Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

રાજકોટની ભાગોળે સાવજ બે સિંહનું રાતભર આજી ડેમે રોકાણ

રાજકોટથી સરધાર જતા ભાવનગર રોડ પરના આજી ડેમના પાણીના કિનારે આખી રાત વિતાવીઃ જબરી હલચલ : ભૂપગઢ તરફ રવાનાઃ પરમ દિવસે રાત્રે શાપર-વેરાવળમાં હતા...ત્યાંથી ત્રંબા-સરધાર અને ગઈ આખી રાત આજી ડેમના પાણીના ભાગમાં રોકાયા

રાજકોટની ભાગોળે આજી ડેમ ખાતે આખી રાત ૩II વર્ષના બે સિંહે મુકામ કર્યો હતો. તસ્વીરમાં બન્ને સિંહોના ફુટપ્રિન્ટ અને એક સિંહ-ડાલમથ્થો નજરે પડે છે.

રાજકોટ, તા. ૨૧ :. સરધાર-ત્રંબામાં રોકાણ કરનાર બે નર સિંહ – ૩II વર્ષના ગઈકાલે આખી રાત આજી ડેમ ખાતે રોકાયા હોવાનું બહાર આવતા રાજકોટના વન વિભાગને દોડધામ થઈ પડી છે.

આ અંગે આજે બપોરે માહિતી આપતા રાજકોટ વન વિભાગના ફોરેસ્ટ અધિકારી શ્રી સંદીપકુમારે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે સરધાર-ત્રંબા બાદ આ બન્ને ૩II વર્ષના નર સિંહ ગઈકાલે આખી રાત આજી ડેમ રોકાયા હતા અને ત્યાંથી વહેલી સવારના અંધારામાં જ આગળ ભૂપગઢ તરફ અને ત્યાંથી ભાડલા તરફ ગયાનું જાણવા મળ્યુ છે.

તેમણે જણાવેલ કે રાજકોટથી સરધાર જતા ભાવનગર રોડ પરના આજી ડેમના પાણીના કિનારા વિસ્તારમા આ બન્ને ૩II વર્ષના વનરાજા રહ્યા હતા અને ત્યાંથી ભૂપગઢ તરફ રવાના થયેલ અને બપોરે મળતા અહેવાલો મુજબ આ બન્ને ભાડલા તરફ ગયા છે.

શ્રી સંદીપકુમારે જણાવેલ કે આ બન્ને નર સિંહ ૧૯મીના રોજ શાપર-વેરાવળ બાજુ હતા અને ત્યાંથી સવારે નીકળી સરધાર-ત્રંબા થઈને ગઈકાલે રાત્રે આજી ડેમ રોકાયા હતા અને બાદમાં રોડની સાઈડથી ભૂપગઢ તરફ રવાના થયા હતા.

(2:34 pm IST)