Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

આઝાદી બાદ પહેલીવાર રેલવેમાં થશે આટલા મોટા ફેરફાર

રેલ્વેનું ઇમેજ મેકઓવરઃ નવો લોગો, નવું નામ?

નવી દિલ્હીઃ ભારતીય રેલવેનો લોગો તો તમને યાદ જ હશે. સ્ટીમ એન્જિન અને તેની ફરતે સ્ટાર અને બહારની તરફ ભારતીય રેલ- INDIAN RAILWAYS લખેલો આ લોગો દશકાઓથી રેલવેની ઓળખ બની ગયો છે. પરંતુ હવે દેશ આઝાદ થયા બાદ પહેલીવાર ભારતીય રેલવેનું મેકઓવર કરવામાં આવી રહ્યું છે.

રેલ મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, 'હાલ રેલવેનો લોગો પ્રદૂષણ ફેલાવતા સ્ટીમ એન્જિને દર્શાવે છે. જયારે અમે ભવિષ્યમાં કલીન ફયૂલ તરફ દ્રઢ સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ. તે માટે સમયાનુસાર રેલવેનો સિમ્બોલ પણ આધુનિક બનાવવા પર કામ થઈ રહ્યું છે.'

રેલવે મંત્રાલયે ઘોષણા પણ કરી દીધી છે કે દેશમાં રેલવેના બધા જ ટ્રેક પર ટ્રેન ઈલેકિટ્રસિટીથી ચાલશે. ત્યારે ડીઝલ એન્જિનને સંપૂર્ણપણે વિદાય આપી દેવામાં આવશે. જેનાથી પ્રદૂષણમાં ઘટાડો થશે. આ ઉપરાંત રેલવે તેના ભાથામાં વજનમાં હળવા પરંતુ મજબૂત એવા એલ્યુમિનિયમ હાઈસ્પીડ ટ્રેન સેટ્સને સામેલ કરવા વિચારી રહી છે.લોગો અને ટ્રેનના એન્જિન બદલવાની સાથે ટ્રેનના કોચના કલર પણ બદલવામાં આવશે અને જેનાથી નેશનલ ટ્રાન્સપોર્ટને એક અલાયદો લૂક અપાશે. આ અંતર્ગત હંમેશા બ્લેક બ્લેઝરમાં જોવા મળતા ટીટીઈનો પણ લૂક ચેન્જ થશે. ભવિષ્યમાં તમે ટ્રેનમાં જાવ તો ટીટીઈ બ્લેક કોટ અને પેંટની જગ્યાએ નવા સ્પોર્ટ્સ ડ્રેસમાં પણ જોવા મળી શકે છે અને તેમના હાથમાં પોઇન્ટ ઓફ સેલ મશીન અને માઇક્રો પ્રિંટર પણ સાથે હોઈ શકે છે.

ભારતીય રેલનું રીબ્રાન્ડિંગ પણ કરવામાં આવી શકે છે. જેમાં નામ બદલીને નવું નામ 'ઇન્ડિયા રેલ' પણ આપી શકાય છે. એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, 'અમે ઇચ્છિએ છીએ કોઈપણ ટ્રેનના કોચ બહારથી કે અંદરથી જર્જરીત ના દેખાય. બંને તરફથી કંઈક અલગ જ લૂક આપવા પ્રયાસ થઈ રહ્યો છે. નવા કોચ સામેલ થઈ રહ્યા છે જે વર્લ્ડકલાસ છે અને હજુ પણ ઇન્ટિરિયરને વધુ સુવિધાજનક બનાવવા માટે પ્રયાસ થઈ રહ્યા છે.'

ઉલ્લેખનીય છે કે મોદી સરકારે ૨૦૧૪માં સત્તા સંભાળ્યા બાદ રેલવેમાં સુધાર કરવા માટે જાહેરાત કરી હતી. જે બાદ સતત નવા નવા પ્રયોગો અને સુધારા કરવામાં આવી રહ્યા છે. આ દ્વારા રેલવેને નવો ચહેરો દેવા પ્રયાસ થઈ રહ્યા છે. તો સાથે સાથે રેલવેમાં સુરક્ષા પર પણ ખર્ચ વધારવામાં આવી રહ્યો છે.

(11:35 am IST)