Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

૭ કરોડ પરિવારોના રોજગાર ઉપર ખતરો

ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મંદીનો ભરડોઃ પુરતા ઓર્ડરો મળતા નથીઃ ટ્રકો ૩૦ને બદલે ૧૮ કે ૨૦ દિ'દોડે છે

જીએસટી બાદ નાના ટ્રકોને કામ મળતુ નથીઃ નવા ટ્રકોની ખરીદી પણ બંધ

નવી દિલ્હી, તા.૨૧: દેશમાં આર્થિક મંદીના એંધાણ વર્તાવાના શરૂ થઈ ગયા છે. દેશમાં મોટાભાગના માલ-સામાનની હેરફેર ટ્રક દ્વારા કરવામાં આવતી હોય છે. અગાઉ જે ટ્રક ૩૦ દિવસ ચાલતા હતા, હવે તે સરેરાશ ૧૮થી ૨૦ દિવસ જ ચાલી રહ્યા છે. મંદીની અસરના કારણે ટ્રાન્સપોર્ટર્સને માલ લાવવા અને લઈ જવાનો ઓર્ડર નથી મળી રહ્યો. જેના કારણે સડક પર હવે ટ્રકની સંખ્યા દિવસે ને દિવસે ઘટતી જઈ રહી છે.

ઓલઈન્ડિયા ટ્રાન્સપોર્ટર વેલફેર એસોસિએશન (AITWA) અને ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સફોર્ટ કોંગ્રેસ (AIMTC)ના પદાધિકારીઓએ કહ્યું કે, આગામી દિવસો ટ્રકના વ્યવસાય સાથે સંકાળેયેલા લોકો માટે સારા નથી. અત્યારે બે ત્રણ અઠવાડિયાનું કામ મળી રહ્યું છે, પરંતુ જે આર્થિક સ્થિતિ છે તેને જોતાં લાગે છે કે ટૂંકા ગાળામાં જ ટ્રક વ્યવસાય સાથે સંકળાયેલા ૫ કરોડ પરિવારોની રોજીરોટી પર સંકટ આવી શકે છે. જેમાં ટ્રકના માલિક, ચાલક, કલીનર અને ઓફિસ કર્મચારી વગેરેનો સમાવેશ થાય છે. હવે જો તેમાં મિકેનિક, ટાયર શોપ, રોડ સાઈડ પંકચર બનાવતા લોકો અને સર્વિસ સેન્ટરના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવે તો પ્રભાવિત પરિવારોની સંખ્યા ૭ કરોડને પાર થઈ જશે.  AITWAના ચેરમેન પ્રદીપ સિંદ્યલે જણાવ્યું કે, ટ્રક વ્યવસાય પર જોવા મળી રહેલી અસરના અનેક કારણ છે. પ્રથમ, માર્કેટમાં માગ નથી. લાંબા અંતરના ટ્રક ઓર્ડરની રાહ જોવામાં પડ્યા રહે છે. પાર્કિગ કે ટ્રક યુનિયનની જગ્યાઓ પર ખાલી ટ્રકની લાઈન હવે લાંબી થતી જઈ રહી છે. સરકારની જીએસટી નીતિ અંતર્ગત ૨૫ ટકા વધુ લોડિંગની છૂટે પણ મંદીની માર વધારી દીધી છે.

જીએસટી પછી નાના ટ્રકને તો બિલકુલ કામ નથી મળી રહ્યું છે. સામે પક્ષે જીએસટીની ૨૮ ટકા છૂટના કારણે લોકોએ પોતાના હેવી ટ્રક ખરીદી લીધા છે. સિંદ્યલના જણાવ્યા અનુસાર, બેન્કોએ દિલ ખોલીને લોન આપી તો ટ્રક કંપનીઓએ પણ મોટી છૂટ આપી હતી. જેના કારણે બજારમાં ઓવર કેપેસિટીની સમસ્યા પેદા થઈ ગઈ છે. ટ્રકની એટલી જરૂર ન હતી, પરંતુ છૂટ અને લોનની સુવિધાના કારણે નવા ટ્રકની સંખ્યા બજારમાં વધી ગઈ છે.  AITWAના અધ્યક્ષ મહેન્દ્ર આર્યાએ જણાવ્યું કે, મંદીના કારણે હવે ટ્રાન્સપોર્ટનો ધંધો નબળો પડતો જઈ રહ્યો છે. દેશભરમાં અમારી સાથે ૫૦૦થી વધુ એસોસિએશન જોડાયેલા છે. દરેક જગ્યાએથી એક જ સમાચાર છે કે, નવા ટ્રકની ખરીદી સદંતર બંધ છે અને બજારમાં લોડિંગના ઓર્ડર અડધા થઈ ગયા છે.(૨૩.૭)

(11:39 am IST)