Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

શૂન્‍ય ખર્ચથી પ્રાકૃતિક ખેતી : રાસાયણિક ખાતર - કીટનાશકની જરૂર નથી

૨૦૨૨ સુધીમાં સમગ્ર દેશમાં લાગુ થશે આ મોડેલ : ૫ રાજ્‍યોમાં થશે શરૂઆત : ખેડૂતોની વધશે આવક : દેશી ગાયના ગોબરમાં ૫૦૦ કરોડ જીવાણુ હોય છે : તેમાં ગોળ નાખવાથી સુક્ષ્મ જીવાણુઓ વધી જાય છે જે ખેતરમાં નાખો તો ખાતર કે પોષક તત્‍વની જરૂર રહેતી નથી

નવી દિલ્‍હી તા. ૨૧ : પદ્મશ્રી સુભાષ પાલેકરે કહ્યું કે, વડાપ્રધાન ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી રહ્યા છે, પણ રાસાયણીક ખાતરોથી થતી ખેતી અથવા જૈવિક ખેતીથી ખેડૂતોની આવક વધવાની નથી. કૃષિ વૈજ્ઞાનિકોએ પણ તેનો સ્‍વિકાર કર્યો છે. ફકત શૂન્‍ય ખર્ચ કુદરતી ખેતીથી ખેડૂતની આવક બમણી થઇ શકે. આ વાત નિતી આયોગને પણ સમજાઇ ગઇ છે એટલે તેની સંમતિ પછી પાંચ રાજ્‍યોએ શૂન્‍ય ખર્ચ ખેતી કરવાનું શરૂ કરી દીધું છે. બાકીના રાજ્‍યોમાં ૨૦૨૨ સુધીમાં શૂન્‍ય ખર્ચ ખેતી કરવાનું શરૂ થઇ જશે. આનાથી ખેડૂતોની આવક જ બમણી નહી થાય પણ ખેતરોની ઉગાડવાની શકિતમાં પણ સુધારો થશે.

આજથી શરૂ થઇ રહેલી છ દિવસીય શૂન્‍ય ખર્ચ પ્રાકૃતિક ખેતી પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેવા આવેલ સુભાષ પાલેકરે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ અને મેઘાલય સરકારે પોતપોતાના રાજ્‍યોમાં શૂન્‍ય ખર્ચ ખેતી કરવાના આદેશ આપી દીધા છે.

હિમાચલ પ્રદેશમાં દેશી ગાયોની કમીના કારણે સૌરાષ્‍ટ્રમાંથી પાંચ હજાર ગાયો મંગાવાઇ રહી છે. ૨૦૨૨ સુધીમાં આખા દેશમાં શૂન્‍ય ખર્ચ ખેતી અમલી બનશે. આ ખેતીમાં રાસાયણીક ખાતર અને જંતુનાશકની જરૂર બિલકુલ નથી પડતી. એક દેશી ગાયથી ૩૦ એકરની ખેતી થઇ શકે છે. ગાયનું ૧૦ કિલો છાણ એક એકરને એક મહીના માટે પર્યાપ્‍ત છે. હાલમાં દેશના ૫૦ લાખ ખેડૂતો શૂન્‍ય ખર્ચ ખેતી કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, આપણા દેશમાં ખેતી કરવાનો ઇતિહાસ ૧૦૦૦૦ વર્ષ જુનો છે. જેમાંથી પાંચ હજાર વર્ષ પહેલા છાણીયા ખાતરનો ઉપયોગ નહોતો થતો પણ શીફટીંગ કલ્‍ચર (એક જગ્‍યાનું જંગલ કાપીને ખેતી કરવી પછી બીજી જગ્‍યાએ જંગલ કાપીને ખેતી કરવી) થી ખેતી થતી હતી. ભગવાન શ્રી કૃષ્‍ણએ છાણીયા ખાતરનો પ્રયોગ બતાવ્‍યો હતો, પણ આજના સમયમાં આ પ્રયોગ સફળ નથી. કેમકે આના માટે દેશભરમાં ૩૫૦ કરોડ દેશી ગાયોની જરૂર પડશે, જ્‍યારે દેશમાં કુલ આઠ કરોડ દેશી ગાયો છે.

દેશી ગાયોનું ખેતીમાં મહત્‍વ

દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૫૦૦ કરોડ જેટલા સુક્ષ્મ જીવાણુઓ હોય છે. ગાયના છાણમાં ગોળ નાખવાથી સુક્ષ્મ જીવાણુઓની સંખ્‍યા વધી જાય છે. જ્‍યારે આ જીવાણુઓ ખેતરમાં નાખવામાં આવે છે ત્‍યારે કરોડો સુક્ષ્મ જીવાણુઓ જમીનમાં ઉપલબ્‍ધ તત્‍વોમાંથી છોડ માટે ભોજન બનાવે છે. એટલે કોઇ ખાતર કે વધારાના પોષક તત્‍વોની જરૂર નથી પડતી.

હું એક નયો પૈસો

પણ નથી લેતો

સુભાષ પાલેકરે જણાવ્‍યું કે, હું એક નયો પૈસો પણ નથી લેતો. નિતી આયોગ સમક્ષ પણ મેં આ વાત કરી છે. સરકારને પણ આ ખેતીમાં બજેટનો એક પૈસો ખર્ચ નહી કરવો પડે ખાલી ખેડૂતોને જાગૃત કરવાની જરૂર છે.

બુંદેલખંડમાં દૂર થશે

અન્‍ના પ્રથા

બુંદેલ ખંડમાં ખેડૂત પોતાની ગાયોને છુટી મુકી દે છે. જ્‍યારે ખેડૂત શૂન્‍ય ખર્ચ પ્રાકૃતિક ખેતી કરવા લાગશે તો છુટ્ટા પશુઓની સમસ્‍યા આપોઆપ દુર થશે. કેમકે આ ખેતીમાં દેશી ગાયોનું જ સર્વાધિક યોગદાન છે.

 

(11:14 am IST)