Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

કોરોનાની સ્થિતિ નિયંત્રણ લેવા રાઉન્ડ ધ કલોક કામગીરીઃ સૌનો સાથ સહકાર રહેશે તો ૮-૧૦ દિવસમાં સ્થિતિ થાળે પડી જશેઃ રાહુલ ગુપ્તા

રાજકોટ પંથકના નોડલ ઓફિસર રાહુલ ગુપ્તાની 'અકિલા' સાથે વાતચીતઃ સ્વજનોના મૃતદેહો મેળવવામાં હવે યુ-ટર્નઃ માત્ર ૨ કલાકમાં જ મૃતદેહ સોંપી દેવાય છે : રાજકોટ સિવિલમાં હવે મૃતદેહોના થપ્પા નથીઃ લોકોને ધીરજ રાખવા અને કોરોના પ્રોટોકોલનું પાલન કરવા અપીલ

રાજકોટ, તા. ૨૧ : કોરોનાએ રાજકોટ જ નહિં સમગ્ર સૌરાષ્ટ્ર - કચ્છ અને ગુજરાતને હચમચાવી મૂકયુ છે. રાજકોટ સિવિલમાં તાજેતરમાં લાશોના થપ્પા લાગ્યા હતા. હાહાકાર મચી ગયો હતો. લોકો સ્વજનોના મૃતદેહો મેળવવા કલાકો સુધી, કયારેક બબ્બે - ત્રણ - ત્રણ દિવસ રાહ જોતા હતા. તે સ્થિતિમાં હવે સંપૂર્ણ યુ - ટર્ન આવ્યાનું અને માત્ર ૨ કલાકમાં મૃતદેહ સોંપી દેવાતા હોવાનો દાવો કોરોના અંગે રાજકોટ પંથકના નોડલ ઓફીસર, રાજકોટ - જૂનાગઢના પૂર્વ કલેકટર શ્રી રાહુલ ગુપ્તા (આઈએએસ)એ અકિલા સાથેની વાતચીતમાં આજે સવારે કર્યો હતો.

શ્રી ગુપ્તાએ કહેલ કે સિવિલ હોસ્પિટલમાં ડેથ થાય કે વધુમાં વધુ ૨ જ કલાકમાં તેમના સવા વ્હાલાઓને મૃતદેહ સોંપી આપવામાં આવે છે.

શ્રી રાહુલ ગુપ્તાની સાથે જ રાજકોટના કલેકટર શ્રી રેમ્યા મોહન સતત રાઉન્ડ ધ કલોક કોરોના સ્થિતિ કાબુમાં લેવા ભરચક્ક પ્રયાસો કરી રહેલ છે. સ્થિતિ ગંભીર હોવાનું ઓફીસરો કબૂલે છે પણ જો સહુનો સાથ - સહકાર રહેશે તો ૮ થી ૧૦ દિવસમાં સ્થિતિ નિયંત્રણમાં આવવા લાગશે તેવી પૂરી શ્રદ્ધા આ અધિકારીઓએ દર્શાવી હતી.

શ્રી રાહુલ ગુપ્તાએ વિશેષમાં જણાવેલ કે કોવિદને લીધે મૃત્યુ થાય એટલે તેના પ્રોટોકોલ મુજબ મૃતદેહને સ્ટરાઈલ કરવુ, ટ્રાન્સપેરન્ટ પ્લાસ્ટીક શીટ્સથી બોડી કવર કરવું (જેથી મૃતદેહના મોઢાના દર્શન તેના સગા - વ્હાલા કરી શકે), દસ્તાવેજો - કાગળો ઈસ્યુ કરવામાં જેટલો સમય થાય તે સિવાય કોઈ જ મોડુ થતુ નથી. લગભગ ૨ કલાકમાં વિવિધ આટોપાઈ જાય છે.

શ્રી રાહુલ ગુપ્તાએ કહેલ કે રાજકોટની સિવિલ કોવિડ હોસ્પિટલ, સમરસ હોસ્ટેલ અને કેન્સર કોવિડ હોસ્પિટલમાં જે કોરોના દર્દીના મોત થાય તેમને અગ્નિદાહ આપવા એકસકલુઝીવ રાજકોટના રામનાથપરા સ્મશાન, બાપુનગર સ્મશાન અને મોટા મવા સ્મશાન (આ ત્રણે સ્મશાન) રાખવામાં આવ્યા છે.

જયારે રાજકોટમાં કુદરતી મોતથી અવસાન પામે તેના માટે મવડી, નવાગામ સહિત રાજકોટ આસપાસના ચારેક સ્મશાન રાખવામાં આવ્યાનું શ્રી ગુપ્તાએ અકિલાને જણાવેલ.

આમ શ્રી ગુપ્તાએ ખાત્રીપૂર્વક કહેલ કે રાજકોટ સિવિલમાં હવે કોઈ મૃતદેહોના થપ્પા નથી, અને કોઈ મૃત્યુ પામે તો લગભગ ૨ થી ૩ કલાકમાં તેમના સગા - વ્હાલાઓને મૃતદેહ પૂરી વિધિ સાથે સુપ્રત કરી દેવામાં આવે છે.

શ્રી રાહુલ ગુપ્તા અને રેમ્યા મોહને સહુ નાગરીકોને આ કપરી વેળાએ ધૈર્ય રાખવા, કોરોના પ્રોટોકોલ સખ્ત રીતે પાળવા અને કોઈપણ અફવાઓથી દૂર રહી તંત્રને સહકાર આપી કોરોના ઉપર જીત મેળવવામાં મદદરૂપ થવા અપીલ કરી હતી.

(3:14 pm IST)
  • કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના કાર્યાલયમાં મંત્રણાનો દોર શરૂ : જે રાજયોમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબુ બની છે તે રાજયોની આર્મી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવી આમ પ્રજા માટે ખુલ્લી મૂકવામાં આવે તેવા વિચાર કરી રહ્યા છે access_time 12:43 pm IST

  • કોરોના રોગચાળાની બીજી લહેરની પકડમાં જીવલેણ વાયરસ ઘણા દેશોને પાયમાલ કરી રહ્યો છે. પરિણામેં વૈશ્વિક સ્તરે ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં આઠ લાખથી વધુ નવા કોરોના ના કેસ મળી આવ્યા અને 14 હજારથી વધુ પીડિતો દુઃખદ મૃત્યુ પામ્યા છે. અમેરિકાની જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર બુધવારે સવારે કોરોના પીડિતોનો વૈશ્વિક આંકડો વધીને 14 કરોડ 26 લાખથી વધુ થઈ ગયો છે. access_time 1:37 am IST

  • દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : તમામ રેકોર્ડ તોડ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા સર્વાધિક 3.15.552 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 1.59.24.806 થઇ : એક્ટિવ કેસ 22.84.248 થયા : વધુ 1.79.407 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,34,49,406 સ્વસ્થ થયા : વધુ 2101 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,84,672 થયો : દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 67,468 નવા કેસ નોંધાયા access_time 1:39 am IST