Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

CCTV આધારે રીંકુ શર્માના ૪ હત્‍યારાઓને શોધી ઝડપી લેતી દિલ્‍હી પોલીસ

ચારેય આરોપીઓ સીસીટીવીમાં રિંકુ શર્માને મારતા જોવા મળ્યા હતા જેથી પોલીસે તમામને દબોચી લીધા

નવી દિલ્હી: રિંકુ શર્માની હત્યા કેસ મામલે દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસે ચાર આરોપી દીન મોહમ્મદ, દિલશાન, ફૈયાઝ અને ફૈઝાનની ધરપકડ કરી છે. આ ચારેય આરોપીઓ સીસીટીવીમાં રિંકુ શર્માને મારતા જોવા મળ્યા હતા.

અત્રે જણાવવાનું કે દિલ્હી પોલીસ રિંકુ શર્મા હત્યા કેસ માં અત્યાર સુધીમાં 9 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. દિલ્હીના મંગોલપુરી વિસ્તારમાં ગત 10 ફેબ્રુઆરીના રોજ રિંકુ શર્માની તેના ઘરમાંથી ઢસડીને આરોપીઓએ માર મારી હત્યા કરી હતી.

આ અગાઉ દિલ્હી પોલીસે રિંકુ શર્મા  મર્ડર કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓના નામ તાજુદ્દીન, મેહતાબ, ઝાહિદ, દાનિશ અને ઈસ્લામ છે. દિલ્હી પોલીસે ગત 13 ફેબ્રુઆરીના રોજ રિંકુ શર્મા મર્ડર  કેસને ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો હતો.

દિલ્હી પોલીસ ના જણાવ્યાં મુજબ 10 ફેબ્રુઆરીના રોજ રિંકુ શર્મા એક જન્મદિવસની પાર્ટીમાં ગયો હતો. ત્યાં આરોપીઓ સાથે રિંકુને વિવાદ થયો. આરોપીએ રિંકુ શર્માને મારવાની ધમકી આપી. ત્યારબાદ રિંકુ શર્મા તેના ઘરે મંગોલપુરી પરત ફર્યો હતો.

ત્યારબાદ ગુરુવારે આરોપી લાકડી ડંડા લઈને રિંકુ શર્માના ઘરે પહોંચ્યા અને ઘરમાંથી રિંકુને જબરદસ્તીથી બહાર ઢસડીને લાવ્યા. ત્યારબાદ તેમણે રિંકુ શર્મા પર જીવલેણ હુમલો કર્યો. આરોપીઓએ રિંકુ શર્માના શરીર પર અનેક વાર કર્યા. જેના કારણે તેનું મોત થયું.

રિંકુ શર્માના પરિવારજનોના જણાવ્યાં મુજબ રિંકુની હત્યા ફક્ત એટલા માટે કરવામાં આવી કારણ કે તે બજરંગદળનો સભ્ય હતો. રિંકુ વિસ્તારમાં જય શ્રીરામના નારા લગાવતો હતો. 5 ઓગસ્ટ 2020ના રોજ શ્રીરામ મંદિર બનાવવાનું કામ શરૂ થતા રિંકુએ વિસ્તારમાં રેલી કાઢી હતી. તે સમયે કેટલાક લોકોએ રિંકુ શર્માને  ધમકી આપી હતી. ત્યારથી રિંકુને પરેશાન કરવામાં આવતો હતો.

(1:27 pm IST)