Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

અરે વાહ... આજે રાજકોટમાં એકપણ કેસ નહીં, મોત પણ નહીં

રાજકોટમાં છેલ્લા દોઢ વર્ષથી લોકોને સતાવતા કોરોના વાયરસે ખમૈયા કર્યાનું બહાર આવ્યુઃ આજે રાજકોટ માટે શુકનવંતો દિવસ-રાહત આપતો દિવસ :શહેરનો કુલ કેસનો આંક ૪૨,૬૩૮ થયોઃ આજ દિન સુધીમાં ૪૧,૮૮૫ દર્દીઓએ કોરોનાને મ્હાત આપીઃ રિકવરી રેટ ૯૮.૨૩ ટકા થયો : હાલમાં ૪૮૪ દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૧: છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર કોરોનાની બીજી લહેર ઘાતક રૂપ સાબિત થઇ હતી ત્યારે  આજે શહેર - જિલ્લામાં  છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન સતત બીજા દિવસે કોઇ મૃત્યુ  થયુ નથી.  જયારે શહેરમાં બપોર સુધીમાં  શુન્ય કેસ નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૨૦નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૨૧નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના એક પણ  દર્દીઓએ દમ તોડ્યો નથી.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં  ૫૭૬૬ બેડ ખાલી છે.

બપોર સુધીમાં કોરોનાના ૦ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કોઇ કેસ નોંધાયા નથી. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૬૩૮ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે.  ગઇકાલે કુલ ૭૭૨ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૮  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૦૪  ટકા થયો  હતો. જયારે ૪૩ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં  ૧૧,૭૮,૦૫૪ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૬૩૮  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૬૨ ટકા થયો છે. જયારે રિકવરી રેટ ૯૮.૨૩  ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૪૮૪  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:02 pm IST)