Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

ર૪ કલાક માટે હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી નહીં રહે હેલ્થ ઇન્સ્યોરન્સમાં કંપનીઓ આપશે એક સરખી ઓફરઃ ''ઇરડા''એ કહયું બેઝીક પ્લાનમાં ફેરફાર નહીં કરી શકાય

નવી દિલ્હી તા.૨૧: વિમાક્ષેત્રની નિયંત્રણ ઇરડાએ કહ્યું છે કે કંપનીઓ દ્વારા હેલ્થ ઇન્સ્યોરન્સ ને અલગ અલગ ઓફર સાથે વેચવાનો ખેલ હવે નહીં ચાલે.

ઇરડાએ હેલ્થ ઇન્સ્યોરન્સની સ્કીમોને એક સરખી બનાવવા માટે નવો મુસદ્દો તૈયાર કર્યો છે જેના પછી એક સરખી પોલીસી પર કંપનીઓ એક જેવું કવર જ આપી શકશે.

પોલિસી બજારમાં હેલ્થ ઈન્સ્યોરન્સ હેડ અમિત છાબડાનું કહેવું છે કે નવા ફેરફારો પછી હેલ્થ ઇન્સ્યોરન્સની સામાન્ય સ્કીમની સાથે એડ ઓન અથવા વૈકલ્પિક ઉત્પાદનોને પેશકશ કંપનીઓ નહી કરી શકે. સામાન્ય અથવા માન્ય વિમા સ્કીમ ફકત જોખમના આધાર પર ગ્રાહકને સુરક્ષા કવર આપે છે. બેઝીક પ્લાનમાં કલેમ પર ૯૫ ટકા સમ એસ્યોર્ડ રકમ વીમા કંપનીઓએ આપવી પડશે. મુસદ્દામાં કહેવામાં આવ્યું છે કે સ્વાસ્થ્ય વિમા પોલીસી પર લઘુતમ સુરક્ષા કવર ૫૦ હજારનું હોવું જોઇએ અને તેની મહત્તમ મર્યાદા ૧૦ લાખ થઇ શકે છે. સામાન્ય વીમા સ્કીમની સાથે કોઇ અન્ય ગંભીર બિમારીનું કવર અથવા બીજા સ્વાસ્થ્ય લાભના કવરની પેશકશ કંપનીઓ ના કરી શકે. કોઇપણ માન્ય ઉત્પાદનને ફેમીલી ફલોટર પ્લાન તરીકે જ આપી શકાય છે, જેમાં રપ વર્ષ સુધીના સંતાનોને પણ સ્વાસ્થ્ય વિમાના દાયરામાં લાવી શકાય છે.(૧.૧૨)

હવેથી આ લાભો મળી શકશે

* વીમા કંપનીઓના બેઝીક પ્લાનમાં એક સરખી સેવા મળશે.

* બેઝીક પ્લાનમાં કઇ બિમારીઓ અને કઇ સુવિધાઓ મળશે તે સ્પષ્ટ હશે.

*૯૫ ટકા સમ એસ્યોર્ડનું ચુકવણું કરશે કંપનીઓ

*યુનાની,હોમીયોપેથી, આયુર્વેદિક સારવાર પણ ગણવામાં આવશે.

*૧૦ લાખ સુધીનું મહત્તમ કવર મળશે.

*ર૪ કલાક માટે હોસ્પિટલમાં દાખલ થવાનો નિયમ નહી લાગુ થાય.

આજીવન રીન્યુઅલ કરાવી શકાશે

ઈરડા અનુસાર, બેઝીક પ્લાન માટે ઓછામાં ઓછી વય મર્યાદા ૧૮ અને વધુમાં વધુ ૬૫ હોવી જોઈએ અને કોઈપણ વીમાધારક તેને આજીવન રીન્યુ કરાવી શકશેઃ કંપનીઓ એવું ન કહી શકે કે આટલી ઉંમર પછી સ્વાસ્થ્ય વીમા યોજના લાગુ નહી પડેઃ આ સામાન્ય વીમામાં કોઈપણ પ્રકારના એડ ઓનની પેશકશ કંપનીઓ નહીં કરે શકેઃ હાલમાં હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ બેઝીક પ્લાનની સાથે હૃદયરોગ, કેન્સર અથવા અન્ય બિમારીઓ માટે અલગથી એડ ઓન પેકેજ ઓફર કરે છે અને વધારે પ્રીમીયમ વસુલે છે

(3:51 pm IST)