Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

સરકારી મહેમાન

ચૂંટણીમાં ‘એક મત'નું મૂલ્‍ય ગાંધી, સરદાર અને અટલ બિહારી વાજપેયી સમજ્‍યા હતા

એક મતથી હિટલરે સત્તા મેળવી હતી, યુએસના પ્રેસિડેન્‍ટની એક મતથી હાર-જીત થઇ હતી : કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ડ્રાઇવરને મતદાન નહી કરવા દેતા કૃષ્‍ણમૂર્તિ હાર્યા હતા : સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓની ચૂંટણીમાં તો એક મતનું મૂલ્‍ય હારેલા નેતાને સમજાય છે

કોઇપણ ચૂંટણીમાં એક મતનું મૂલ્‍ય શું છે તે ચૂંટણી હારી જતા નેતાને સમજાય છે. ભારતમાં એવા મહાનુભાવો છે કે જેઓ એક મતે જીત્‍યા છે અને એક મતે હાર્યા છે. એક મત સત્તા બદલી નાંખે છે. એટલે મારા એક મતથી શું ફરક પડે છે તેવું માનવું એ ભૂલભરેલું છે. એક મતમાં પણ તાકાત રહેલી છે. ચૂંટણી હારનાર નેતાઓમાં મહાત્‍મા ગાંધી, સરદાર પટેલ અને અટલ બિહારી વાજપેયીના મહત્‍વના ઉદાહરણ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન કરવાની અપીલ કરવામાં આવે છે પરંતુ કેટલાક મતદારો માને છે કે મારા મતથી શું ફરક પડશે તે માનવું યોગ્‍ય નથી, કેમ કે કેટલીક વખત એક મત નેતાનું જીવન બદલી નાંખે છે. ગુજરાતમાં હાલ સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓની ચૂંટણી ચાલી રહી છે ત્‍યારે પાલિકા તેમજ પંચાયતમાં એક મતનું મૂલ્‍ય સમજવું પડે તેમ છે. ‘મતદાન એ મહાદાન છે' તેવું ચૂંટણી પંચ દ્વારા વારંવાર કહેવામાં આવે છે તે યથાર્થ છે.

મહાત્‍મા ગાંધી પણ એક મતના કારણે હાર્યા હતા

રાજકારણ અને ચૂંટણી એકમેકના પર્યાય છે. રાજકીય ઇતિહાસમાં એવી ઘટનાઓ પણ બની છે કે મહાનુભાવો ચૂંટણી હારી ગયા છે. મહાત્‍મા ગાંધી જયારે દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્‍યા ત્‍યારે ૧૫મી નવેમ્‍બર ૧૯૧૫માં તેમની ગુજરાત સભાના ઉપપ્રમુખપદે વરણી થઇ હતી. મુંબઇ અધિવેશનમાં ડેલિગેટ તરીકે ગુજરાત સભા દ્વારા ગાંધીજી અને વલ્લભભાઇ પટેલની પસંદગી થઇ હતી. ૧૭મી ડિસેમ્‍બર ૨૦૧૫માં મુંબઇમાં કોંગ્રેસની સબજેક્‍ટ કમિટી (વિષય વિચારીણી)ની ચૂંટણીમાં ગાંધીજીને માત્ર ત્રણ મત મળ્‍યા હતા અને તેમનો પરાજય થયો હતો. એવી જ રીતે છઠ્ઠી ગુજરાતી સાહિત્‍ય સભાના પ્રમુખપદ માટેની ચૂંટણી ૧૨મી ઓગષ્ટ ૧૯૧૯માં થઇ ત્‍યારે ગાંધીજીને આફ્રિકાથી પાછા આવ્‍યાને ચાર વર્ષ થયાં હતા અને તેમની નામના થઇ હતી તેમ છતાં બેરિસ્‍ટર ગાંધીને ૧૫ મત મળ્‍યા હતા, જયારે તેમના પ્રતિસ્‍પર્ધી હરગોવિંદ કાંટાવાળાને ૨૨ મત મળ્‍યા હતા. ગાંધીજીનો ૭ મતે પરાજય થયો હતો.

સરદાર પટેલે પણ ચૂંટણીમાં હાર જોઇ છે...

૭મી ડિસેમ્‍બર ૧૯૧૫માં સરદાર વલ્લભભાઇ પટેલ ગુજરાત સભાના ડેલિગેટની ચૂંટણીમાં ૨૪માં ક્રમે ચૂંટાયા હતા. અમદાવાદ મ્‍યુનિસિપાલીટીની પેટાચૂંટણીમાં તેઓ દરિયાપુર બેઠક પરથી લડ્‍યા હતા અને ૩૧૪ મત મેળવ્‍યા હતા જયારે તેમના હરીફ બેરિસ્‍ટર મોયુદ્દીનને ૧૩૧ મત મળ્‍યા હતા. સરદાર પટેલનો આ બેઠક પર એક મતથી વિજય થયો હતો. અમદાવાદના ઇતિહાસમાં આટલી રસાકસીભરી ચૂંટણી ક્‍યારેય થઇ નથી. આ એક મત સરદાર પટેલના જીવનનો ટર્નિંગ પોઇન્‍ટ હતો. આ મત ગણતરીને કોર્ટમાં પડકારવામાં આવી હતી અને ૨૬મી માર્ચ ૧૯૧૭માં કોર્ટ તરફથી આ ચૂંટણી રદ્દ કરવામાં આવી હતી. મ્‍યુનિસિપાલીટીની ચૂંટણીના રાજકારણનો તેમનો આ પહેલો અનુભવ હતો. સરદાર પટેલ ૧૪મી મે ૧૯૧૭માં દરિયાપુરની બેઠક પરથી બિનહરીફ ચૂંટાઇ આવ્‍યાનો પણ દાખલો છે. આ વોર્ડમાં તેઓ ૧૯૧૯માં ૩૫૦ મતે વિજયી થયા હતા. ખાડિયા બેઠક પરથી તેઓ ૧૯૨૪માં બિનહરીફ ચૂંટાઇ આવ્‍યા હતા, ત્‍યારપછી ૧૯૨૭માં ફરીથી દરિયાપુરમાંથી ચૂંટણી લડ્‍યા અને ૩૬૮૬ મતોથી વિજયી બન્‍યા હતા.

વલ્લભભાઇ પટેલ દ્વારા કાસ્‍ટીંગ વોટનું દાન...

સરદાર પટેલ ૧૯૧૯૮માં મ્‍યુનિસિપાલીટીના ઉપપ્રમુખની ચૂંટણી લડ્‍યા હતા પરંતુ ૧૮ મત મળતાં ત્રણ મતે હારી ગયા હતા. તેમના પ્રતિસ્‍પર્ધી મૂલચંદ શાહને ૨૧ મત મળ્‍યા હતા. તેઓ અમદાવાદમાં ૧૯૨૪માં પ્રથમવાર પ્રમુખ બન્‍યા હતા ત્‍યારે ૫૩ વિરૂદ્ધ બે મતે ચૂંટાઇ આવ્‍યા હતા. ૧૯૨૭માં તેઓ ૪૮ વિરૂદ્ધ સાત મતે ચૂંટાઇ આવ્‍યા હતા. પ્રમુખપદ માટેની ચૂંટણીમાં સરદાર જંગી બહુમતિથી જીત્‍યા હતા. એ પહેલાં અમદાવાદ મ્‍યુનિસિપાલિટીમાં સ્‍ટેન્‍ડીંગ કમિટીના ચેરમેનનું પદ દાખલ કરવામાં આવ્‍યું ત્‍યારે સરદાર પ્રમુખ હતા તેમ છતાં વધુ સત્તા ધરાવતી સ્‍ટેન્‍ડીંગ કમિટીના ચેરમેનપદ માટે તેઓ લડ્‍યા હતા. અત્‍યંત રસાકસીભરી આ ચૂંટણીમાં સરદાર પટેલ અને તેમના હરીફને એકસરખા ૨૬ મત મળતાં ટાઇ પડી હતી. પ્રમુખ પાસે નિર્ણાયક મત એટલે કે કાસ્‍ટીંગ વોટનો અધિકાર હોવા છતાં ખેલદિલીથી સરદારે કાસ્‍ટીંગ વોટનો ઉપયોગ પોતાના હરીફ ઉમેદવારની તરફેણમાં કર્યો અને જાતે ચૂંટણી હારી ગયા હતા.

વિશ્વમાં પણ એક મતે સત્તા પલટાવી નાંખી છે

૧૯૨૩માં એક મત વધારે મળતાં એડોલ્‍ફ હિટલર નાઝી પાર્ટીના નેતા બન્‍યા હતા અને હિટલર યુગનો જન્‍મ થયો હતો. ૧૯૯૮માં એક મત ઓછો મળતાં ભાજપના સંવેદનશીલ સત્તાધિશ અટલ બિહારી વાજપેયીને વિપક્ષમાં બેસવાનો વારો આવ્‍યો હતો. ૧૯૯૯માં સંસદમાં તેમની સરકાર એક મતે પડી ગઇ હતી. આ સમયે ભાજપની સરકાર સામેના અવિશ્વાસ પ્રસ્‍તાવમાં ૨૭૦ મત પડ્‍યા હતા જયારે પ્રસ્‍તાવની વિરૂદ્ધમાં ૨૬૯ મત હતા. તામિલનાડુના જયલલીથાએ વાજપેયી સરકારને એક મત ન આપતાં આખી સરકાર ઉથલી પડી હતી. ૧૯૭૫માં એક મતથી ફ્રાન્‍સ રાજાશાહીમાંથી ગણતંત્ર બન્‍યું હતું. ૧૭૭૬માં એક મત વધુ મળતાં જર્મનીની જગ્‍યાએ અંગ્રેજી અમેરિકાની રાષ્ટ્રભાષા બની હતી. ૧૯૬૧માં ઝાંઝીબારમાં એફ્રો સિરાઝી પક્ષના એક ઉમેદવાર માત્ર એક મતથી જીત્‍યા હતા. આ એક જીતના કારણે પાર્ટીની બેઠકોની સંખ્‍યા ૧૦ થઇ હતી જયારે હરીફ પક્ષ પાસે નવ બેઠકો રહી હતી. અમેરિકાના ૧૭જ્રાક્ર રાષ્ટ્રપ્રમુખ એન્‍ડ્રયુ જોનસન એક મતથી બચી ગયા હતા અને રૂથરફોર્ડ હેયસ માત્ર એક મથથી અમેરિકાના ૧૯માં રાષ્ટ્રપતિ બન્‍યા હતા.

ડ્રાઇવરે મત નહીં આપતાં કૃષ્‍ણમૂર્તિ ચૂંટણી હાર્યા

એક મહત્‍વનો કિસ્‍સો યાદ કરવા જેવો ચે. ૨૦૦૪માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં એઆર કૃષ્‍ણમૂર્તિને ૪૦૭૫૧ મત મળ્‍યા હતા જયારે તેમના હરીફ ધૃવનારાયણને ૪૦૭૫૨ મત મળ્‍યા હતા. એક મતથી કૃષ્‍ણમૂર્તિ હારી ગયા હતા.આ એક મતના કારણ તેઓ ધારાસભ્‍ય બની શક્‍યા ન હતા. આ ચૂંટણી સમયે કૃષ્‍ણમૂર્તિના ડ્રાઇવરે મતદાન કરવા માટે જવાની મંજૂરી માગી હતી પરંતુ એક મતથી શું ફરક પડે છે તેવું માનીને ખુદ કૃષ્‍ણમૂર્તિએ ડ્રાઇવરને મતદાન કરવા જવા દીધો ન હતો અને તેનું પરિણામ ભોગવવું પડ્‍યું હતું. બીજો એવો રસપ્રદ કિસ્‍સો રાજસ્‍થાનનો છે. રાજસ્‍થાન વિધાનસભાની ચૂંટણી સમયે સીપી જોશી મુખ્‍યમંત્રી પદના ઉમેદવાર હતા. આ ચૂંટણીમાં તેમને ૬૨૨૧૫ મત મળ્‍યા હતા જયારે હરીફ ઉમેદવાર કલ્‍યાણસિંહ ચૌહાણને ૬૨૨૧૬ મત મળ્‍યા હતા. માત્ર એક મત માટે સીપી જોશી ચૂંટણી હારી ગયા હતા. આ ચૂંટણીમાં જોશીના માતા અને પત્‍ની મતદાન કરવા ગયા ન હતા.

દાદીના એક મતથી પૌત્ર પંચાયતની ચૂંટણી જીત્‍યો

મહારાષ્ટ્રના પુનામાં દાદીના મતથી પૌત્રની પંચાયતમાં જીત થઇ હતી. મુલશી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૧૧૩ વર્ષના સરૂબાઇ સાઠે નામની દાદીએ તેમના પૌત્રને મત આપ્‍યો હતો. મત આપ્‍યા પછી રાત્રે દાદીનું અવસાન થઇ ગયું. જયારે પરિણામ આવ્‍યું ત્‍યારે પૌત્ર વિજય સાઠે માત્ર એક મતથી વિજયી બન્‍યો હતો. તેણે કહ્યું કે જો મારી દાદીએ મત આપ્‍યો ન હોત તો હું ચૂંટણી હારી ગયો હોત. મારા દાદી ઇચ્‍છતા હતા કે પૌત્ર ગામના વિકાસ માટે કોઇ કામ કરે અને તેની ઇચ્‍છા ફળિભૂત થઇ છે. ગુજરાતમાં ૨૦૧૭માં રાજયસભાની યોજાયેલી ચૂંટણીમાં જેડીયુના ધારાસભ્‍ય છોટુ વસાવાના એક મતથી કોંગ્રેસના અહમદ પટેલનો વિજય થયો હતો અને ભાજપના ત્રીજા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત હારી ગયા હતા.

સ્‍થાનિક ચૂંટણીમાં સૌથી વધુ મતનું મૂલ્‍ય સમજાય છે

૨૦૧૭માં મુંબઇ મહાનગરપાલિકાની ચૂંટણી વખતે સુરેન્‍દ્ર બાગલકર એક મતથી જીત્‍યા હતા. તેમના હરીફ અતુલ શાહે ફેર મતગણતરી કરતાં બન્નેને સરખાં ૫૯૪૬ મત મળ્‍યા હતા. ચિઠ્ઠી ઉપાડીને જીત નક્કી કરી હોવાથી અતુલ શાહ જીતી ગયા હતા. ગુજરાતના ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામની પંચાયતની બેઠક પર કોંગ્રેસના વારીસમિયાં ઠાકોર અને ભાજપના જહીરમિયાં ઠાકોર વચ્‍ચે  ખરાખરીનો જંગ હતો. બન્ને ઉમેદવારો એક જ જ્ઞાતિના હતા. પરિણામ આવ્‍યું ત્‍યારે ભાજપના ઉમેદવારને ૧૨૫૦ અને કોંગ્રેસના ઉમેદવારને ૧૨૪૯ મત મળ્‍યાં હતા. ભાજપનો એક મતે વિજય થયો હતો. ૨૦૧૦માં ભટોલી જદીદ પંચાયતના સરપંચ માટે બે મહિલાઓ નિતુ શર્મા અને પૂનમ શર્મા વચ્‍ચે પણ આવો જ જંગ હતો. પૂનમ શર્મા એક મતે ચૂંટણી જીત્‍યાં હતા. ગુજરાતમાં કોંગ્રેસની ઓલપાડ બેઠક પરથી ઉભા રહેલા દર્શન નાયકનો એક મતે વિજય થયો હતો, જયારે જલાલપોર તાલુકા પંચાયતમાં મંદિરગામની બેઠક પર ભાજપના વિક્રમ મહેતાનો એક મતે વિજય થયો હતો. એક મતથી વિજય મેળવેલો નેતા જેટલો ખુશ થાય છે તેટલું દુખ એક મતથી હારેલા નેતાને પણ થાય છે તેથી એક મતનું મૂલ્‍ય શું છે તે આ ઉદાહરણો બતાવી જાય છે.

 

-: આલેખન :-

ગૌતમ

પુરોહીત

gpurohit09@gmail.com

 

(12:28 pm IST)
  • નરસિંહા રાવની પુત્રીએ ઝૂકાવ્યુ : સત્તાધારી તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)એ તેલંગણા વિધાન પરિષદની ગ્રેજ્યુએટ બેઠક માટે ભૂતપૂર્વ વડાપ્રધાન નરસિંહા રાવની પુત્રી સુરભી વાણીના નામની ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે access_time 2:42 pm IST

  • હવે ગરમીના દિવસો શરૃઃ રાજકોટ ૩૪ ડીગ્રી : રાજકોટઃ ઠંડીના દિવસો હવે પુરા થયા છેઃ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છેઃ ઘર, ઓફિસ, દુકાનોમાં પંખા, એ.સી.ચાલુ થવા લાગ્યા છેઃ દરમિયાન આજે બપોરે ૨:૩૦ વાગ્યે રાજકોટમાં મહતમ તાપમાન ૩૪ ડીગ્રી નોંધાયું છેઃ સાંજ સુધીમાં એકાદ ડીગ્રીનો વધારો થવા સંભવ છે access_time 4:32 pm IST

  • ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા યોગી સરકારે બજેટનો પટારો ખોલ્યો : ફાયનાન્સ મિનિસ્ટર સુરેશ ખન્નાએ અત્યાર સુધીનું સૌથી મોટું 5,50,270 કરોડ રૂપિયાનું પેપરલેસ બજેટ ધારાસભામાં રજૂ કર્યું : અયોધ્યા નગરી માટે 140 કરોડ ,વેક્સીન માટે 50 કરોડ ,ખેડૂતોને મફત પાણી આપવા માટે 700 કરોડ ,તથા મહિલા શક્તિ કેન્દ્રોની સ્થાપના માટે 32 કરોડ રૂપિયાની ફાળવણી સાથે 2021-22 ની સાલનું બજેટ પેશ કરાયું access_time 1:54 pm IST