Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

એક અભ્યાસમાં દાવો

ચીનના વુહાનમાં નહિ પણ સ્પેનમાં સૌ પહેલા મળ્યો'તો કોરોના વાયરસ

લંડન, તા.૨૯: દુનિયાભરમાં કોરોના વાઈરસનો વધતું સંક્રમણ ચિંતાનું કારણ બન્યું છે. દરરોજ કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. જો કે રાહતની વાત છે કે, તેની સારવાર માટે હવે કેટલીક દવાઓ ઉપલબ્ધ છે, જેના કારણે પહેલાની સરખામણીમાં રિકવરી રેટ વધી ગયો છે. આ વાઈરસ ચીનના વુહાન શહેરથી દુનિયાભરમાં ફેલાયો એટલે તેની શરૂઆત ચીનના વુહાનથી માનવામાં આવે છે. જો કે એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના ચીનના વુહાનથી ૯ મહિના પહેલા સ્પેનમાં કયાંક મળી આવ્યો હતો. શોધકર્તાઓના આ દાવાથી લોકો પણ ચોંકી ગયા છે.

દુનિયાભરમાં લોકોને અત્યાર સુધી એવુ જ લાગતુ હતુ કે, કોરોના વાઈરસ ચીનના વુહાન શહેરથી આખા વિશ્વમાં ફેલાયો છે, પરંતુ શોધકર્તાઓની સ્ટડીએ લોકોને નવાઈ લાગી છે. શોધકર્તાઓનો દાવો છે કે, ચીનના વુહાનના નવ મહિના પહેલા સ્પેનમાં કોરોના વાઈરસ જોવા મળ્યો હતો.

સ્પેનની બાર્સેલોના યુનિવર્સિટીમાં કોરોના વાઈરસ પર શોધ કરનાર વૈજ્ઞાનિકોએ તેમના રિસર્ચમાં આ દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે, કોરોના વાયરસ સૌથી પહેલા ચીનના વુહાન શહેરમાં નહીં પરંતુ સ્પેનમાં જોવા મળ્યો હતો. વૈજ્ઞાનિકોએ તેમના રિસર્ચમાં જણાવ્યુ છે કે, સ્પેનના સીવેજના પાણીમાં માર્ચ ૨૦૧૯ માં જ કોરોના વાઈરસની હાજરી મળી હતી.

આ સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, સ્પેનના સીવેજ વોટરમાં વાઈરસ મળ્યાના નવ મહિના પછી ડિસેમ્બર ૨૦૧૯માં ચીનના વુહાનમાં કોરોનાની હાજરી જોવા મળી હતી. વૈજ્ઞાનિકોના આ દાવાથી કોરોના વાઈરસની ઉત્પત્તિ વિશેની ચર્ચા શરૂ થઈ શકે છે.

રિસર્ચમાં જણાવાયું છે કે બાર્સેલોનામાં ૧૨ માર્ચ ૨૦૧૯ના રોજ કોરોના સંક્રમણ મળ્યું હતુ. આ રિસર્ચમાં જાન્યુઆરી ૨૦૧૮ થી ડિસેમ્બર ૨૦૧૯ વચ્ચે સ્પેનના જુદા જુદા શહેરોમાંથી જમા થયેલા ગંદા પાણીના નમૂનાઓનું પરીક્ષણ કર્યુ અને વિશ્લેષણ કરવામાં આવ્યું હતુ. શોધકર્તાઓને એક નમૂનાને બાદ કરતા બાકીનામાં કોરોના વાઈરસની હાજરી મળી નથી.

જો કે સ્પેનમાં કોરોના વાઈરસ સંક્રમણનો પ્રથમ કેસ સત્તાવાર રીતે ફેબ્રુઆરી ૨૦૨૦માં સામે આવ્યો હતો. જયારે સ્ટડીમાં વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગંદા પાણીના જે એક નમૂના નિમ્ન સ્તર પર કોરોના વાઈરસના જીન મળ્યા, તે નમૂના ૧૨ માર્ચ ૨૦૧૯ ના રોજ બાર્સેલોના શહેરમાંથી લેવામાં આવ્યો હતો. આ દાવાએ ઘણા લોકોને આંચકો આપ્યો છે.

(3:52 pm IST)