Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ઇન્દોરનું ૮૫ વર્ષ જુનુ રીગલ થીયેટર બંધ થયું: ફિલ્મ જોવી હતી પ્રતિષ્ઠા

કયારેક આ થીયેટરમાં માત્ર સૂટ પહેરી જવાનું ફરજીયાત હતુ

ઈન્દોર, તા.૨૧: દેશના કેટલાક જૂના થીયેટરો પૈકીનું એક રીગલ થીયેટર હવે બંધ કરી દેવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં ૮૫ વર્ષ જૂના રીગલ થીયેટરને બંધ કરી દેવામાં આવ્યું છે અને હવે આ ઈતિહાસનો ભાગ બની ગયું છે. નગર નિગમે હવે થીયેટરની જમીન પર કબ્જો કરી લીધો છે. આ થીયેટરમાં કયારેક શુટ પહેરીને આવવું અનિવાર્ય હતું તો ખૂબ લાંબા સમય સુધી અહીંયા મહિલાઓ માટે બેસવાની અલગ જગ્યા હતી. આ થીયેટરમાં દાખલ થવું કયારેક એક શાન ગણાતી. રીગલ થીયેટરમાં પહેલી ફિલ્મ રાજા હરીશચંદ્ર રિલીઝ થઈ હતી અને ડ્રીમ ગર્લ અંતિમ ફિલ્મ હતી. 

 થીયેટરનો ઈતિહાસ હોલકર રાજાઓ સાથે જોડાયેલો છે. વર્ષ ૧૯૩૦ માં મહારાજા તુકોજીરાવ હોલકરે મનોરંજન કેન્દ્ર માટે લીઝ પર ધન્નાલાલ ઠાકુરિયાને આ જગ્યા આપી હતી. ૧૯૩૪ માં અહીંયા થીયેટર બનીને તૈયાર થયું હતું. આમાં મહારાજા માટે એક વિશેષ બાલ્કની બનાવવામાં આવી હતી, જેમાં બેસીને રાજપરિવારના સભ્યો ફિલ્મ જોતા હતા.

એક જમાનામાં રીગલ થીયેટરમાં તે જ દર્શકોને પ્રવેશ મળતો હતો, જે લોકો સૂટ પહેરીને ફિલ્મ જોવા આવતા હોય. શહેરના મધ્યમાં હોવાથી અને ત્યાં જવા માટે ટ્રાંસપોર્ટેશનની વ્યવસ્થા સરળતાથી ઉપ્લબ્ધ હોવાથી આ થીયેટર દર્શકોની પ્રથમ પસંદ હતું.

રીગલ થીયેટરને શરુઆતમાં મંજૂરી પત્ર એ જ શરત પર મળ્યો હતો કે ત્યાં માત્ર અંગ્રેજી ભાષાની જ ફિલ્મો પ્રદર્શિત થશે અને મેનેજર પણ અંગ્રેજ જ હશે. આ પહેલા મેનેજર સ્મિથ હતા. જયારે દર્શકોની સંખ્યા ઘટવા લાગી ત્યારબાદ આ થીયેટરમાં હિન્દી ફિલ્મો ચલાવવા માટે મંજૂરી મળી હતી. ૧૯૪૦ થી ૧૯૬૦ સુધી થીયેટરમાં મહિલાઓ માટે બેસવાની અલગ વ્યવસ્થા હતી. ત્યારબાદ ફિલ્મ જોવા આવનારા મહિલાઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો ત્યારબાદ સુરક્ષિત શ્રેણી સમાપ્ત કરી દેવામાં આવી હતી.

આ થીયેટરમાં રાજકપૂર, દિલીપ કુમાર, દેવાનંદ, અશોક કુમાર, અનિલ કપૂર જેવા દિગ્ગજો પણ અહીંયા આવી ચૂકયા છે. રીગલમાં ફિલમ જોવા જતાં દર્શકોને પણ જે તે સમયે એક પ્રતિષ્ઠાની અનુભૂતી થતી હતી.

(10:15 am IST)