Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

દિલ્હી ચૂંટણી : ગઠબંધન પર જેડીયુમાં જોરદાર મતભેદો

વિચારાધારા સ્પષ્ટ કરવા મુખ્યમંત્રી નીતિશકુમારને અપીલ : આરએસએસ મુક્ત ભારતના નારાની બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારને યાદ અપાવી : પવનકુમાર વર્મા-પ્રશાંત કિશોર બંને હાંશિયામાં

નવીદિલ્હી, તા. ૨૧ : દિલ્હી ચૂંટણીમાં ભાજપ અને જેડીયુ ગઠબંધન પર હવે નીતિશકુમારની પોતાની પાર્ટીમાં મતભેદ જોવા મળી રહ્યા છે. પાર્ટી પ્રવક્તા અને પૂર્વ નૌકરશાહ પવનકુમાર વર્માએ આજે ટ્વિટર પર મોરચો ખોલી દીધો હતો. નીતિશકુમારે આ નિર્ણયનો વિરોધ કરતા એક પત્ર લખ્યો છે અને તેને સોશિયલ મિડિયા પર શેયર પણ કર્યો છે. જેડીયુ નેતાને બિહારના મુખ્યમંત્રીને અંગત વાતચીતમાં ભાજપની વિભાજનકારી નીતિ પર ટિપ્પણીને ટાંકીને પોતાની વિચારધારા સ્પષ્ટ કરવાનો નિર્દેશ આપ્યો છે. અંગ્રેજીમાં લખેલા બે પાનાના પત્રમાં પવન વર્માએ નીતિશકુમારને ૨૦૧૨માં થયેલી મુલાકાતની યાદ અપાવી હતી. પત્રમાં તેમણે લખ્યું હતું કે, ૨૦૧૨માં જ્યારે પટણામાં મુલાકાત થઇ તે સમયે ઔપચારિક સ્તર પર હું પાર્ટીમાં સામેલ થયો ન હતો. તમે મને ભાજપ અને આરએસએસની વિભાજનકારી નીતિ અને કેવી રીતે નરેન્દ્ર મોદી દેશના ભાવિ માટે યોગ્ય નથી તે અંગે લાંબી ચર્ચા કરી હતી.

              આની સાથે જ દિલ્હીમાં ભાજપ સાથે ગઠબંધન પર વર્માએ નીતિશકુમારને કહ્યું હતું કે, તેઓ ગઠબંધનને લઇને પોતાની વિચારધારા સંપૂર્ણરીતે સ્પષ્ટ કરે. પવન વર્માએ શાલીન ભાષામાં ખુબ જ આક્રમક અંદાજમાં પત્ર લખ્યો હતો. તેમણે નીતિશકુમારને સંબોધિત કરતા કહ્યું હતું કે, મહાગઠબંધનનું નેતૃત્વ કરતા આરએસએસ મુક્ત ભારતનો નારો આપ્યો હતો. ૨૦૧૭માં ફરીવાર ભાજપની સાથે  રહેવા છતાં તમે વ્યક્તિગતરીતે માની રહ્યા છે કે, ભાજપના વિચારોમાં કોઇ પરિવર્તન આવ્યું નથી. તમારા અંગત વિચાર જે મારી પાસે પહોંચ્યા તેમાં એજ સંદેશ હતો કે, ભાજપે સંસ્થાઓને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જેડીયુમાં પ્રશાંત કિશોરને સામેલ કરવા અને તેમની તાકાત વધારવા પાછળ પવન વર્માને જ માનવામાં આવી રહ્યા છે.

               રાજનીતિક વર્તુળોમાં એવી ચર્ચા સામાન્ય છે કે, જેડીયુના કેટલાક નેતા પ્રશાંત કિશોરને પાર્ટીમાં સામેલ કરવાથી નાખુશ દેખાઈ રહ્યા છે પરંતુ તે સમયે વર્માએ તેમનો સાથ આપ્યો હતો. જો કે, તે સમયે વર્મા અને પ્રશાંત કિશોર બંનેને પાર્ટીમાં હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા. પ્રશાંત કિશોરની કંપનીએ તો અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીના ચૂંટણી પ્રચારની જવાબદારી પણ સંભાળી લીધી હતી. પત્રમાં અંતમાં વર્માએ નીતિશકુમારથી પોતાની વિચારધારા સ્પષ્ટ કરવાની અપીલ કરી હતી. તેમણે લખ્યું હતું કે, પોતાની વિચારધારા અથવા તો જેડીયુ મિટિંગમાં સ્પષ્ટ કરશે અથવા તો અન્ય કોઇ માધ્યમથી જે પણ તમને યોગ્ય લાગે તેવી રીતે વિચાધારા સ્પષ્ટ કરવા અંગે આશા વ્યક્ત કરી હતી.

(7:59 pm IST)