Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ત્રિપુરામાં મોબ લિંચિંગની ઘટના

ત્રિપુરામાં પશુચોરીની શંકાએ ટોળાએ ઢોર માર મારી ત્રણ લોકોને મારી નાખ્ખ્યા

નવી દિલ્હી,તા. ૨૧: ત્રિપુરાના ખોવાઈ જિલ્લામાં રવિવારે પશુ ચોરીની શંકાના આધારે ટોળાએ ત્રણ લોકોની કથિત હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પોલીસ અધિક્ષક કિરણ કુમારે જણાવ્યું હતું કે નમનજોયપડાના ગ્રામજનોએ સવારે ૪.૩૦ વાગ્યે પાંચ પશુઓને લઈને અગરતલા તરફ જઇ રહેલી મીની ટ્રક જોઇ હતી. તેઓ તેમની પાછળ ગયા અને ઉત્ત્।ર મહારાણીપુર ગામ નજીક વાહન અટકાવ્યું હતું.

એસપીએ જણાવ્યું હતું કે, ગ્રામજનોએ મિનિ ટ્રક પર ઘાતક હથિયારો વડે ત્રણ લોકોને માર મારવાનું શરૂ કર્યું હતું અને તેમાંથી બે લોકોને ટોળાએ ઢોર માર માર્યો હતો જયારે ત્રીજો નાસી છૂટ્યો હતો. ઉત્ત્।ર મહારાણીપુર નજીકના આદિવાસી વિસ્તાર મુંગિયાકમીમાં ટોળાએ ત્રીજી વ્યકિતને પણ પકડી પાડ્યો હતો અને ત્યાં જ તેને માર માર્યો હતો.

કુમારે કહ્યું કે, પોલીસ તાત્કાલિક બંને સ્થળે પહોંચી અને પહેલા ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે અગરતલાની સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા જયાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે. હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી. મૃતકોની ઓળખ ઝાયદ હુસેન (૩૦), બિલાલ મિયાં (૨૮) અને સૈફુલ ઇસ્લામ (૧૮) તરીકે થઈ છે અને તમામ સિપાહીજાલા જિલ્લાના સોનમુરા સબ-ડિવિઝનના રહેવાસી છે.

(10:10 am IST)