Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

એક જૂનથી દેશભરમાં 'વન નેશન, વન રાશનકાર્ડ': પાસવાન

નવી દિલ્હી, તા. ૨૧ :. દેશમાં આગામી પહેલી જૂનથી 'વન નેશન વન રાશનકાર્ડ' યોજના લાગુ થઈ જશે. કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને ગઈકાલે આ માહિતી આપી હતી. તેમણે કહ્યુ કે આ યોજના હેઠળ ઉપભોકતા એક જ રાશનકાર્ડનો ઉપયોગ દેશભરમાં કયાંય પણ કરી શકશે. તેમણે કહ્યું કે ૧ જૂનથી આ યોજના દેશભરમાં લાગુ થશે.

જણાવી દઈએ કે આ પહેલા ગયા વર્ષે રામવિલાસ પાસવાને 'વન નેશન વન રાશનકાર્ડ' યોજનાનો પાયલોટ પ્રોજેકટ ચાર રાજ્યોમાં લાગુ કર્યો હતો. તેના હેઠળ આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે કાર્ડ પોર્ટેબીલીટીની સુવિધા આપવામાં આવી હતી, જેનુ ઉદઘાટન પાસવાને ઓનલાઈન કર્યુ હતું, ત્યારે તેમણે કહ્યું હતુ કે પાયલોટ પ્રોજેકટ સફળ રહે પછી તેને આખા દેશમાં લાગુ કરાશે. આ યોજના હેઠળ રાશનકાર્ડ આખા ર્દેેશમાં માન્ય થઈ જશે.

હવે તેમણે જાહેરાત કરી છે કે આ વર્ષની પહેલી જૂનથી આ યોજના દેશભરમાં લાગુ કરાશે. આનાથી કોઈપણ રાજ્યનું રાશનકાર્ડ ધરાવનાર કોઈપણ બીજા રાજ્યમાં રાશનની દુકાનેથી સસ્તુ અનાજ ખરીદી શકશે. સરકારને આશા છે કે આનાથી ભ્રષ્ટાચાર પર લગામ આવવા ઉપરાંત રોજગાર અથવા અન્ય કારણોથી એક સ્થળેથી બીજા સ્થળે જનારા ગરીબોને સબસીડીવાળુ અનાજ મળી શકશે. આ ફેરફારથી એકથી વધારે કાર્ડ રાખવાની શકયતાઓ સમાપ્ત થઈ જશે.

(10:25 am IST)