Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

૨૦૧૯ની ચૂંટણીમાં 'મોદી - ભાજપ વિરૂધ્ધ બધા' : આ દાવો - આ પ્રચાર, કેટલો સાચો - કેટલો ખોટો?

આવો સમજીએ સીધી સાદી દેશી ભાષામાં

કાલ્પનિક ઇન્ટરવ્યૂમાં સવાલ જવાબ સ્વરૂપે

સ. આગામી લોકસભાની ચૂંટણીમાં મોદી-ભાજપ વિરુદ્ઘ બાકીના બધા પક્ષો છે?

જ. ના,બિલકુલ એવું નથી.

સ. શુ તમે પણ યાર ફેંકા ફેંક કરો છો.આ બધા પ્રસાર માધ્યમો તો કહે છે કે બધા પક્ષો મોદીને હરાવવા એક થઈ ગયા છે.એ બધા ખોટા અને તમે એક જ સાચા?

જ. અમને ફેંકવાની ટેવ નથી.પણ બીજા કોઈ કહે એટલે અક્કલને તાળું મારી અને એ પ્રચારને સાચો માની લેવો એ પણ અમારો મિજાજ નથી.અમે જે બોલીએ કે લખીએ એમાં હકીકતો હોય છે, આંકડા હોય છે, તથ્યો હોય છે.

સ. સારૃં, લેકચર બંધ કરો. હવે કહો કે આ ચૂંટણી મોદી-ભાજપ વિરુદ્ઘ 'બાકીના બધા' બ્રાન્ડ ચૂંટણી નથી એવું કયાં આધારે કહો છો.

જ. બાકીના બધા ત્યારે કહેવાય જયારે મોટાભાગની બેઠકો પર એક તરફ ભાજપ હોય અને બીજી તરફ અન્ય પક્ષોએ ઉભો રાખેલો કોઈ એક ઉમેદવાર હોય.આ ચૂંટણીમાં એવું કયાં થવાનું છે?

સ. એમ ગોળ ગોળ વાત કરોમાં. સીધો જવાબ આપો.

જ. તો ચાલો.આપણે રાજયવાર સ્થિતિ સમજી લઈએ.એક પણ રાજય બાકી નહીં રાખીએ.એટલે તમને સમજાશે કે ફેંકા ફેંક કોણ કરે છે.

ગુજરાત,રાજસ્થાન,મધ્ય પ્રદેશ,ઉત્ત્।રાખંડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે.એટલે એ રાજયોમાં એક સામે બધાં એ તત્વ નથી.

હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં પણ ભાજપ-કોંગ્રેસ મુખ્ય પક્ષો છે.હરિયાણામાં આમ આદમી પાર્ટી અને હિમાચલમાં આર એન એલ ડી ત્રીજા ફોર્સ તરીકે ચૂંટણી લડશે.એટલે એ બે રાજયો માં ત્રીપાંખીયો જંગ થશે.આમ આ પાંચ રાજયોમાં મોદી-ભાજપ વિરુદ્ઘ 'બધા' નથી.

સ. બીજા રાજયોનું શુ?

જ. એ પણ જોઈ લઈએ.

સહુથી મોટું રાજય ઉત્તર પ્રદેશ. ત્યાં ભાજપ સામે એસપી-બીએસપી ગઠબંધન અને કોંગ્રેસ એ ત્રણ મેદાનમાં છે. ત્યાં પણ ત્રિપાંખીયો જંગ થશે.

મહારાષ્ટ્ર : અહીં ભાજપ-શિવસેના ગઠબંધન સામે કોંગ્રેસ-એન.સી.પી.ગઠબંધન છે.એટલે ત્યાં બીજેપી-મોદી વિરુદ્ઘ બધાં નહીં પણ ગઠબંધન વિરુદ્ઘ ગઠબંધન છે.આ વખતે શિવસેના એકલું લડે તો ત્રીપક્ષીય જંગ થશે.એટલે કે આ રાજયમાં પણ મોદી - ભાજપ વિરુદ્ઘ બધાં એ દાવો ખોટો છે.

બંગાળ : અહીં ટી.એમ.સી,ભાજપ,કોંગ્રેસ અને સી.પી.આઈ એ ચાર પક્ષ મેદાનમાં છે.કોંગ્રેસ અને સી.પી.આઇ.માની લ્યો કે હાથ મિલાવે તો પણ ત્રણ પક્ષો ચૂંટણી લડશે.એ સંજોગોમાં અહીં પણ મોદી-બીજેપી વિરુદ્ઘ બધાં એ દાવો ટકી શકતો નથી.

બિહારઃ અહીં બીજેપી,જે.ડી.યુ અને એલ.જે.એસ.પી.ના ગઠબંધન સામે આર.જે.ડી-કોંગ્રેસ-કુશવાહાનું ગઠબંધન છે.એટલે આ રાજયમાં પણ મોદી-ભાજપ વિરુદ્ઘ બધાં એ થિયરી ખોટી સાબિત થાય છે.

છત્તીસગઢઃ ધારાસભાની ચૂંટણીમાં અહીં ભાજપ,કોંગ્રેસ અને માયાવતી-જોગીનું ગઠબંધન એમ ત્રિપક્ષીય જંગ હતો.લોકસભામાં પણ એવું જ થશે. એટલે અહીં પણ એક તરફ એક અને બીજી તરફ બધાં એ વાત ખોટી.

ઝારખંડઃ અહીં બીજેપી અને એજેએસયુના ગઠબંધન સામે કોંગ્રેસ-જેએમએમ ગઠબંધન છે.જંગ ગઠબંધન વિરુદ્ઘ ગઠબંધનનો છે,ભાજપ વિરુદ્ઘ બધાનો નહીં.

દિલ્હીઃ અહીં ભાજપ,કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ થશે.અહીં પણ મોદી-ભાજપ વિરૂદ્ઘ બધાં એ દાવાનો છેદ ઉડી જાય છે.

ઓરિસ્સાઃ આ રાજયમાં બીજુ જનતા દળ, કોંગ્રેસ અને બીજેપી એમ ત્રણ પક્ષો વચ્ચે હરીફાઈ છે. બધાં એક બીજા સામે લડવાના છે.એકલા ભાજપ સામે બધાં એવું નથી.

જમ્મુ કાશ્મીર : અહીં તો ભાજપ-ટીડીપીનું ગઠબંધન હતું. તે તૂટી ગયું. હવે ત્યાં ભાજપ, ટીડીપી, કોંગ્રેસ અને એનસીપી એ ચાર પક્ષો છે. કોંગ્રેસ-એનસીપી વચ્ચે ગઠબંધન થાય તો પણ મેદાનમાં ત્રણ પક્ષો રહેશે.

આંધ્ર-તેલંગણા : આ બે રાજયોમાં કોંગ્રેસ-ટીડીપી ગઠબંધન,ટી.આર. એસ અને ઓવેઇસી ગઠબંધન,ભાજપ ઉપરાંત વાય.આર. એસ.છે.ભાજપ હાલમાં વાય.આર. એસ.ને પાંખમાં લેવા પ્રયત્નશીલ છે.વાય આર એસ.કદાચ ટી.આર. એસ.સાથે પણ સમજૂતી કરે.એવા કોઈ પણ સંજોગોમાં એ બે રાજયોમાં ત્રીપાંખીયો જંગ છે.આને મોદી-ભાજપ વિરુદ્ઘ બધા એવું તો ન જ કહેવાય.

તામિલનાડુ : અહીં ભાજપ-એઆઈએડીએમકેના ગઠબંધન સામે ડીએમકે-કોંગ્રેસ નું ગઠબંધન છે.

કેરાલા : અહીં ડાબેરીઓ,કોંગ્રેસ અને ભાજપ ગઠબંધન વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાશે.

કર્ણાટક : અહીં ભાજપ વિરુદ્ઘ કોંગ્રેસ-જે.ડી.એસ. નું ગઠબંધન છે. 'મોદી-ભાજપ વિરૂદ્ઘ બધા'એ દાવો આ એક રાજયમાં સાચો પડે છે.પણ આગળ આપણે જોઈશું કે અનેક રાજયોમાં તો 'કોંગ્રેસ વિરુદ્ઘ બધા' વાળો મામલો છે.

સ. એ વળી નવું લાવ્યા. સમજાવો, કઈ રીતે?

જ. આ રીતે,આ રાજયોમાં તો કોંગ્રેસ સામે ગઠબંધનો છે.

પંજાબ : અહીં કોંગ્રેસ સામે ભાજપ-અકાલી દળનું ગઠબંધન છે.ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી છે.

આસામ : ધરાસભાની ચુંટણીમાં અહીં કોંગ્રેસ સામે ભાજપ-એજીપી-આરજેએએમ અને જેજેએએમનું ગઠબંધન હતું. હવે એ.જી.પી.કદાચ ભાજપ સાથે છેડો ફાડશે. એ સંજોગોમાં પણ આસામ માં ભાજપના ગઠબંધન વિરુદ્ઘ બાકીના પક્ષો હશે.

મણિપુર : કોંગ્રેસ સામે ભાજપ-એનપીપી., એનપીએફ અને લોક જનશકિત પાર્ટીનું ગઠબંધન છે.

નાગાલેન્ડ : અહીં કોંગ્રેસ ચિત્રમાં નથી. આ રાજયમાં ભાજપ-એનડીડીપી- એનડીપી અને જેડી(યુ)નું ગઠબંધન છે. સામે હરીફ તરીકે નાગા પીપલ ફ્રન્ટ છે.

મેઘાલય : અહીં ભાજપ-એનપીપી-યુડીપીનું ગઠબંધન છે. સામે કોંગ્રેસ છે.

ત્રિપુરા : બીજેપી.અને આઇપીએફટીનું ગઠબંધન છે. સામે કોંગ્રેસ અને સી.પી.આઈ. છે.

મિઝોરમ : અહીં ભાજપ-એમએનએફના ગઠબંધન સામે કોંગ્રેસ-ઝેડપીએમ ગઠબંધન છે.

અરૂણાચલ : અહીં કોંગ્રેસ સામે ભાજપ-એનપીપી નું ગઠબંધન છે.

સિક્કિમ : અહીં એક પણ રાષ્ટ્રીય પક્ષનું મજબૂત અસ્તિત્વ નથી.

ગોવા : આ રાજયમાં પણ કોંગ્રેસ સામે ભાજપ-જીએફપી-એમજીપીનું ગઠબંધન છે.

હવે કહો જોઈએ કે આ તમામ રાજયોની રાજકીય સ્થિતિ સ્પષ્ટ કર્યા બાદ ૨૦૧૯ની ચૂંટણીને 'મોદી-ભાજપ વિરુદ્ઘ બધાં'નો જંગ કઈ રીતે કહી શકાય?

સ. આ બધી વાત તો સાચી પણ આ બધાનો હેતુ તો મોદી-ભાજપને હરાવવાનો જ છે ને?

જ. ભોળા માનવ, એ તો એવું જ હોય ને.દરેક પક્ષ ચુંટણી જીતીને સતા મેળવવા માંગતો હોય.બધા રાજકીય પક્ષો એટલા માટે તો ચૂંટણી લડતાં હોય છે. શાસક પક્ષ સતા જાળવી રાખવા લડતો હોય, અન્ય પક્ષો શાસક પક્ષને હરાવી સતા હાંસલ કરવા લડતાં હોય. એટલે ભાજપની સામે પડેલા પક્ષો ભાજપને હરાવવા ભેગાં થાય તો તેમાં કાંઈ અસ્વભાવિક નથી.

જુઓ, વિસ્તારથી સમજાવું. ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપે ૨૫ કરતાં વધુ નાના મોટા પક્ષો સાથે ગઠબંધન કર્યું હતું. એ શું કામ કર્યું હતું? એ સમયની કોંગ્રેસની યુ.પી.એ.સરકારને હરાવવા માટે જ તો. અટલજી ગઠબંધનો થકી જ તો વડાપ્રધાન બન્યા હતા. મનમોનહનસિંહે ૧૦ વર્ષ ગઠબંધન સરકાર જ ચલાવી હતી. એમની સામેની ૨૦૦૪ અને ૨૦૦૯ની ચૂંટણીઓ ભાજપ ગઠબંધનો કરીને જ લડ્યો હતો ને? એ ગઠબંધનો શાસક પક્ષને હરાવવા માટે જ થયા હતાં કે નહીં ?

તો પછી આજે ભાજપને હરાવવા ગઠબંધનો થાય તેને અયોગ્ય કઇ રીતે કહી શકાય? બીજું કે આ ચૂંટણીમાં ભાજપ પણ અન્ય પક્ષો સાથે ગઠબંધન તો કરશે જ ને? અત્યારે પણ એનડીનું ગઠબંધન અસ્તિત્વમાં છે જ ને?

સ. ચાલો માની લીધું કે ભાજપ વિરુદ્ઘ ગઠબંધન થઈ પણ જાય તો પણ એ ગઠબંધન અપવિત્ર નહીં હોય?

જ. ગઠબંધનો પવિત્ર કે અપવિત્ર હોતાજ નથી. પવિત્ર તો હરગીઝ નથી હોતા.બધા ગઠબંધનો સગવડીયા અને અવસરવાદી જ હોય છે. ગઠબંધનોની પવિત્રતા વીશે આગલા એપિસોડમાં વિસ્તારથી સમજશું. અત્યારે એટલું સ્વીકારી લ્યો કે ૨૦૧૯ની ચૂંટણી મોદી-ભાજપ વિરુદ્ઘ બધાં વાળી ચૂંટણી નથી. કયાંક સીધો જંગ છે તો કયાંક ત્રિપાંખીયા તો કયાંક ગઠબંધનો વિરુદ્ઘ ગઠબંધનોના જંગ છે.

સ. તો શું 'એક વિરુદ્ઘ બધાં' એ એક પ્રચાર માત્ર છે?

જ. તમે શું માનો છો..!

-: આલેખન :-

જગદીશ આચાર્ય

સૌરાષ્ટ્રના સિનીયરમોસ્ટ જર્નાલીસ્ટ, કોલમીસ્ટ, દાયકાઓથી સૌરાષ્ટ્ર - ગુજરાતના રાજકારણની ગતિવિધિઓના માહેર...

રાજકોટ. મો. ૯૮૨૫૨ ૭૪૩૭૪

(3:28 pm IST)