Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

કોરોનાના પ્રકોપ : ૨૯૪ પોઝીટીવ કેસ

સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૬૩ નોંધાયાઃ ૨૧ રાજ્યોમાં કોરોનાનો પગપેસારોઃ કેરળમાં પણ પીડીતોની સંખ્યા ૩૩ થઇ દેશમાં પીડિતોની સંખ્યાનો વધતા આંકડાથી હાહાકાર

નવી દિલ્હી ,તા.૨૧: કોરોના વાયરસના કહેરે વિશ્વની સાથે-સાથે ભારતમાં પણ  પગપેસારો કર્યો છે. સરકારી આકડા મુજબ ૨૯૪ કેસો પોઝીટીવ થયા છે. તેમાંથી ૩૯ વિદેશી છે. જેના મોત થયા છે. ભારત સરકાર તરફથી લોકોને તેના પ્રત્યે જાગરૂતા અપનાવાનું કહેવાય રહ્યું છે અને ફેલાવો કરવાથી રોકવા માટે અનેક પગલા ભરવામાં આવ્યા છે.

કોરોના સાથે જોડાયેલી જાણકારી માટે સરકારે હેલ્પલાઇન પર ઉપરાંત દરેક રાજ્યએ પણ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે.

મહારાષ્ટ્રમાં ૬૩, યુપીમાં ૨૩, દિલ્હીમાં ૨૫, કર્ણાટકમાં ૧૮, તેલંગાણામાં ૧૯, લદાખમાં ૧૩ અને ગુજરાતમાં પણ ૧૩ કેસો સામે આવવાથી ખળભળાટ મચી ગયો છે.

જયારે તેમના સંપર્કમાં આવનારા ૬૭૦૦થી વધારે લોકોને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.

આમાં સૌથી વધારે રોગી મહારાષ્ટ્ર, કેરળ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન અને દિલ્હીમાં છે. દિલ્હીમાં શાળા-કોલેજ પછી હવે ગઇકાલે મોલ બંધ કરવાની જાહેરાત કરી દેવાઇ છે. ઉતરપ્રદેશની રાજધાની લખનૌમાં ઘણા કેસ સામે આવ્યા પછી રેસ્ટોરન્ટ, કાફે, સલૂન-બ્યુટી પાર્લર તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયા છે. મહારાષ્ટ્રમાં પાંચ શહેરોમાં કામબંધી લાગુ કરવામાં આવી છે.

કર્ણાટકમાં કોરોનાના ૧૮દર્દીઓ છે. લદ્દાખમાં ૧૩ અને જમ્મુ-કાશ્મીરમાં ચારને ચેપ લાગ્યો છે. તેલંગાણામાં ૧૮ બહાર આવ્યા છે. તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ૩-૩, ઓરિસ્સામાં બે, અને ઉત્તરાખંડમાં ૩, પશ્ચિમ બંગાળ અને પંજાબમાં બે-બે, પોંડીચેરી અને ચંદીગઢમાં એક-એક દર્દી છે. હરિયાણામાં ૧૪ વિદેશીઓ સહિત ૧૭ સંક્રમિતો છે. ભારતીય આયુવિજ્ઞાન અનુસાંધન પરિષદ (આઇસીએમઆર) એ કહ્યું છે કે ૧૩૪૮૬ લોકોના ફુલ ૧૪૩૭૬ સેમ્પલ ર૦ માર્ચ સુધીમાં લેવામાં આવ્યા છે.

સરકારે આશ્વાસન આપ્યું છે કે હજુ સુધી કોવીદનું સામૂદાયિક સંક્રમણ નથી થયું. સરકાર પાસે આ વાયરસને રોકવા માટે કોઇ સાધનોની અછત નથી. આરોગ્ય મંત્રાલયના સંયુકત સચિવ લવ અગ્રાવલે કહ્યું કે વડાપ્રધાને રવિવારે જનતા કર્ફયુની જાહેરાત કરી છે તેનાથી સંક્રમણને રોકવામાં મદદ મળશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે સંક્રમણના કેસો અત્યારે વધી રહ્યા છે. આ એક અત્યંત ચેપી વાયરસ હોવાથી લોકોએ સામાજીક અંતર રાખવું અને સરકાર દ્વારા આપવામાં આવેલ સૂચનોનું પાલન કરવુ જરૂરી છે. કેન્દ્ર સરકારે કહ્યું કે રાજયોની મદદ માટે કેન્દ્રના અધિકારીઓની ટીમો મોકલી અપાઇ છે. રાજયોને કહેવામાં આવ્યું છે કે તેઓ પોતાની શકિતઓનો ઉપયોગ કરીને ભીડને ભેગી થતી રોકવાના ઉપાયો કરે.

સૂત્રો અનુસાર, શનિવાર અને રવિવાર વચ્ચેની રાતના ૧ર વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધી કોઇ ટ્રેન નહીં ચાલે. ઉપનગરીય ટ્રેન સેવાઓના ફેરા પણ ઓછા કરવામાં આવશે.

(4:01 pm IST)