Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

બાકી કુછ બચા તો મહેંગાઇ માર ગઇ...

દરેક ચીજવસ્તુના ભાવ ૨ થી ૫ ટકા વધ્યા

ખાવાપીવાથી લઇને રોજિંદા ઉપયોગ તથા લકઝરી આઇટમો વગેરે મોંઘી થઇ ગઇ

મુંબઇ તા. ૨૧ : ટકાઉ ગ્રાહક સામાન, પેઇન્ટ અને રોજિંદી જરૂરીયાતની વસ્તુઓ સહિત બધા વર્ગની કંપનીઓ પોતાના ઉત્પાદનોની કિંમત ૨ થી ૫ વધારી રહી છે કેમકે તેમના પર કાચા માલની પડતર કિંમતનું દબાણ વધી રહ્યું છે. જો કે છેલ્લા એક મહિના દરમિયાન પામ ઓઇલના ભાવ પોતાના સર્વોચ્ચ સ્તરથી થોડા નીચા આવ્યા છે અને ધાતુઓના ભાવ પણ ઠંડા પડવાના સંકેત દેખાઇ રહ્યા છે પણ ક્રુડની કિંમતોમાં સતત ચડઉતર થઇ રહી છે.

પામ ઓઇલનો ઉપયોગ સાબુ બનાવવામાં થાય છે. એલ્યુમિનિયમ અને તાંબા જેવી ધાતુઓ ટકાઉ સામાન બનાવવામાં વપરાય છે. ક્રુડમાંથી બનતા રસાયણ ટાઇટેનીયમ ડાયોકસાઇડ અને લીનીયર આલ્કાઇલ બેંઝીનનો ઉપયોગ ક્રમશઃ પેઇન્ટ અને ડીટર્જન્ટ બનાવવામાં થાય છે. ક્રુડમાંથી બનતા હાઇડેન્સીટી પોલીએથીલીનનો ઉપયોગ સાબુ, ડીટર્જન્ટ, વાળના તેલ, ક્રીમ, શેમ્પુ અને ટૂથપેસ્ટ સહિત બધી જરૂરી વસ્તુઓની પેકીંગ સામગ્રીમાં થાય છે.

છેલ્લા એક મહિના દરમિયાન બેંચ માર્ક ક્રુડના ભાવ સાત ટકા વધ્યા છે. છેલ્લા ત્રણથી છ મહિનાના ગાળામાં ક્રુડની કિંમતોમાં ઝડપી વધારો થયો છે. તે પાછલા ત્રણ મહિનામાં ૧૭ ટકા અને છ મહિનામાં લગભગ ૪૧ ટકા મોંઘું થયું છે. એલ્યુમિનિયમ, સીસુ, નિકલ અને ટીન જેવી ધાતુઓ છેલ્લા ત્રણ મહિનામાં ૭ થી ૧૩ ટકા અને છેલ્લા છ મહિનામાં ૫ થી ૫૫ા ટકા સુધી મોંઘી થઇ છે. તાંબુ છેલ્લા ત્રણ મહિનામાં સપાટ રહ્યું છે પણ છ મહિનામાં ૧૪ ટકા વધ્યું છે. કંપનીઓ માટે આ ચડ-ઉતર કિંમતો માટે બરાબર નથી. ધંધાદારી સૂત્રો અનુસાર, એશિયન પેઇન્ટસ જુલાઇમાં ઉત્પાદનોની કિંમતમાં બે ટકા વધારો કરશે, જે બે મહિનામાં બીજો વધારો હશે. તેણે મે મહિનામાં પોતાના ઉત્પાદનોના ભાવ લગભગ ૩ ટકા વધાર્યા હતા.

બીજી તરફ ટકાઉ ગ્રાહક સામાન બનાવતી કંપનીઓ ફ્રીઝ, વોશીંગમશીન અને ટીવી જેવી શ્રેણીઓમાં ૩ થી ૫ ટકા ભાવ વધારશે. ગોદરેજ એપ્લાયન્સીઝના બીઝનેસ હેડ અને કાર્યકારી ઉપાધ્યક્ષ કમલ નંદીએ કહ્યું કે, થોડા સમયથી કાચા માલની પડતર કિંમતનું દબાણ છે. જો કે ચાલુ કેલેન્ડર વર્ષમાં કટકે કટકે ૧૦ થી ૧૨ ટકા ભાવ વધારાયા છે પણ તે વધારો પૂરતો નથી. હજુ પણ લગભગ ૭ થી ૮ ટકાનો ડીફરન્સ છે જે ગ્રાહકો પર નાખવો પડશે. જે જુલાઇ તબક્કાવાર રીતે કરવામાં આવશે.

(12:25 pm IST)