Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

આ કેવો વિકાસ છે જયાં દેશમાં ૮૫ કરોડ લોકોને મફત અનાજની જરૂર પડે છેઃ રાહુલ ગાંધી

દેશની કુલ ૧૩૫ કરોડ વસ્તીમાંથી ૮૦ કરોડ વસ્તીને મફત અનાજની જરૂર પડી રહી છે જે મોદી સરકારના વિકાસનું એક દર્દનાક ઉદાહરણ છે

નવી દિલ્હી,તા.૨૧:: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકારના વિકાસ મોડલ પર સવાલો ઉભા કરતાં કેન્દ્રને આડે હાથ લેવાના પ્રયત્ન કર્યા છે. રાહુલ ગાંધીનું કહેવું છે કે દેશની કુલ ૧૩૫ કરોડ વસ્તીમાંથી ૮૦ કરોડ વસ્તીને મફત અનાજની જરુર પડી રહી છે જે મોદી સરકારના વિકાસનું એક દર્દનાક ઉદાહરણ છે.

રાહુલ ગાંધી પહેલેથી જ સરકારની નીતિઓની ટીકા કરતાં આવ્યા છે. દેશમાં વેકિસનેશન મિશનથી માંડીને કોરોના મહામારી દરમિયાન સરકારના લીધેલા નિર્ણયો સુધી દરેક મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને દ્યેરવાનો પ્રયત્ન કર્યો છે. એવામાં વિકાસ મુદ્દાને લઇને તેમણે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી હતી કે, ૧૩૫ કરોડની વસ્તીમાંથી ૮૦ કરોડ લોકોને ગરીબ કલ્યાણ હેઠળ મફત રાશન લેવાની જરુર પડી રહી છે. મોદી સરકારના વિકાસનું અન્ય એક દર્દનાક ઉદાહરણ છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ કલ્યાણ અનાજ યોજનાનો સમય લંબાવાનો નિર્ણય લીધો છે. આ યોજનાને દિવાળી સુધી લંબાવવામાં આવી છે. ગત વર્ષે કોરોના મહામારીને લીધે માર્ચ મહિનો લોકડાઉનમાં ગયો હતો. જે દરમિયાન વડાપ્રધાન મોદીએ આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના કેન્દ્ર સરકારના ગરીબ કલ્યાણ પેકેજનો ભાગ છે. સરકારનુ કહેવુ હતું કે આ યોજનાનો લાભ ૮૦ કરોડથી રાશનકાર્ડ ધારકોને થશે.

આ યોજના હેઠળ કેન્દ્રમાં મોદી સરકાર દરેક વ્યકિતને મફત ૫ કિલો અનાજ આપે છે. જે રાશન કાર્ડ પર દર મહિને મળતાં અનાજ ઉપરાંત છે.

આ પહેલા રાહુલ ગાંધીએ ડીઝલ અને પેટ્રોલના વધતાં ભાવને લઇને મોદી સરકાર પર નિશાન સાધ્યા હતા. રાહુલે એક સમાચારનો હવાલો આપતાં ટ્વીટ કરી હતી કે, ટેકસ વસૂલીમાં પીએચડી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકારે ડીઝલ અને પેટ્રોલ પર ટેકસથી જે આવક મેળવી હતી એ ઇન્કમ ટેકસ અને કોર્પોરેટ ટેકસથી વધુ છે.

(10:15 am IST)