Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

૧૨ વર્ષથી ઓછી ઉંમરની બાળકી પર રેપ કરનારાને હવે ફાંસી થશે

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અતિમહત્વપૂર્ણ નિર્ણય લેવાયો : સરકાર દ્વારા ખુબ જ ઝડપથી અધ્યાદેશ જારી કરાશે : ૧૬ વર્ષથી ઓછી ઉંમરની સગીરા સાથે બળાત્કાર કરનાર દોષિતની સજામાં પણ વધારો થયો

નવીદિલ્હી, તા. ૨૧ : બાળકીઓ સાથે બળાત્કારની વધી રહેલી ઘટનાઓ પર કડક જોગવાઈ વિશે મોદી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કેન્દ્રીય કેબિનેટે શનિવારે ૧૨ વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ સાથે બળાત્કારના દોષિતોને ફાંસીની સજા આપવાનો કાયદાને મંજુરી આપી દેવામાં આવી છે. ખુબ ઝડપથી અધ્યાદેશ લાવવા માટે પણ મંજુરી આપવામાં આવી છે. હવે આની મંજુરી માટે રાષ્ટ્રપતિને મોકલી દેવામાં આવ્યો છે. કેબિનેટે રેપના કેસોમાં ઝડપી તપાસ અને સુનાવણીની સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. મામલાની ગંભીરતાનો અંદાજો લગાવી શકાય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ પ્રવાસથી પરત આવતાની સાથે જ કેબિનેટની બેઠક બોલાવી હતી. વડાપ્રધાનના આવાસ પર લગભગ અઢી કલાક સુધી ચાલેલી બેઠકમાં પોક્સોમાં સંશોધન પર સહમતિ દર્શાવી હતી.  સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે માસૂમ બાળકીઓ સાથે ક્રૂરતાની ઘટનાઓથી દેશભરમાં આક્રોશ ભભૂકી રહ્યો છે. કેન્દ્રિય કેબિનેટે ૧૬ વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ પર રેપ કરનારાને પણ ૨૦ વર્ષની  સખ્ત સજા આપવાના વટહુકમને મંજૂરી આપી દીધી છે. ૧૨ વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ પર રેપ કરનારાને મોતની સજા ફટકારવામાં આવશે. અધ્યાદેશ જારી થતા જ ૧૨ વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ સાથે બળાત્કારના દોષિતોને અદાલત મોતની સજા આપી શકશે. અધિકારીક સૂત્રોએ જણાવ્યું હતું કે, આ અધ્યાદેશ મારફતે આઈપીસી, સીઆરપીસી તથા પુરાવા એક્ટમાં સંશોધનની સાથે પોક્સો એક્ટમાં પણ આવા અપરાધ માટે મોતની સજાનું નવુ પ્રાવધાન સામેલ કરવામાં આવી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કઠુઆ ગેંગરેપ, સુરત અને હવે ઈન્દોરમાં થયેલી બળાત્કારની જઘન્ય ઘટનાઓ બાદ આવા ગુનેગારોને આકરી સજા આપવાની માંગ વધી રહી છે. કડક કાયદો ન હોવાની વાત કરતા કેન્દ્ર સરકાર પર પણ આંગળી ઉઠાવાઈ રહી છે. દેશમાં અનેક જગ્યાએ તેને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર, પોક્સો એક્ટમાં સંશોધન કરી ૧૨ વર્ષથી ઓછી ઉંમરની બાળકી પર રેપ કરનારાને મોતની સજા ફટકારાશે.

(7:25 pm IST)