Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

કુપવારામાં અથડામણમાં ચાર જવાન શહીદ, વિસ્ફોટકો જપ્ત

અથડામણમાં ચાર ત્રાસવાદીઓને પણ ઠાર કરાયા : હલમતપોરામાં સાત ત્રાસવાદીઓ હોવાની માહિતી મળ્યા બાદ ઓપરેશન હાથ ધરાયું : કમાન્ડોની સહાયતા લેવાઈ

શ્રીનગર,તા. ૨૧ : જમ્મુ કાશ્મીરના કુંપવારામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ચાર જવાન શહીદ થઇ ચુક્યા છે. મંગળવારે આ અથડામણ શરૂ થઇ હતી. જે આજે પણ જારી રહી હતી. ગઇકાલે ચાર ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે. મળેલી માહિતી મુજબ હલમતપોરા વિસ્તારમાં આ અથડામણ થઇ છે જેમાં જમ્મુ કાશ્મીર પોલીસના બે જવાન અને સેનાના બે જવાન શહીદ થયા છે. એન્કાઉન્ટરમાં બે જવાન ઘાયલ પણ થયા છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ કહ્યું છે કે, સેના અને એસઓજીની સંયુક્ત ટીમે આતંકવાદીઓ સામે ઓપરશન હાથ ધર્યું હતું. ઓપરેશન વેળા ત્રાસવાદીઓએ એકાએક અંધાધૂંધી ગોળીબાર કરી દીધો હતો. આ ઓપરેશનમાં સેનાના પેરા કમાન્ડોની મદદ પણ લેવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના ડીજીપી વેદે કહ્યું છે કે, કુંપવારામાં અથડામણ સ્થળથી ચોથા ત્રાસવાદીનો મૃતદેહ મળી આવ્યો છે. હથિયારોનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. સાત ત્રાસવાદીઓ છુપાયેલા હોવાની બાતમી મળ્યા બાદ ઓપરેશન હાથ ધરાયું હતું. આ ઓપરેશનમાં સેનાની ૪૧ રાષ્ટ્રીય રાયફલ, એસઓસીએ આતંકવાદીઓની સામે મોરચો સંભાળ્યો હતો. સેનાએ જવાબી કાર્યવાહી કરતા ચાર ત્રાસવાદીઓ ઠાર થઇ ચુક્યા છે. ઓપરેશન દરમિયાન સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યું છે. સેનાએ ઇન્ટરનેટ સેવાને પણ બંધ કરી દીધી છે. ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં પણ પહેલી માર્ચના દિવસે અથડામણ થઇ હતી. બાંદીપોરાના હાજીન ક્ષેત્રમાં થયેલી આ અથડામણ દરમિયાન માર્યાગયેલા ત્રાસવાદીઓ પાસેથી એકે-૪૭ રાયફળ મળી આવી હતી.

(7:42 pm IST)