Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

'મુસ્લિમોને દેશમાંથી ભગાડવાની મોદી સરકાર વાત કરશે તો મારી લાશ પરથી થવું પડશે પસાર'

નવી દિલ્હી, તા.૨૧: CAA અને NRC વિરુદ્ઘ દેશભરમાં વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ મોટું નિવેદન આપ્યું છે. મુખ્તાર અબ્બાસ નકવીએ એક ખાનગી ટીવી ચેનલ પર સવાલના જવાબમાં કહ્યું કે જે દિવસે સરકાર હિંદુસ્તાનમાંથી મુસલમાનોને ભગાડવાની વાત કહેશે, તે દિવસે સૌથી પહેલા તેમને મારી લાશ પરથી પસાર થવું પડશે.

મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે જો લોકો આ આંદોલનને ભડકાવી રહ્યાં છે, તેઓ પાપ કરી રહ્યાં છે. તેઓ લોકોમાં ભ્રમ ફેલાવી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારતના મુસ્લિમોને ભડકાવામાં આવી રહ્યાં છે. ખુદા આ લોકોને કયારેય માફ નહીં કરે.

કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે CAA કોઇપણની નાગરિકતાને ખત્મ કરવા માટે નથી. હિંદુસ્તાનમાં રહેનારા દરેક નાગરિકનો અધિકાર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. જે લોકો આ આંદોલનને ભડકાવી રહ્યાં છે, તેમને ખબર છે કે સરકાર CAA ને પરત ખેંચશે નહીં.

મોદી સરકારની પ્રશંસા કરતાં કેન્દ્રીય મંત્રીએ આગળ કહ્યું કે આ દેશમાં અલ્પસંખ્યક (માઇનોરીટી) મંત્રી છે.

(10:19 am IST)