Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

નરેન્‍દ્રભાઇ મોદીનો દબદબો ૨૦૨૪ બાદ પણ યથાવત રહેશેઃ આંતરરાષ્‍ટ્રીય જગતમાં બદલાતા વૈશ્વિક સમીકરણોને લઇને ચર્ચાઓ દોરઃ નેતાઓના સર્વેમાં નરેન્‍દ્રભાઇ છઠ્ઠા નંબર ઉપર

નવી દિલ્હીઃ બ્લૂમબર્ગ મીડિયા દ્વારા નેતાઓનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી છઠ્ઠા ક્રમે છે અને ૨૦૨૪ બાદ પણ તેઓ સત્તામાં રહેશે અને તેમનો દબદબો યથાવત રહેશે તેવું સર્વેમાં જણાવાયું છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ફરીથી રાષ્ટ્રપતિ પદે આજીવન માટે ચૂંટાતાં તેમજ રશિયાના રાષ્ટ્રપતિ પદે વ્લાદિમીર પુતિન ચોથી વખત ચૂંટાઇ આવતાં આંતર રાષ્ટ્રિય જગતમાં બદલાતા વૈશ્વિક સમીકરણોને લઇને ચર્ચાઓનો દોર શરૂ થયો છે. જેમાં કયા નેતા કયા દેશમાં લાંબા સમય સુધી પ્રભાવશાળી સાબિત થશે એ મુદ્દે નજર ખેંચાઇ રહી છે. બ્લૂમબર્ગ દ્વારા કરાયેલા એક સર્વેમાં ભારતના વડાપ્રધાન છઠ્ઠા નંબરે આવ્યા છે. જોકે એમનો પ્રભાવ હજુ યથાવત રહેશે અને આગામી 2024 બાદ પણ સત્તામાં રહે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

સૈન્ય અને આર્થિકની બાબતોએ ક્યાસ કાઢવામાં આવે તો સ્વાભાવિક છે કે પ્રથમ નંબરે અમેરિકા અને બીજા નંબરે ચીન આવે એમ છે. પરંતુ જ્યારે જળવાયુ પરિવર્તન, ગરીબી હટાવો અને શાંતિ સ્થાપિત કરવા સહિતના માનવીય મૂલ્યોને આધારે વિચારણા કરવામાં આવે છે આ દિશામાં કયા નેતાનું પલ્લું ભારે રહે? આ વિચાર સાથે બ્લૂમબર્ગ દ્વારા વિશ્વના પ્રભાવશાળી નેતાઓની યાદી તૈયાર કરવા માટે એક સર્વે હાથ ધર્યો હતો. જેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. બ્લૂમબર્ગ મીડિયા દ્વારા દુનિયાના એવા 16 નેતાઓને અલગ તારવવામાં આવ્યા છે કે જે પોતાના મહત્વપૂર્ણ કાર્યોથી વૈશ્વિક મંચ પર છવાયા છે. જોકે આ યાદીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છઠ્ઠા સ્થાન પર છે. 

નરેન્દ્ર મોદી (67) 

બ્લૂમબર્ગ મીડિયા સમૂહ અનુસાર નરેન્દ્ર મોદી ભારતીય રાજકારણમાં હાવી છે. જોકે સંરચનાત્મક સુધારા માટે રાજ્યસભામાં અપેક્ષિત બહુમત નથી પરંતુ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ 2014માં કેન્દ્રમાં સત્તા પર આરૂઢ થયા બાદ એક પછી એક રાજ્યોમાં સતત ભાજપની વિજય પતાકા લહેરાઇ રહી છે. ભાજપના વિજય રથની સામે વિપક્ષોની છાવણી ઢેર થઇ રહી છે. વિપક્ષો તૂટી રહ્યા છે, રાજ્યોમાં સતત જીતના દોર વચ્ચે પીએમ મોદીની લોકપ્રિયતા જોતાં આગામી 2019માં ચૂંટણી જીતવી આસાન દેખાઇ રહી છે. સાથોસાથ મજબૂત વિપક્ષની કમીને જોતાં 2024 બાદ પણ ભાજપ સત્તામાં અકબંધ રહે એ સંભાવનાઓ પણ છે. 

મોહમ્મદ બિન સલમાન (32)

સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સુલતાન આ યાદીમાં પહેલા સ્થાને છે. જોકે હજુ તેઓ ક્રાઉન પ્રિન્સ છે પરંતુ અસરકારક રીતે શાસન કરી રહ્યા છે. પિતા કિંગ સલમાને પોતાનો વારસ જાહેર કર્યા છે. તેલ ઇકોનોમી બાદની સંકલ્પના જાહેર કરી રહ્યા છે. સાઉદી અરબને વહાબી ઇસ્લામને બદલે તેઓ પ્રગતિશીલ મુસ્લિમ સ્ટેટ બનાવવાનું સપનું જોઇ રહ્યા છે.

(5:53 pm IST)