Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

અબજોની કમાણી કરનારા ધનપતિઓ એકપણ ડોલર ટેક્સ ચુકવ્યો જ નહીં !!

પ્રોપબ્લિકાએ જારી કરેલા અહેવાલે સંપત્તિવાન અમેરિકનો અને ગરીબો વચ્ચે વધતી જતી અસમાનતાની ખાઈની ચર્ચા વેગ મળશે :

વોશિંગ્ટન: સમૃદ્ધ લોકો મારા અને તમારા કરતાં આવકવેરા અધિકારીઓને હંફાવવામાં ઘણા આગળ છે. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે ૨૦૦૭ અને ૨૦૧૧માં આવકવેરો જ ચૂકવ્યો ન હતો. આ રીતે એલન મસ્કે ૨૦૧૮માં એક ડોલરનો વેરો ચૂકવ્યો ન હતો. ફાઇનાન્સિયર જ્યોર્જ સોરોસે ત્રણ વર્ષ સુધી ફેડરલ ઇન્કમ ટેક્સ જ આપ્યો ન હતો.

નોનપ્રોફિટ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ ઓર્ગેનાઇઝેશન પ્રોપબ્લિકાએ મંગળવારે જારી કરેલા અહેવાલે અમેરિકનોને વિચારતા કરી દીધા છે. આમ અમેરિકાના ટોચના ૨૫ ધનવાનો સામાન્ય કામદાર તેની કુલ એડજસ્ટેડ આવક પર વેરો ચૂકવે છે તેની તુલનાએ તેઓ તેમની કુલ એડજસ્ટેડ આવક પર ૧૫.૮ ટકા ઓછો વેરો ચૂકવે છે. આ સિવાય સામાન્ય કામદારે તો ફરજિયાતપણે સોશિયલસિક્યોરિટીઅને મેડિકેર ચૂકવવો પડે છે.

પ્રોપબ્લિકાએ દેશના સંપત્તિવાન લોકોના ઇન્ટર્નલ રેવ્યુ સર્વિસ ડેટાના આધારે આ અહેવાલ તૈયાર કર્યો છે. તેમા વોરેન બફેટ, બિલ ગેટ્સ, રુપર્ટ મર્ડોક અને માર્ક ઝુકરબર્ગનો સમાવેશ થાય છે. પ્રોપબ્લિકાએ આ ટેક્સ ડેટાની તુલના અન્ય સ્ત્રોતો પાસેથી ઉપલબ્ધ વિગતો સાથે પણ કરી હતી.

પ્રોપબ્લિકા તેને મળેલા ટેક્સ ડેટાની તુલના તેની પાસે ઉપલબ્ધ માહિતીના અન્ય સ્ત્રોતો સાથે કરે છે. કેટલાય સમૃદ્ધોએ કાયદાકીય કર વ્યૂહરચનાઓનો સર્વાંગી ઉપયોગ કરીને તેના ટેક્સને શૂન્યવત કર્યો છે અથવા તો નહીવત કરી દીધો છે. સોરોસે તો તેના દ્વારા ત્રણ વર્ષ સુધી વેરો ચૂકવ્યો ન હતો. અબજપતિ રોકાણકાર કાર્લ ઇકેને આ રીતે બે વર્ષ સુધી વેરો ચૂકવ્યો ન હતો, એમ પ્રોપબ્લિકાનું તારણ હતુ. આ તારણોના લીધે અમેરિકામાં સંપત્તિવાન અમેરિકનો અને ગરીબો વચ્ચે વધતી જતી અસમાનતાની ખાઈની ચર્ચા વેગ પકડશે તે સુનિશ્ચિત છે.

પ્રોપબ્લિકાનો અહેવાલ છે કે ધનવાનોનું ટેક્સ બિલ તેમની વધતી જતી સંપત્તિ, તેમના રોકાણ, રિયલ એસ્ટેટ અને અન્ય એસેટ્સના વધતા જતા મૂલ્યની તુલનાએ ઘણું ઓછું છે.

(12:15 am IST)