Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

મહારાષ્ટ્રમાં લોકડાઉન કે રાત્રી કર્ફ્યુ લગાવાશે ? અટકળએ વેગ પકડ્યો : મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું સાંજે રાજ્યના લોકોને સંબોધન

સમગ્ર મહારાષ્ટ્રના અનેક શહેરોમાં કોરોનાના કેસોમાં સતત વધારો

મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે સાંજે 7 વાગ્યે રાજ્યના લોકોને સંબોધિત કરશે. જેને લઈને લોકડાઉન સહિત રાજ્યમાં કરફ્યૂ સહિતની અટકળોએ વેગ પકડ્યો છે. મુખ્યમંત્રીનું સંબોધન એટલા માટે પણ અગત્યનું છે કારણ કે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રના અનેક શહેરોમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

મહારાષ્ટ્રના મંત્રી વિજય વડેટ્ટીવાર પહેલા જ જણાવી ચૂક્યાં છે કે, નાગપુર, અમરાવતી અને યવતમાલ જેવા જિલ્લાઓમાં વધતા જતાં કોરોનાના કેસોને જોતા રાજ્ય સરકાર આ જિલ્લાઓમાં રાત્રિ કરફ્યૂ લગાવવાનું વિચારી રહી છે. આ સંદર્ભે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળનાર બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યાં છે. આથી અનેક લોકોનું માનવું છે કે, કેટલીક ખાસ જગ્યાઓ પર લૉકડાઉન લાગૂ કરી દેવામાં આવે. મુંબઈ, ઠાણે, અમરાવતી, પૂણે, નાગપુર સહિતના વિસ્તારોમાં હાલના દિવસોમાં કોરોનાના એક્ટિવ કેસોમાં વૃદ્ધિ જોવા મળી રહી છે.

અકોલા, યવતમાલ, સતારા અને અમરાવતી જેવા વિસ્તારો વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય બન્યા છે. જ્યાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં 20 ફેબ્રુઆરીએ કોરોનાના 6281 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ જીવલેણ વાઈરસ વધુ 40 લોકોને ભરખી ચૂક્યો છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કોરોના વાઈરસના નવા સ્ટ્રેનની રાજ્યમાં એન્ટ્રી થઈ ચૂકી છે. જો કે નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ વયરોલૉજી પૂણેથી ફાઈનલ રિપોર્ટ આવવાનો બાકી છે.

કોરોનાના વધતા જતા કેસોને જોતા પૂણે જિલ્લા વહીવટી તંત્રએ રાત્રિ કરફ્યૂનું એલાન કરી દેવામાં આવ્યું છે. જિલ્લામાં રાત્રે 11 વાગ્યેથી સવારે 6 વાગ્યા દરમિયાન બિનજરૂરી ગતિવિધિઓને મંજૂરી નહીં હોય. આ સિવાય સ્કૂલ, કૉલેજ અને ખાનગી કોચિંગ સંસ્થાઓને પણ 28 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ પણ રાત્રે 1ની જગ્યાએ 11 વાગ્યે જ બંધ થઈ જશે

દેશની આર્થિક રાજધાની કહેવાતી મુંબઈમાં સ્થિતિ ફરીથી બેકાબૂ બની રહી છે. એક વખત ફરીથી ધારાવી જેવા સ્લમ એરિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ચેમ્બુર, તિલકનગર અને મુલુંડ જેવા વિસ્તારોમાં પહેલાથી જ પ્રતિબંધો લાગૂ છે. મુંબઈમાં 20 ફેબ્રુઆરીએ કોરોનાના 897 નવા કેસ મળ્યા, જ્યારે ત્રણ સંક્રમિત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

કોરોનાના વધતા જતાં કેસો વચ્ચે મુંબઈમાં 20 ફેબ્રુઆરીએ BMCએ 1305 બિલ્ડિંગોને સીલ કરી દેવામાં આવી હતી. જો કે BMCના અધિકારીઓએ હાલ લૉકડાઉનનો ઈન્કાર કર્યો છે. અત્યારથી અધિકારીઓ એ વાત પર ભાર મૂકી રહ્યાં છે કે, હાલના નિયમોને સખ્તીથી લાગૂ કરવામાં આવે.

જો કે મહારાષ્ટ્ર સરકારના મંત્રી અસલમ શેખે તાજેતરમાં કહ્યું હતું કે, મુંબઈમાં પણ લોકડાઉનને લઈને વાતચીત થઈ છે, પરંતુ સરકાર નાગરિકોને તકલીફ આપવા નથી માંગતી. જો સ્થિતિમાં સુધારો નહીં થાય, તો કોરોના સંક્રમણને રોકવા માટે ફરીથી લૉકડાઉન લાગૂ કરવાથી ઈન્કાર ના કરી શકાય

(4:49 pm IST)