Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ગામો અને સ્ટેશનના નામને બદલવા ૨૭ પ્રસ્તાવ આવ્યા

ગૃહ મંત્રાલય સમક્ષ નવી દુવિધા ઉભી થઇ છે : અરજીની વધતી સંખ્યાના કારણે મંત્રાલયન તકલીફ વધી

નવી દિલ્હી,તા. ૨૧ : કેન્દ્રિય ગૃહ મંત્રાલયની સામે હાલમાં એક દુવિધાભરી સ્થિતી સર્જાઇ ગઇ છે. તમામ રાજ્યો પોત પોતાની જરૂરિયાતો અને સુવિધાને ધ્યાનમાં લઇને જગ્યા અને રેલવે સ્ટેશનોના નામ બદલવા માટે ભલામણ કરી રહ્યા છે. ગામોથી લઇને સ્ટેશન સુધીના નામ બદલવા માટે મંત્રાલયની પાસે હાલમાં છેલ્લા છ મહિનાના ગાળામાં જ ૨૭ પ્રસ્તાવ આવી ચુક્યા છે. અરજીની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં લઇને મંત્રાલયની તકલીફ વધી રહી છે. સુત્રોના કહેવા મુજબ મોટા ભાગની અરજી રાજકીય ઇચ્છાશક્તિવાળા તરફથી આવી રહ્યા છે. સુત્રોના કહેવા મુજબ છેલ્લા છ મહિનામાં કેન્દ્રિય ગૃહ મંત્રાલયની પાસે ૨૭ પ્રસ્તાવ આવી ચુક્યા છે. સૌથી વધારે પ્રસ્તાવ રાજસ્થાન, કેરળ, મધ્યપ્રદેશ, હરિયાણા અને અન્ય રાજ્યોમાંથી આવ્યા છે. હવે નવેસરથી દરખાસ્ત આવી છે. જેમાં વારાણસીમાં મડુંઆડીહનુ નામ બદલીને વારાણસી સ્ટેશન રાખી દેવા માટે માંગ કરવામાં આવી રહી છે. હાલમાં જ રાજસ્થાનમાં એક ગામ મિયાંનુ નામ બદલીને મહેશનગર કરવામાં આવ્યુ હતુ. મોટા ભાગના નામમાં ફેરફાર ધર્મ અને રાજકીય નેતાઓના નામે રાખવા  ભલામણ કરવામાં આવી રહી છે. મંત્રાલયના કહેવા મુજબ જો આ પ્રસ્તાવમાં તેમનો કોઇ વાંધો છે તો તે રાજ્ય સરકાર પાસેથી ફરી સ્પષ્ટીકરણ માંગે છે.

તાજેતરના સમયમાં જ ઉત્તરપ્રદેશના રોબર્ટગંજ રેલવે સ્ટેશનનુ નામ બદલીને હવે સોનભદ્ર કરી દેવામાં આવ્યુ છે. ગૃહ મંત્રાલય દ્વારા આને મંજુરી આપી દેવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં બીજી વખત કોઇ રેલવે સ્ટેશનના નામમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે ઓગષ્ટમાં મુગલસરાય સ્ટેશનનુ નામ બદલીને દિન દયાલ ઉપાધ્યાય કરી દેવામાં આવ્યુ હતુ. આને લઇને રાજકીય વિવાદ પણ થયો હતો. ગયાવર્ષે મુંબઇમાં છત્રપતિ શિવાજી  ટર્મિનલનુ નામ બદલીને મહારાજ શબ્દનો ઉમેરો કરવામાં આવ્યો હતો.

(12:16 pm IST)