Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

બોલિવુડની અભિનેત્રી નહીં, બિહારની છાત્રા સની લિયોની જુનિયર અેન્જીનીયર પરિક્ષામાં પ્રથમ

નવી દિલ્હી : બિહારમાં જુનિયર એન્જીનિયર પરીક્ષામાં સની લિયોનીએ પ્રથમ ક્રમ મેળવ્યો છે, જો કે આ તે સની લિયોની નથી, જે બોલિવુડ ફિલ્મોમાં જોવા મળે છે. બિહારની પબ્લિક હેલ્થ એન્જીનીયરિંગ ડિપાર્ટમેન્ટ (PHED)માં જુનિયર એન્જિનિયરના પદો પર ભરતી માટે આયોજીત કરવામાં આવેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનારા ઉમેદવારનું નામ સની લિયોની છે.

અધિકારીક વેબસાઇટ પર ઇશ્યું કરવામાં આવેલા મેરિટ લિસ્ટમાં સની લિયોનીએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. મેરિટ લિસ્ટ અનુસાર સની લિયોનીએ 98.50 ટકા માર્ક પ્રાપ્ત કર્યા છે. સ્કોર કાર્ડ અનુસાર સની લિયોનીએ 73.50 એજ્યુકેશન પોઇન્ટ, 25.00 એક્સપીરિયન્સ પોઇન્ટ પ્રાપ્ત કર્યા છે. પરીક્ષામાં બેઠેલી સની લિયોનીના પિતાનું નામ લિયોના લિયોની છે અને તેમની એપ્લીકેશન આઇડી JEC/0031211 છે.

પરીક્ષામાં ટોપર રહેલી સની લિયોની હાલ 27 વર્ષની છે. ખાસ વાત છે કે આ લિસ્ટમાં ત્રીજા સ્થાન પર જેણે ટોપ કર્યું છે, તેનું નામ bvcxzbnnb છે અને તેનાં પિતાનું નામ mggvghhnnnn છે. લિસ્ટ અનુસાર bvcxzbnnb એ 92.89 માર્ક પ્રાપ્ત કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વેબસાઇટમાં બહાર પાડવામાં આવેલા મેરિટ લિસ્ટ અનુસાર યાદીમાં 1000 નામ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પંચે સિવિલ એન્જીનિયરનાં કુલ 214 પદો પર ભરતી કરી હતી. તેનું મેરિટ લિસ્ટ ફેબ્રુઆરીમાં બહાર પાડવામાં આવ્યું હતું.

(12:00 am IST)