વગેરેનો નિયમિત વપરાશ કરનારા ખાતેદારોને લાભ થશે. રિઝર્વ બેંકે એક નોટિફિકેશન દ્વારા આ જાહેરાત કરી હતી. ખાતેદારે કરેલા ટ્રાન્ઝેક્શનની નિષ્ફળતાના વળતર રૂપે બેંકો માટે આ નોટિફિકેશન તત્કાળ અમલમાં આવે એવી જાહેરાત કરાઇ હતી.

ખાતેદાર આઇએમપીએસ દ્વારા કોઇને ચૂકવણી કરે ત્યારે એના ખાતામાંથી પૈસા કપાઇ જાય પરંતુ જેને પૈસા મોકલ્યા હોય એને ન મળે તો માત્ર એક દિવસમાં બેંકે ઓટો રિવર્સ કરવાના રહેશે. આમ કરવામાં બેંક નિષ્ફળ જાય તો રોજના ૧૦૦ રૂપિયા દંડ રૂપે ખાતેદારને ચૂકવવા પડશે.

(9:32 pm IST)