Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

સાડા ત્રણ રૂપિયા વસૂલવા બેંકે ફોન કર્યોઃ ગરીબ ખેડૂત ૧૫ કિમી ચાલી 'પૈસા'ભરવા ગયો

બેંગલુરુ, તા.૨૯: મોટા-મોટા કૌભાંડીઓ અબજો રુપિયાના કાંડ કરી ભાગી જાય ત્યારે બેંકો તેમનું કશુંય નથી બગાડી શકતી. જોકે, સામાન્ય અને ગરીબ વર્ગના લોકો પાસેથી એક-એક રુપિયો વસૂલવા બેંકો કેવો પાવર બતાવે છે તેનો એક કિસ્સો કર્ણાટકમાં બન્યો છે. લોન લેનારા એક ખેડૂતને બેંકમાં એક આંગળીના વેઢે ગણાત તેટલા રુપિયા આપવાના બાકી નીકળતા હતા. જેની વસૂલાત માટે બેંકે તેને બોલાવ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેનરા બેંકની એક નાનકડા ટાઉન નિત્તુરમાં આવેલી શાખાએ ખેડૂતને તેના બાકી નીકળતા ૩ રુપિયા અને ૪૬ પૈસા ભરી જવા કહ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે ગરીબ ખેડૂતને આટલી મામૂલી રકમ ભરવા માટે ૧૫ કિલોમીટર ચાલીને બેંકમાં પહોંચવું પડ્યું હતું.

કર્ણાટકના શિમોગા જિલ્લાના બરુવે ગામથી બેંક સુધી પહોંચવા માટે કોઈ બસ કે બીજા સાધન પણ નથી જતા. તેવામાં ખેડૂત પાસે પગપાળા જ ૧૫ કિમી ચાલવા સિવાય કોઈ ઓપ્શન નહોતો. અમાદે લક્ષ્મીનારાયણ નામના આ ખેડૂતે બેંકમાંથી ૩૫૦૦૦ રુપિયાની લોન લીધી હતી. જેમાંથી સરકારે તેને ૩૨ હજારની સબસિડી આપી હતી, અને બાકીના ત્રણ હજાર તેણે બેંકમાં ભરી દીધા હતા.

એક દિવસ અચાનક જ બેંકમાંથી ખેડૂતને ફોન આવ્યો હતો અને તેને તાત્કાલિક બ્રાન્ચ પર આવી જવા માટે જણાવાયું હતું. ગભરાઈ ગયેલો ખેડૂત ૧૫ કિલોમીટર ચાલીને જયારે બેંક પહોંચ્યો ત્યારે તેને ખબર પડી હતી કે તેની પાસેથી ૩ રુપિયા ૪૬ પૈસા વસૂલવા માટે તેને આટલો લાંબો ધક્કો ખવડાવાયો છે. બીજી તરફ બેંકના મેનેજરે દાવો કર્યો હતો કે બાકી નીકળતી રકમ કલીયર કરવા ઉપરાંત તેની સહીની પણ જરુર હોવાથી ખેડૂતને બ્રાન્ચ પર બોલાવાયો હતો.

(3:50 pm IST)