Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ગલવાન ઘાટીમાં ટેન્ટમાં આગ લાગવાના કારણે ભારત - ચીન સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી

પૂર્વ સેનાધ્યક્ષ વી.કે.સિંહે હિંસક અથડામણની ઘટના અંગે કર્યો ખુલાસો

નવી દિલ્હી તા. ૨૯ : ૫ જૂનના રોજ ગલવાન ઘાટીમાં ચીનના સૈનિકોની સાથે ભારતીય સૈનિકોના ઘર્ષણને લઇ મોદી સરકારમાં મંત્રી વીકે સિંહે એક મોટો ખુલાસો કર્યો છે. વીકે સિંહનો દાવો છે કે, બંને સેનાઓની વચ્ચે આગના કારણે હિંસક ઘર્ષણ થયું. એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં વીકે સિંહે આ ખુલાસો કર્યો છે.

વીકે સિંહે કહ્યું, ૧૫ જૂનની રાતે આપણા દેશના કમાન્ડિંગ ઓફિસર LAC પર જોવા ગયા હતા કે ચીનના લોકો પરત આવ્યા છે કે નહીં. ત્યાં મોજૂદ ચીનના ટેંટને જોઈ કમાન્ડિંગ ઓફિસરે તેને હટાવવા માટે કહ્યું. તેની વચ્ચે એ ટેંટમાં આગ લાગી ગઇ. આગ લાગ્યા પછી જ બંને દેશોના સૈનિકોની વચ્ચે હિંસક ઘર્ષણ શરૂ થયું.

વીકે સિંહનો દાવો છે કે, ચીની સેનાના ટેંટમાં આગ લાગવાના કારણે ઘર્ષણ થયું. આ ઘર્ષણ દરમિયાન ભારતીય જવાનો ચીની સૈનિકો પર ભારે પડ્યા. ચીને તેના વધારે સૈનિકો બોલાવ્યા અને આપણા દેશના જવાનોએ પણ વધુ જવાનોને બોલાવ્યા. અંધારામાં ૫૦૦થી ૬૦૦ લોકોની વચ્ચે ઘર્ષણ થયું. ગલવાન ઘાટી ઘર્ષણને લઈ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ આર્મી ચીફ જનરલ વીકે સિંહે મોટો ખુલાસો કર્યો છે.

વીકે સિંહે કહ્યું કે, ચીનના લોકો વિચારીને આવ્યા હતા કે ભારતીય સેના પર ભારે પડી જશું, પણ એવું થયું નહીં. પહેલા આપણા ત્રણ લોકો હતાહત થયા હતા. પછી આપણા અને ચીનના સૈનિકો નદીમાં પડી ગયા હતા. ઈજા અને નદીમાં પડી જવાના કારણે આપણા ૧૭ વધુ જવાનો શહીદ થઇ ગયા. લગભગ ૭૦ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ચીન પર નિશાનો સાધતા વીકે સિંહે કહ્યું કે, ચીન કયારેય જણાવશે નહીં કે કેટલા લોકો હતાહત થયા છે. કેટલા લોકો મર્યા છે કે કેટલા નથી મર્યા. જે રીતે આપણા જવાનોએ ચીની સૈનિકોને જવાબ આપ્યો હતો, તેનાથી લાગે છે કે શરૂઆતમાં ૪૦થી વધારે ચીની સૈનિકોના હતાહતની જે ખબર આવી હતી. તે સંખ્યા બરાબર હતી. તેનાથી વધારે પણ હોઇ શકે છે.

કેન્દ્રીય મંત્રી વીકે સિંહે કહ્યું કે, ચીનની એક ખાસિયત રહી છે કે તે હંમેશા પોતાની કલેઇમ લાઈનને વધારી ચઢાવીને જણાવે છે. તેમના પ્રધાનમંત્રીએ ૧૯૫૯માં આપણા પ્રધાનમંત્રીને એક નકશો આપ્યો હતો. આ નકશાને જો તમે જમીન પર ઉતારવાની કોશિશ કરશો તો તકલીફ થાય છે.

૫ જૂનની રાતે ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. ઘણા કલાકો સુધી ચાલેલા આ ઘર્ષણમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા હતા. તો મીડિયા રિપોર્ટ અનુસાર, ચીનના ૪૦થી વધારે સૈનિકો હતાહત થયા, પણ ચીન તરફથી કોઇ ઓફિશ્યલ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

(3:50 pm IST)