Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

અમેરિકામાં ભારતીય યુવકનું પોલીસ અથડામણમાં મોત

અથડામણ બાબતે મૃતકના પરિવારના અને પોલીસના નિવેદનમાં વિરોધાભાસ

અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીય મૂળના યુવકનું પોલીસ અથડામણમાં ગોળી વાગવાથી મોત નીપજ્યું છે. 18 વર્ષના આ યુવકની ઓળખ નેથેનિયલ પ્રસાદ તરીકે  થઈ છે. નેથેલિયન પ્રસાદ કેલિફના હેવાર્ડનો વતની હતો.
   ફ્રીમોન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પમુજબ પ્રસાદ વિરુદ્ધ ફાયર આર્મ્સ રાખવા માટે વોરંટ જાહેર કરાયું હતું પોલીસે તપાસ રિપોર્ટમાં દાવો કર્યો છે કે પ્રસાદે પોલીસ અધિકારી પર ફાયર કર્યું અને તેના જવાબમાં કરાયેલી કાર્યવાહીમાં યુવક માર્યો ગયો છે. અથડામણ વખતે પ્રસાદ તેની માતા સાથે કારમાં જઈ રહ્યો હતો
  જોકે પ્રસાદના પરિવારે પોલીસના દાવાને નકારતા તમામ વીડિયો ફૂટેજ જાહેર કરવા માટેની માંગણી કરી છે. પોલીસ રિપોર્ટ મુજબ પાંચમી એપ્રિલે ડિપાર્ટમેન્ટના સ્ટ્રીટ ક્રાઈમ યુનિટે ફ્રીમોન્ટ વિસ્તારમાં પ્રસાદને એક ગાડીમા જતો જોયો હતો. તેને એક મહિલા ચલાવી રહી હતી. બે અધિકારીઓએ ગાડી રોકી હતી. પરંતુ તે વખતે પ્રસાદ ફરાર થયો હતો. નજીકના પેટ્રોલ સ્ટેશન પર અધિકારીએ તેને રોકવાની કોશિશ કરી હતી.બાદમાં પ્રસાદે અધિકારી પર ફાયર કર્યું અને વળતી કાર્યવાહીમાં તેનો જીવ ચાલ્યો ગયો હતો. પ્રસાદના હાથમાં ગન હોવાનો પોલીસે દાવો કર્યો હતો. પોલીસે અથડામણની સમગ્ર ઘટના કેમેરામાં કંડારાઈ હોવાનું જણાવ્યું છે.
  રિપોર્ટ્સ મુજબ, પોલીસે અધિકારી અને એક સાક્ષીનું નિવેદન લીધું છે. પ્રસાદની માતાનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. પરંતુ તેને જાહેર કરવામાં આવ્યું નથી. પ્રસાદના પરિવારજનોએ પોલીસને તમામ વીડિયો ફૂટેજ જાહેર કરવા જણાવ્યું છે અને પોલીસ અધિકારી પર બંદૂક તાણવાના આરોપને રદિયો આપ્યો છે.

(9:23 pm IST)