Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

માસાંતે GST કાઉન્‍સીલની બેઠકઃ અનેક પ્રોડકટ સસ્‍તી થવાની સંભાવના

૨૮-૨૯ના રોજ જીએસટી કાઉન્‍સીલની ૩૦મી બેઠક યોજાશેઃ સિમેન્‍ટ, એસી, મોટી સાઈઝના ટીવી ઉપરાંત અનેક ચીજવસ્‍તુઓ ઉપરના જીએસટીના દરોમાં ઘટાડો કરાશેઃ ૨૮ ટકાવાળા સ્‍લેબમાંથી અનેક પ્રોડકટ બહાર કઢાશે : એમએસએમઈ સેકટરને રાહત મળવાની સંભાવનાઃ બેઠકમાં પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં લાવવા અંગે ચર્ચા થશેઃ ગત બેઠકમાં ૧૦૦થી વધુ પ્રોડકટ પર જીએસટીના દરોમાં ફેરફારો કરવામાં આવ્‍યા હતા

નવી દિલ્‍હી, તા. ૨૧ : જીએસટી કાઉન્‍સીલની ૩૦મી બેઠક ૨૮ અને ૨૯ સપ્‍ટેમ્‍બરના રોજ મળશે. આ બેઠકમા સિમેન્‍ટ, એસી, મોટી સાઈઝના ટીવી ઉપરાંત અનેક ચીજવસ્‍તુઓ ઉપર જીએસટીના દરોમાં ઘટાડો કરવામાં આવી તેવી શકયતા છે. જીએસટી કાઉન્‍સીલ સાથે જોડાયેલા એક સભ્‍યએ જણાવ્‍યુ હતુ કે કાઉન્‍સીલની હવે પછીની બેઠકમાં કેટલીક વસ્‍તુઓ પર જીએસટીના દરો ઘટાડવામાં આવશે. જો કે તેનો દાયરો સિમીત રહેશે કારણ કે જીએસટી કલેકશન હજુ સ્‍થિર થયુ નથી તો નિષ્‍ણાંતોનું કહેવુ છે કે સરકાર જીએસટીના ૨૮ ટકાવાળા ટેક્ષના સ્‍લેબમાં કેટલીક વસ્‍તુઓને બહાર કાઢી સામાન્‍ય લોકોને રાહત આપી શકે છે.

સિમેન્‍ટ, એસી અને મોટી સ્‍ક્રીનવાળા ટીવી ૨૮ ટકાના ટેક્ષ બ્રેકેટમાં છે. તેને બહાર કાઢવામાં આવે તેવી શકયતા છે. અગાઉ જુલાઈની બેઠકમાં કાઉન્‍સીલ ૧૦૦થી વધુ પ્રોડકટ પર ટેક્ષના દરોમાં ફેરફારો કરી ચૂકી છે. જેમાં ફ્રીઝ, નાની સ્‍ક્રીનવાળા કલર ટીવી અને વોશિંગ મશીન પર ટેક્ષના દરોમાં ફેરફાર કરાયા છે. આ સિવાય આ બેઠકમાં એમએસએમઈ સેકટરને પણ રાહત મળે તેવી શકયતા છે. આ સેકટર જીએસટી લાગુ થયા બાદથી અનેક પ્રકારની રાહતોની માંગ કરે છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં લાવવા અંગે પણ બેઠકમાં વિચારણા થાય તેવી શકયતા છે.

સંગઠીત ક્ષેત્રના પંખા ઉત્‍પાદકો રાહત ઈચ્‍છે છે. પંખા પર ૧૮ ટકાને બદલે ૧૨ ટકા ટેક્ષ હોવો જોઈએ તેવી આ ઉત્‍પાદકોની માંગણી છે. દર વર્ષે લાખો પંખાઓનું ઉત્‍પાદન થાય છે તેથી તેના પર ટેક્ષના દરો ઘટાડવા જોઈએ.

 

વધી શકે છે જીએસટી ઓડીટથી છૂટની સીમા

નવી દિલ્‍હીઃ વાર્ષિક જીએસટી રીટર્ન અને ઓડીટનું ફોર્મેટ જારી થયા બાદ ટ્રેડ ઈન્‍ડસ્‍ટ્રીઝ ખાસ કરીને નાના કરદાતાઓમાં બેચેની છે, હવે તેમા સુધારાની શકયતા છેઃ જીએસટીના એડીશ્‍નલ ડાયરેકટર જનરલે સીબીઆઈસી પાસે વાર્ષિક રીટર્ન જીએસટીઆર-૯ અને ઓડીટના ફોર્મમાં અનેક ફેરફારોની ભલામણ કરી છેઃ નાના વેપારીઓને રાહત આપવા માટે તેમણે ઓડીટથી છૂટની ટર્નઓવર સીમા ૨ થી વધારીને ૧૦ કરોડ કરવાની ભલામણ કરી છે, અત્‍યારના નિયમો મુજબ ૨ કરોડનું ટર્નઓવર કરનારે ૩૧ ડીસેમ્‍બર સુધી નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮નું વાર્ષિક રીટર્ન જીએસટીઆર-૯ ભરવાનું હોય છે, જ્‍યારે તેનાથી ઉપરના ટર્નઓવર વાળાઓએ ઓડીટ રીપોર્ટ અને સર્ટીફીકેટ સાથે જીએસટીઆર-૯ સી ભરવાનો હોય છે, જો કે સરકારે હવે નાના વેપારીઓને ત્રિમાસિક રીટર્નની છૂટ આપતા ટર્નઓવર સીમા ૫ કરોડ રાખી છે એવામાં સવાલ ઉઠે છે કે ૨ કરોડથી વધુ ટર્નઓવર પર જ ઓડીટનો બોજો શા માટે લદાય છે ? એવી ભલામણ થઈ છે કે જીએસટીઆર-૯ સી ભરવાથી છૂટની સીમા વધારીને ૧૦ કરોડ કરવી જોઈએઃ સૂચનોમાં વાર્ષિક રીટર્ન ભરવા માટે અગાઉના તમામ જીએસટીઆર-૧, જીએસટીઆર-૩ બીનુ ફાઈલીંગ ફરજીયાત કરવા જણાવાયુ છે

(10:26 am IST)